Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ વખતે દિવાળીના તહેવારો, વેકેશન અને નાતાલના મીની વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં બેકાબૂ કહી શકાય, તેવી ભીડ જોવા મળી હતી. કેટલાક દિવસોમાં તો જગતમંદિરમાં પણ મેન્યુલ ટ્રાફિક જામ થઈ ગયો હોય, તેવા દૃશ્યો સર્જાયા હતાં. સુદર્શન બ્રીજ બન્યા પછી બેટદ્વારકાના મુખ્ય મંદિરમાં પણ યાત્રાળુઓનો પ્રવાહ અનેકગણો વધી રહ્યો છે, જ્યારે નાગેશ્વર, હર્ષદ માતાજી સહિતના અન્ય યાત્રાધામો અને શિવરાજપુર, ઓખામઢી બીચ જેવા પ્રવાસન સ્થળોમાં સહેલાણીઓ પણ વધી રહ્યા છે, અને એવી જ ભીડ દ્વારકાના ગોમતી કાંઠે તથા ચોપાટી ઉપરાંત પૂર્વદરવાજે તથા બજારોમાં પણ મોટાભાગે જોવા મળતી હોય છે. એમાં પણ ભીડ વચ્ચે જ્યારે રખડુ સાંઢ સામસામા શિંગળા ભરાવીને યુદ્ધે ચડે, ત્યારે થતી નાસભાગ પણ ખતરનાક હોય છે.
આ તો થઈ મંદિરોની વાત, પરંતુ ઘણાં ધાર્મિક, સામાજિક અને અન્ય કાર્યક્રમોમાં પણ ઘણી વખત અચાનક વધી જતો જનપ્રવાહ ધક્કામૂક્કી સર્જતો જોવા મળતો હોય છે, તે ઉપરાંત બીમારી-રોગચાળાનો વધારો થાય ત્યારે દવાખાના, હોસ્પિટલોમાં પણ ધક્કામૂક્કી જેવા દૃશ્યો સર્જાતા હોય છે. એટલું જ નહીં, રેશનકાર્ડ લીન્ક, આધાર કાર્ડ કેન્દ્રો, સરકારી સેવાઓ, પોસ્ટ ઓફિસો તથા બેંકોમાં પણ ઘણી વખત ભીડ વધી જતા ધક્કામૂક્કી અને નાની-મોટી તકરારો થતી જોવા મળે છે.
આ ધક્કામૂક્કીના મૂળમાં અપુરતી વ્યવસ્થાઓ, દૂરંદેશીનો અભાવ અને ખાસ કરીને માનવસહજ ઉતાવળ જવાબદાર હોય છે, પરંતુ આ જ પ્રકારની ધક્કામૂક્કીના કારણે તિરૂપતિની તાજેતરની ઘટનાની જેમ લોકોએ જીવ પણ ગુમાવવો પડતો હોવાથી સમગ્ર 'સિસ્ટમ' સુધારવી જરૂરી છે, ખરૃં કે નહીં?
દેશમાં ચોતરફ અત્યારે તિરૂપતિમાં ધક્કામૂક્કી થતા ભાવિકોના થયેલા મૃત્યુની ચર્ચા છે. તિરૂપતિમાં જે ધક્કામૂક્કીના દૃશ્યો સર્જાય, તેવા જ દૃશ્યો હાલાર સહિત ગુજરાત અને દેશના ઘણાં મંદિરો તથા ધાર્મિક આયોજનો દરમિયાન સર્જાતા હોય છે. મંદિરોના ટ્રસ્ટો, સમિતિઓ અને સંચાલકો-વ્યવસ્થાપકોએ હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે દિવસે દિવસે મુલાકાતીઓ-દર્શનાર્થીઓનો પ્રવાહ તો વધતો જ રહેવાનો છે, તેથી પરાપૂર્વથી ચાલી આવતી વ્યવસ્થાઓ હવે ચાલે તેમ નથી, અને તેમાં સમયોચિત સુધારા-વધારા થવા જરૂરી છે. આ જ પ્રકારની સાવચેતી હોસ્પિટલો, બેંકો, સરકારી કચેરીઓ, પાલિકા-મહાપાલિકાઓ, આધાર કેન્દ્રો, સેવા કેમ્પો, મેડિકલ કેમ્પો, યજ્ઞો-નેત્રયજ્ઞો વગેરેનું આયોજન કરતા આયોજકો, પ્રાણપ્રતિષ્ઠા, સમૂહલગ્નો કે સહાય વિતરણ જેવી પ્રવૃત્તિઓ યોજતા આયોજકો અને ખાસ કરીને તદ્વિષયક સલામતી-સુરક્ષા માટે જવાબદાર સરકારી, અર્ધસરકારી સંસ્થાકીય અને ખાનગી તંત્રો-એજન્સીઓએ પણ રાખવી જ પડે તેમ છે. હવે લોલંલોલ ચાલે તેમ નથી, કારણ કે ઠેર-ઠેર 'તીસરી આંખ' અને પ્રેસ-મીડિયાના કેમેરા ઉપરાંત હવે તો સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહેતા હોય તેવા જાગૃત નાગરિકોના મોબાઈલ સેલ ફોનની 'ચોથી આંખ' પણ અત્ર-તત્ર સર્વત્ર 'એક્ટિવ' હોય છે!
દેશના માર્ગ-વાહન વ્યવહાર મંત્રી ખુદ જ અકસ્માતોના કારણે હોમાતી જિંદગીઓના આંકડાઓ સાથે વાહનચાલકોને ગતિમર્યાદાના પાઠ શીખવતા જોવા મળે છે, અને હિંમતપૂર્વક વર્તમાન સમયની વાસ્તવિક્તા સ્વીકારતા પણ સંભળાય છે, પરંતુ આ તમામ કારણોસર સડકો પર હોમાતી જિંદગીઓનું જવાબદાર કોણ? તેનો જવાબ ક્યાંયથી મળતો નથી. નિંભર તંત્રો, બિસ્માર માર્ગો અને ટ્રાફિક વ્યવસ્થાઓના અભાવ ઉપરાંત લોકોમાં પણ આ અંગે લાપરવાહી, ટ્રાફિક સેન્સનો અભાવ, બેફામ ડ્રાઈવીંગ, તેજ ગતિથી અને ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને વાહનો ચલાવવા, થોભાવવા કે પાર્ક કરવાની ભૂલ 'વટ'થી કરવાની માનસિક્તા પણ જીવલેણ દુર્ઘટનાઓ માટે એટલી જ જવાબદાર છે, જેટલી જવાબદાર સડેલી અને ભ્રષ્ટ થયેલી 'સિસ્ટમ' છે!
વાહન ચલાવીને કોઈ સ્થળે સમયસર કે ઝડપથી પહોંચવાની ઉતાવળ હોય કે પછી મંદિરોમાં દર્શન કરવાની ઉતાવળ હોય, સરકારી કામોની કંટાળાજનક લાઈનોમાં ઝડપથી વારો આવી જાય, તેવી તાલાવેલી હોય કે હોસ્પિટલ-કેમ્પોમાં તાકીદે વારો આવી જાય, તેની તત્પરતા હોય, એ યાદ રાખવું જોઈએ કે દુર્ઘટના સે દેર ભલી!!
ગતિમર્યાદાનો સિદ્ધાંત રોડ પર સડસડાટ દોડતા વાહનો હોય કે શેરી-મહોલ્લા-ગલીઓમાંથી પસાર થતા નાના-મોટા વાહનોના ચાલકો હોય, સરકારી વાહનો હોય કે (સરકારી તંત્રો પણ કદાચ જેનાથી ડરતા હોય) તેવા ખાનગી (કંપનીઓના) વાહનો હોય, વાહન દ્વિચક્રી, ત્રિચક્રી કે ફોર વ્હીલ હોય કે બસો અથવા તોતિંગ ખટારા હોય, છોટા હાથી હોય કે નબીરાઓની ગાડીઓ હોય... બધાએ ચૂસ્તપણે પાળવો જ પડે... કેટલાક અકસ્માતો તો 'વટ' મારવામાંથી જ ઉત્પન્ન થતા હોય છે ખરૃં કે નહીં?
ગતિમર્યાદા, પાર્કિંગ, વન-વે તથા ટ્રાફિકના નિયમોનું ચૂસ્ત પાલન કરે કોણ? પગની નીચે રેલો આવે, ત્યારે હડિયાપટ્ટી કરતા તંત્રો કાયમી ધોરણે ચપળ કેમ રહેતા નથી? સિસ્ટમને શિષ્ટાચારના સ્વરૂપમાં ભરખી રહેલા હપ્તાફેઈમ ભ્રષ્ટાચાર સ્વરૂપી ઉધઈ કોરીને ખાઈ રહી છે, પરંતુ તેને અટકાવવાવાળું કોઈ નથી, કારણ કે આ પ્રકારની ઉધઈઓના ઉદ્ભવસ્થાનો ક્યાં ક્યાં છે અને ક્યા ક્યા છે, તે ઓપન સિક્રેટ જ છે ને?
જામનગરને ફરતો રીંગરોડ ઘણાં વર્ષોથી કામો ચાલતા હોવા છતાં પૂરો થતો જ નથી. તેનું જવાબદાર કોણ? આ રીંગ રોડ પર સમર્પણ હોસ્પિટલ તરફથી દિગ્જામમીલ થઈને બેડીબંદર તરફ જતા માર્ગે રહેણાંક વિસ્તારોની વચ્ચેથી પૂરપાટ દોડતા ખટારા, બસો અને અન્ય વાહનોના કારણે ભયંકર અકસ્માતની સંભાવનાઓ વધી રહી છે, તેમ છતાં યાદવનગરથી લઈને દ્વારકાધીશ સોસાયટી સુધીના માર્ગે આડેધડ ખટારા-બસોનું પાર્કિંગ થતું હોવાથી ખતરનાક દુર્ઘટનાની વધુ શક્યતાઓ રહેતી હોવા છતાં લોકલ નેતાઓની ચૂપકીદી અને તંત્રોની 'મજબૂરી' લોકોને નથી... આવી જ સ્થિતિ નગરના ઘણાં વિસ્તારોમાં છે, ખરૃં કે નહીં?
હવે ગતિમર્યાદા અને ભીડ નિયંત્રણ માટે નવી વ્યવસ્થાઓ કરવી પડે તેમ છે, અને 'સિસ્ટમ'ને જડમૂળથી બદલવી પડે તેમ છે. એટલું જ નહીં, લોકોએ એટલે કે (આપણે) પણ 'વટ' મારવાની માનસિક્તા બદલવી પડે તેમ છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં બહાદુરી નથી, બેફામ ડ્રાઈવીંગ એ કુશળતા નથી અને બિનજરૂરી ધક્કામૂક્કી કે તકરારોથી સમય વધુ બગડતો હોય છે, તેટલું સમજાય જાય તો ય ઘણું છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial