Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિયાળાની તો મજા જ કંઈક ઓર છે. શિયાળાની શરૂઆત થાય એટલે હજુ ઠંડીની શરૂઆત થઈ હોય કે ન થઈ હોય પરંતુ સોશિયલ મીડિયામાં તો, મોર્નિંગ વોક કરીને કે જીમમાં જઈને પણ બોડી બનાવવાના ફાયદાઓ સમજાવતા મેસેજ ચાલુ થઈ જાય છે.
અને સોશિયલ મીડિયાના આવા ધોધમાર મેસેજીસમાં તરબોળ થઈને કેટલાય આરંભશુરા લોકો, તેના જેવા જ મિત્રોની સંગાથે સંકલ્પ કરી લે છે, આવતી કાલથી જ વહેલા ઊઠીને તળાવની પાળે મોર્નિંગમાં પહોંચી જવાનો. જ્યારે કેટલાક અતિઉત્સાહી લોકો તો જિમમાં જઈને, પોતાની કેપેસિટીનો વિચાર પણ કર્યા વગર, શિયાળાના ચાર મહિનાની ફી પણ એડવાન્સમાં ભરી આવે છે. અને પોતાના સોશિયલ મીડિયાના સ્ટેટસમાં જિમમાં ભરેલી ફીની સાથે પોતાનો શુભ સંકલ્પ જાહેર પણ કરી દે છે.
પરંતુ કહેવત છે કે *સારા કામમાં સો વિઘ્ન*. હજુ તો જીમની ફી ભરીને ઘરે પહોંચે તે પહેલા જ તેના કોઈ સગા કે અંગત મિત્ર, લગ્નની કંકોત્રી લઈને ઘરે પહોંચી ગયા હોય. બસ પછી તો જોઈએ જ શું ? દેખાદેખીમાં મિત્રોની સાથે સંકલ્પ લઈને બેઠેલા ભાઈને તો આ *ભાવતું'તુ ને વૈદે કીધું!* જેવી વાત થઈ. હવે તે ભાઈ બધાને કહેશે, અને પોતાનું મન પણ મનાવશે કે, મારે તો વહેલું ઉઠવું જ છે, અને મોર્નિંગ વોક કરવું જ છે. પરંતુ શું થાય ? લગ્નમાં તો જવું જ પડે ને..! અને હજુ શિયાળો તો આખો બાકી જ છે. આ લગ્ન પતે એટલે તરત મોર્નિંગ વોક શરૂ કરી દઈશું..
પરંતુ પછી તો શિયાળો આવે, અને કડકડતી ઠંડી પડે, એટલે પહેલો પ્રોબ્લેમ સવારે વહેલો ઉઠવાનો થાય. સવારે વહેલા ઊઠવાનો સંકલ્પ કરીને રાત્રે વહેલા સુઈ જઈએ તો પણ, આ ઠંડીમાં સવારે વહેલી નીંદર ઊડે જ નહીં.
વહેલી નીંદર ન ઉડવાને કારણે નટુએ સતત ચાર દિવસ મોર્નિંગ વોકમાંથી ગાપચી મારી. અને જોવાની ખૂબી તો એ કે મોર્નિંગ વોકમાં ન પહોંચતો નટુ, કલાક પછીની ચા ગાંઠિયાની પાર્ટીમાં તો અચૂક પહોંચી જાય..!!
ચોથે દિવસે ચા-ગાંઠિયાની પાર્ટીમાં લાલાએ નટુને પૂછ્યું, *તારે મોર્નિંગ વોકમાં આવવું છે ને ?*
*હા, હા, આવવું છે ને* નટુએ જવાબ આપ્યો.
*પરંતુ નિંદર નથી ઉડતી બરાબરને..*
*હા, હા, બિલકુલ એમ જ..*
*તારે કેટલા વાગે ઊઠવાની ઈચ્છા છે?*
*સવારે છ વાગે..*
*તો એક કામ કર..* લાલાએ તેને સમજાવ્યો. *તારે સવારે છ વાગે ઉઠવું છે એટલે રાત્રે સૂતા પહેલા છ વખત ઓશીકા પર જોરથી માથું પછાડજે... એટલે કાલે સવારે ચોક્કસ તું છ વાગે ઉઠી જઈશ..!!*
નટુએ લાલાના તોફાની સૂચનનો અમલ કર્યો. એટલે થયું એવું કે બીજે દિવસે સવારે નટુની નીંદર તો વહેલી ન ઉડી, પરંતુ તેને માથાનો દુખાવો ચાલુ થઈ ગયો. તેના કારણે નટુ ન મોર્નિંગ વોકમાં જઈ શક્યો કે ન ચા-ગાંઠિયાની પાર્ટીમાં પહોંચી શક્યો....
હવે તો પરિસ્થિતિ એ છે કે નટુ ને કોઈ પૂછે કે, *તારે મોર્નિંગ કરવું છે..?* એટલે નટુ જવાબ આપશે કે, *હા હા ચોક્કસ કરવું છે..*
*પરંતુ ક્યારથી ?*
*આવતીકાલથી.. પરંતુ રોજ સાંજે..!!*
વિદાય વેળાએ : પૈસાદાર બનવુ છે ? તો મહેનત કરો
અને જો પૈસાદાર દેખાવુ છે તો...
બરમુડો-ટી શર્ટ અને સ્લીપર પહેરી હાથમાં મિનરલ વોટરની બોટલ રાખો...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial