Advertisement
Author: નોબત સમાચાર

પીએમ નરેન્દ્ર મોદીએ મિશન ગગનયાનના ચાર અવકાશ યાત્રીઓના નામ કર્યા જાહેર

૧૮૦૦ કરોડ રૃપિયાના ત્રણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટનઃ ઈસરોની ક્ષમતા વધશે

હરિકોટા તા. ર૭ઃ ગગનયાનના ૪ અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આ એવી શક્તિઓ છે જે ૧૪૦ કરોડ લોકોની આશાઓને સ્પેસમાં લઈ જશે'.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના તિરૃવનંતપુરમ્ પહોંચ્યા હતાં. વડાપ્રધાને વિક્રમ સારાભાઈ ઈસરોના ચીફ એસ સોમનાથ સાથે સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી છે. મોદી અહીં લગભગ રૃા. ૧૮૦૦ કરોડના ત્રણ સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને દેશના પ્રથમ મેન્ડ સ્પેસ મિશન ગગનયાનની સમીક્ષા કરી હતી. વડાપ્રધાને ગગનયાન મિશન પર મોકલવામાં આવનાર અવકાયાત્રીઓના નામની જાહેરાત કરી અને તેમને અવકાશયાત્રા વિંગ્સ આપી હતી.

ગગનયાન મિશન પર જે અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે તેમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અજીત કૃષ્ણન, અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા સામેલ છે.

આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ ઉભા થઈને આપણા અવકાશયાત્રીઓને અભિવાદન પાઠવે. દરેક રાષ્ટ્રની વિકાસયાત્રામાં કેટલીક એવી ક્ષણો આવે છે જે વર્તમાનની સાથે ભવિષ્યની પણ પેઢીઓને પણ વ્યાખ્યાયિત કરે છે. આજે ભારત માટે આ એક એવી ક્ષણ છે, આપણી વર્તમાન પેઢી ખૂબ જ ભાગ્યશાળી છે જેને જળ, જમીન, આકાશ અને અવકાશમાં ઐતિહાસિક કાર્યોની ખ્યાતિ મળી રહી છે. થોડા સમય પહેલા દેશને પહેલીવાર ૪ ગગનયાન યાત્રીઓ સાથે પરિચય થયો હતો. આ માત્ર ૪ નામ કે ૪ વ્યક્તિઓ નથી, આ ચાર શક્તિઓ છે જે ૧૪૦ કરોડ ભારતીયોની આશાઓને અવકાશમાં લઈ જશે. ૪૦ વર્ષ પછી કોઈ ભારતીય સ્પેસમાં જઈ રહ્યા છે, પરંતુ આ વખતે સમય આપણો છે, કાઉન્ટડાઉન પણ આપણું છે અને રોકેટ પણ આપણું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે ગયા વર્ષે ભારત ચંદ્રના સાઉથ પોલ પર તિરંગો ફરકાવનાર પ્રથમ દેશ બન્યો હતો. આજે શિવ-શક્તિ પોઈન્ટ સમગ્ર વિશ્વને ભારતની ક્ષમતાનો પરિચય કરાવી રહ્યો છે. પીએમએ કહ્યું - ર૦૩પ સુધીમાં ભારતનું અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે. આ સ્પેસ સ્ટેશનની મદદથી ભારત અવકાશના અજાણ્યા વિસ્તારનો અભ્યાસ કરી શકશે. અમૃતકાળનો આ સમયગાળો ભારતીય અવકાશયાત્રીઓ આપણા પોતાના રોકેટમાં ચંદ્રની સપાટી પર ઉતરશે.

તેમણે કહ્યું કે મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે ગગનયાનમાં ઉપયોગમાં લેવાતા મોટાભાગના સાધનો ભારતમાં બનેલા છે. આ એક ગજબનો સંયોગ છે કે જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે ટેકએફ કરી રહ્યું છે, ત્યારે જ ભારતનું ગગનયાન પણ આપણા સ્પેસ સેકટરને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

ઉલ્લેખનિય છે કે ગગનયાન મિશન માટે સેંકડો પાઈલોટ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પછી ૧ર ની પસંદગી કરવામાં આવી હતી. આ ૧ર પ્રથમ સ્તર પર આવ્યા હતાં. તેમની પસંદગી ઈન્સ્ટિટયુટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઈએએમ)માં થઈ હતી. આ પછી પસંદગી પ્રક્રિયાના અનેક રાઉન્ડ પૂર્ણ થયા. ત્યારબાદ ઈસરો અને એરફોર્સે ચાર ટેસ્ટ પાઈલટના નામ ફાઈનલ કર્યા. આ પછી ઈસરોએ આ ચારને ર૦ર૦ ની શરૃઆતમાં રશિયા, મોકલ્યા જેથી તેઓ મૂળભૂત અવકાશયાત્રી તાલીમ લઈ શકે. કોવિડ-૧૯ ને કારણે તેમની તાલીમમા વિલંબ થયો હતો. જો કે વર્ષ ર૦ર૧ થી ચારેય સતત તાલીમ લઈ રહ્યા છે અનેક પ્રકારની તાલીમો થઈ રહી છે.

પીએમ મોદીએ લગભગ ૧૮૦૦ કરોડ રૃપિયાના ત્રણ મહત્ત્વપૂર્ણ સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસનું ઉદ્દઘાટન કર્યું હતું. જેમા શ્રી હરિકોટાના સતીશ ધવન, સ્પેસ સેન્ટરમાં પીએસએલવી ઈન્સ્ટિગ્રેશન ફેસિલિટી, સેમી-ક્રાયોજેનિક ઇન્ટિગ્રેટેડ એન્જિન અને મહેન્દ્રગિરિમાં ઈસરો પ્રોપલ્શન કોમ્પ્લેકસમાં સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી અને વીએસએસસીમાં ટ્રાઈસોનિક વિન્ડ ટનલનો સમાવેશ થાય છે. પીએસએલવી ઈન્ટિગ્રેશન ફેસિલિટી દ્વારા દર વર્ષે લોન્ચ થનારા ૬ પીએસએલવી રોકેટની ક્ષમતા વધારીને ૧પ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh