Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે ૬ઠ્ઠા તબક્કાના મતદાનમાં ધર્મેન્દ્ર પ્રધાન, મેનકા ગાંધી, મહેબુબા મુફ્તી, મનોહરલાલ ખટ્ટરનું ઘડાશે ભાવિ

૩૩૮ ઉમેદવારો કરોડપતિ, ૩૩ર ઉમેદવારો ધો. પ થી ૧ર પાસ, ૧પ૧ સામે ગંભીર ગુન્હાઃ

નવી દિલ્હી તા. ર૪: આવતીકાલે ૬ઠ્ઠા તબક્કાના મતદાનમાં કેટલાક કેન્દ્રિય મંત્રીઓ તથા શાસક અને વિપક્ષના ઘણાં દિગ્ગજોના ભાવિ ઘડાશે. છઠ્ઠા તબક્કાના ઉમેદવારોમાંથી ૩૩૮ ઉમેદવારો કરોડપતિ, તો કેટલાક ઉમેદવાર ગુનાહિત આશીર્વાદ પણ ધરાવે છે.

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દિલ્હીની તમામ સાત બેઠકો સહિત છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની પ૮ બેઠકો માટે પ્રચાર ગુરુવારે સમાપ્ત થયો. રાષ્ટ્રીય રાજધાની સિવાય ઉત્તર૫્રદેશની ૧૪, હરિયાણાની ૧૦, બિહાર અને પશ્ચિમ બંગાળમાં આઠ-આઠ, ઓડિશામાં છ, ઝારખંડમાં ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થશે. અત્યાર સુધીમાં રપ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને પ૪૩ માંથી ૪ર૮ બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. અંતિમ તબક્કા હેઠળ ૧ જૂને મતદાન થવાનું છે અને ૪ જૂને મતગણતરી થશે. છઠ્ઠા તબક્કાના અગ્રણી ઉમેદવારોમાં સંબલપુર (ઓડિશા) થી ધર્મેન્દ્ર પ્રધાન (ભાજપ), ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી (ભાજપ) અને કન્હૈયા કુમાર (કોંગ્રેસ), સુલતાનપુર (ઉત્તરપ્રદેશ) થી મેનકા ગાંધી (ભાજપ), અનંતનાગથી મહેબુબા મુફ્તી છે. પ્રરાજૌરી (જમ્મુ અને કાશ્મીર) (પીડીપી), તમલુક (પશ્ચિમ બંગાળ) થી અભિજીત ગંગોપાધ્યાય (બીજેપી), કરનાલથી મનોહર લાલ ખટ્ટર, કુરૂક્ષેત્રથી નવીન જિંદાલ અને ગુરુગ્રામ સીટથી સેરાવ ઈન્દ્રજીત સિંહ છે.

ઝારખંડની ચાર લોકસભા બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર પણ ગુરુવારે સાંજે પ વાગ્યે સમાપ્ત થઈ ગયો છે. આ તબક્કામાં રાજ્યની ૪૦.૦૯ લાખ મહિલાઓ સહિત ૮ર.૧૬ લાખથી વધુ મતદારો મતદાન કરશે.

પશ્ચિમ બંગાળની તમલુક, કાંથી, ઘાટલ, ઝારગ્રામ, મેદિનીપુર, પુરૂલિયા, બાંકુરા અને બિષ્ણુપુર લોકસભા બેઠકો પર પ્રચાર ગુરુવારે સાંજે ૬ વાગ્યે સમાપ્ત થયો. રાજ્યમાં છેલ્લા તબક્કાના મતદાનમાં ૭૩.૬૩ લાખ પુરુષો, ૭૧.૭૦ લાખ મહિલાઓ અને ૧૩૩ ટ્રાન્સજેન્ડર મતદારો ૧પ,૬૦૦ મતદાન મથકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

પશ્ચિમ બંગાળની આઠ લોકસભા બેઠકો પર કુલ ૭૯ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જેમાંથી મહત્તમ ૧૩ ઉમેદવારો બાંકુરા અને ઝારગ્રામના છે. ૧ર પુરૂલિયાના છે અને મેદિનીપુર અને તમલુકના નવ-નવ ઉમેદવારો છે.

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાજ્યના ઘણાં દિગ્ગજ ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. જેમાં ઘાટલના તૃણમુલ કોંગ્રેસના સાંસદ, દીપક અધિકારી, ભાજપના મડગપુર સદરના ધારાસભ્ય હિરણ્યમ ચટ્ટોપાધ્યાય અને પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અગ્નિમિત્રા પૌલ સામે છે. બીજેપીએ કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ અભિજિત ગંગોપાધ્યાયને નેટમાલુકમાંથી મેદાનમાં ઉતાર્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુભેન્દુ અધિકારીના ભાઈ સૌમેંદુ અધિકારીને કાંઠી લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પુરૂલિયા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા નેપાલ મહતો ટીએમસીના શાંતિરામ મહતો સામે ચૂંટણી લડી રહ્યા છે. હરિયાણાની ૧૦ લોકસભા સીટો માટે ચૂંટણી પ્રચાર ગુરુવારે સાંજે પ વાગ્યે સમાપ્ત થયો. છઠ્ઠા તબક્કામાં રાજ્યના અગ્રણી નેતાઓનું ભાવિ જેમનું ભાવિ દાવ પર હશે તેમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ખટ્ટર અને કુમારી સેલજા, બે કેન્દ્રિય પ્રધાનો અને કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. રાજ્યની ૧૦ સંસદીય બેઠકો પર ૧૬ મહિલાઓ સહિત રર૩ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જેમાં રાવ ઈન્દ્રજીતસિંહ અને કળષ્ણ પાલ ગુર્જર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દીપેન્દ્રસિંહ હુડ્ડાનો સમાવેશ થાય છે. પૂર્વ મુખ્યમંત્રી ખટ્ટરના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા પછી ખાલી પડેલી કરનાલ બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે, જેના માટે નવ ઉમેદવારો મેદાનમાં છે.

લોકસભાની ચૂંટણીના છેલ્લા બે તબક્કાનું મતદાન થવાનું બાકી છે. છઠ્ઠા અને સાતમા તબક્કામાં પ૭-પ૭ લોકસભા સીટો માટે મતદાન થવાનું છે. છઠ્ઠા તબક્કામાં પ૮ બેઠકો પરથી ૮૬૯ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે સાતમા અને અંતિમ તબક્કામાં ૯૦૪ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

હવે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને નેશનલ વોચનો રિપોર્ટ આ બે તબક્કાની સીટો પરથી ચુંટણી લડી રહેલા ઉમેદવારોને લઈને આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર છઠ્ઠા તબક્કામાં ર૧ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે, જ્યારે સાતમા તબક્કામાં રર ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે.

છઠ્ઠા તબક્કામાં ચૂંટણી લડી રહેલા ૮૬૯ ઉમેદવારોમાંથી ૮૬૬ ઉમેદવારોએ નોમિનેશન સમયે આપેલા એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ૮૬૬ ઉમેદવારોમાંથી ૧૮૦ ઉમેદવારોએ માહિતી આપી છે કે તેમની સામે ફોજદારી કેસ નોંધાયા છે, જે લગભગ ર૧ ટકા છે. ૧૪૧ એટલે કે લગભગ ૧૬ ટકા ઉમેદવારોએ માહિતી આપી છે કે તેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયા છે. છ ઉમેદવારો સામે હત્યાના કેસ અને ર૧ ઉમેદવારો સામે હત્યાના પ્રયાસના કેસ નોંધાયા છે. ર૪ ઉમેદવારોએ એફિડેવિટમાં માહિતી આપી છે કે તેમની વિરૂદ્ધ મહિલાઓ વિરૂદ્ધ અપરાધો સંબંધિત કેસ નોંધાયેલા છે, જેમાંથી ત્રણ વિરૂદ્ધ બળાત્કારના કેસ નોંધાયેલા છે. ૧૬ ઉમેદવારો સામે હેટ સ્પીચના આરોપમાં કેસ નોંધવામાં આવ્યા છે.

રાજકીય પક્ષોની વાત કરીએ તો મુખ્ય પક્ષોમાં આમ આદમી પાર્ટીના પાંચમાંથી પાંચ, રાષ્ટ્રીય જનતા દળના ચારમાંથી ચાર, સમાજવાદી પાર્ટીના ૧ર માંથી નવ, ભારતીય જનતા પાર્ટીના પ૧ માંથી ર૮, એઆઈટીસી (મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ) ના નવમાંથી ચાર, બીજેડીના છમાંથી બે અને કોંગ્રેસના રપ માંથી ૮ ઉમેદવારોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. આરજેડીના ચારેય ઉમેદવારો સામે જ્યારે આમ આદમી પાર્ટીના પાંચમાંથી ચાર ઉમેદવારો, સપાના ૧ર માંથી નવ ઉમેદવારો, ભાજપના પ૧ માંથી ૧૮ ઉમેદવારો, એઆઈટીસીના નવમાંથી ત્રણ ઉમેદવારો, બીજેડીના છમાંથી બે ઉમેદવારો અને કોંગ્રેસના રપ માંથી છ ઉમેદવારો સામે ગંભીર ફોજદારી કેસમાં કેસ નોંધાયેલા છે.

છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં ૮૬૬ માંથી ૩૩૮ ઉમેદવારો કરોડપતિ છે. બીજેડીના તમામ છ, આરજેડી અને જેડીયુના ચારેય ઉમેદવારો, ભાજપના પ૧ માંથી ૪૮ ઉમેદવારો, સપાના ૧ર માંથી ૧૧, કોંગ્રેસના રપ માંથી ર૦ ઉમેદવારો કરોડપતિ છે. આમ આદમી પાર્ટીના પાંચમાંથી ચાર ઉમેદવારો અને એઆઈટીસીના નવમાંથી સાત ઉમેદવારોએ તેમના સોગંદનામામાં એક કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હોવાની માહિતી આપી છે. છઠ્ઠા તબક્કામાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૬કરોડ ર૧ લાખ રૂપિયા છે.

હવે વાત કરીએ શૈક્ષણિક યોગ્યતાની તો છઠ્ઠા તબક્કામાં ૩૩ર ઉમેદવારોએ પ માંથી ૧ર મા ધોરણ વચ્ચેની તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી છે. ૪૮૭ ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન અથવા તેથી વધુ જાહેર કરી છે, રર ઉમેદવારોએ ડિપ્લોમા ધારક છે. ૧ર ઉમેદવારોએ પોતાને માત્ર સાક્ષર જાહેર કર્યા છે અને ૧૩ ઉમેદવારો અભણ છે. ઉંમરની દૃષ્ટિએ રપ થી ૪૦ વર્ષની વચ્ચેના ર૭૧ અને ૪૧ થી ૬૦ વર્ષની વચ્ચેના ૪૩૬ ઉમેદવારો મેદાનમાં છે. ૧પ૯ ઉમેદવારોની ઉંમર ૬૧ થી ૮૦ વર્ષની વચ્ચે છે. આ તબક્કામાં ૯ર મહિલાઓ ચૂંટણી મેદાનમાં છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh