Advertisement
Author: નોબત સમાચાર

ક્રોસ વોટીંગની આશંકા વચ્ચે રાજ્યસભાની પંદર બેઠક માટે મતદાન ચાલુઃ સાંજે પરિણામ

૧પ રાજ્યોની પ૬ ખાલી બેઠકો પૈકી ૪૧ બિનહરિફ થયા હતાંઃ 'ખેલા હોગા'ની જબરદસ્ત ચર્ચાઃ રોમાંચક જંગ

નવી દિલ્હી તા. ર૭ઃ આજે ૧પ રાજ્યોમાં રાજ્યસભાની પ૬ ખાલી બેઠકો પૈકી ૧પ બેઠકોની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જ્યારે ૪૧ ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે. ગઈકાલે સમાજવાદી પાર્ટીના કેટલાક સભ્યો ગાયબ હોવાના અહેવાલો પછી 'ખેલા હોગા'ના અનુમાનો અને ક્રોસવોટીંગની આશંકાઓ વચ્ચે મતદાન થઈ રહ્યું છે. સાંજે પરિણામો આવી જશે.

દેશના ૧પ રાજ્યોમાંથી કુલ પ૬ સભ્યો રાજ્યસભા માટે ચૂંટવાના હતાં, જેમાંથી ૪૧ બિનહરિફ ચૂંટાયા છે. બાકીની  ૧પ બેઠકો પર આજે ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ ૧પ માંથી ૧૦ સીટો ઉત્તરપ્રદેશની, ચાર કર્ણાટકની અને એક સીટ હિમાચલપ્રદેશની છે. આ ત્રણ રાજ્યોમાંથી કર્ણાટક અને હિમાચલપ્રદેશમાં કોંગ્રેસનું શાસન છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં ભાજપનું શાસન છે. ઉત્તરપ્રદેશમાં કુલ ૧૦ બેઠકો માટે ૧૧ ઉમેદવારો મેદાનમાં છે.

યુપીમાં સત્તાધારી ભાજપે આઠ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષ સપાએ ત્રણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. વિધાનસભામાં સંખ્યાત્મક સંખ્યા અનુસાર ભાજપના સાત અને સપાના બે ઉમેદવારો આસાનીથી જીતી શકે છે, પરંતુ ૧૦ મી બેઠક પર ભાજપ અને સપના ઉમેદવારો વચ્ચે જંગ થવાની સંભાવના છે. ભાજપે નોમિનેશનની છેલ્લી તારીખે તેના આઠમા ઉમેદવાર તરીકે ભૂતપૂર્વ એસપી નેતા સંજય સેઠને મેદાનમાં ઉતાર્યા, જેણે રાજકીય રમતને માત્ર રસપ્રદ બનાવ્યું જ નહીં, પરંતુ સપાના ત્રીજા ઉમેદવારની જીતને પણ જોખમમાં મૂક્યું. હવે આ એક બેઠક જીતવા માટે બન્ને પક્ષોએ મહેનત કરવી પડશે. આ રાજકીય લડાઈને કારણે ક્રોસ વોટીંગની શક્યતા વધી ગઈ છે.

એવું મનાય છે કે સમાજવાદી પાર્ટીના ઘણાં ધારાસભ્યો ક્રોસ વોટીંગ કરી શકે છે.

ગઈકાલે રાત્રે રાજ્યસભાની ચૂંટણીના એક દિવસ પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી, પરંતુ આઠ ધારાસભ્યોએ તેમાં હાજરી આપી ન હતી. આ ધારાસભ્યોની ગેરહાજરી પછી વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

સમાજવાદી પાર્ટીના મુખ્ય દંડક મનોજ પાંડે, મુકેશ વર્મા, મહારાજા દેવી, પૂજા પાલ, રાકેશ પાંડે, વિનોદ ચતુર્વેદી, રાકેશ પ્રતાપસિંહ, અભયસિંહ હાજર ન હતા. સપાના બે ધારાસભ્યો જેલમાં છે. મીડિયા અહેવાલો મુજબ પલ્લવી પટેલે સમાજવાદી પાર્ટીની તરફમાં મતદાન કર્યું હોવાનું મનાય છે.

ઉત્તર પ્રદેશના ઉમેદવારને રાજ્યસભામાં પહોંચવા માટે ૩૭ પ્રથમ પસંદગીના મતોની જરૃર છે. યુપી વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના ૧૦૮ ધારાસભ્યો છે, જ્યારે તેની સહયોગી પાર્ટી કોંગ્રેસ પાસે બે ધારાસભ્યો છે અને બસપા પાસે એક ધારાસભ્ય છે જો સપા તમામ ધારાસભ્યોને પોતાની સાથે રાખવામાં સફળ ન થાય તો તેના ત્રીજા ઉમેદવારને જીતવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ કે સપાને તેના ત્રણેય ઉમેદવારોને જીતવા માટે ૧૧૧ મતોની જરૃર પડે તેમ હતી હવે મતગણતરી પર સૌ કોઈની નજર મંડાયેલી છે.

અભિનેત્રી જયા બચ્ચન, પૂર્વ આઈએએસ અધિકારી આલોક રંજન અને પૂર્વ સાંસદ રામજીલાલ સુમનને અખિલેશ યાદવે રાજ્યસભાની ચૂંટણીમાં સપાના ઉમેદવાર બનાવ્યા છે. સપામાંથી માત્ર જયા બચ્ચનની સીટ ખાલી હતી.

બીજી તરફ ભાજપ તરફથી કુલ આઠ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સુધાંશુ ત્રિવેદી, આરપીએન સિંહ, અમરપાલ મૌર્ય, તેજપાલ સિંહ, નવીન જૈન, સાધના સિંહ, સંગીતા બળવંત અને સંજય સેઠનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh