Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તંત્રની મીઠી નજર કે કોન્ટ્રાક્ટર સાથેની સમજુતિ-ભ્રષ્ટાચારના કારણે નબળા-ઢંગધડા વગરના રોડ એ કાયમી મોંકાણઃ લોકો ત્રસ્ત
જામનગર તા. ૧૩: જામનગર શહેરના અત્યંત બિસ્માર માર્ગો અંગે સમગ્ર શહેરની જનતામાં કાયમ માટે અસંતોષ ફેલાયેલો રહે છે. વરસાદ પડે ત્યારે તો આખું શહેર ખાડાનગર બની જાય છે... અને બિસ્માર માર્ગો, માર્ગોના નબળા કામો વરસાદના કારણે ખાડા પડી ગયા હોવાનું બહાનું આગળ ધરી ઢાંકી દેવાના અત્યંત ટીકાપાત્ર બચાવ મનપા તંત્ર દ્વારા કરવામાં આવે છે. પણ... આપણા મનપા તંત્રની તો વાત જ નિરાલી છે ભાઈ... વરસાદ પડે કે ન પડે... રસ્તાઓમાં બારે માસ ખાડા અને ખાડા જ જોવા મળે છે. ચીરોડા પૂરવાનું તો મનપા તંત્રના એજન્ડામાં જ હોતું નથી!
આ તો આ વર્ષે ચોમાસામાં ભારે કહી શકાય તેવો વરસાદ પડ્યો... અને શહેરના મુખ્ય માર્ગો, શેરીગલ્લીઓના માર્ગો, મુખ્ય ચોક/સર્કલમાં મસમોટા ખાડા પડી ગયા છે. ઉઘાડ અને તડકો નીકળતા ખાડામાં ભરાયેલા પાણી ધીમે ધીમે સૂકાયા છે તેટલી રાહત તંત્રની કામગીરી વગર થઈ છે.
આપણા શહેરના માર્ગોમાં ખાડા પૂરવાના કામમાં તંત્રની મીઠી નજર કે કોન્ટ્રાક્ટર સાથેની સમજુતિ/ભ્રષ્ટાચારના કારણે અત્યંત નબળી અને ઢંગધડા વગરની કામગીરી જ થાય છે. પરિણામે ખાડા પૂરાય ત્યારે ટેકરા થાય કે આડેધડ ઢાળિયા કે સ્પીડબ્રેકર બની જાય તેવી સ્થિતિ થઈ જાય છે. આ ખાડા પ્રેશરથી પુરાયા ન હોય, એક-બે દિવસમાં ટેકરા થયેલા ભાગ જમીનમાં બેસી જાય અને 'યુ' આકારની વધુ જોખમી સ્થિતિ સાથેનો રસ્તો બની જાય... આવા ખાડાપુરાણના કારણે શહેરના ગરીબ, મધ્યમ, નિમ્ન મધ્યમ વર્ગ, શ્રમિકો, મજૂરો, મહિલાઓના ટુ-વ્હીલર વાહનોમાં પંકચર પડવા સહિતના નાના-મોટા નુક્સાન થાય છે, અને ખાડાઓના કારણે ગબડી પડવાના, ઈજા થવાના, અકસ્માતો થવાના બનાવો દરરોજ બને છે.
જામનગર મહાનગરપાલિકામાં નિયમિતરીતે સ્થાયી સમિતિની બેઠકોમાં લાખો-કરોડોના કામોને મંજુરી આપવામાં આવે છે, તેમાં 'અપગ્રેડેશન અને સ્ટ્રેન્ધનીંગ'ના કામોનો લગભગ દર વખતે ઉલ્લેખ હોય છે. 'સાલુ... આ સમજાતું નથી કે ક્યા કામનું મજબુતિકરણ કે અપગ્રેડેશન થયું?' રસ્તાના કામોનો પણ વોર્ડવાઈસ ઉલ્લેખ હોય છે તો આ લાખ્ખો-કરોડોના કામો થાય છે ક્યાં? માત્ર કાગળ ઉપર??
જામનગર મહાનગરમાં છેલ્લા ઘણાં વર્ષોથી એકપણ મુખ્ય માર્ગનું સદંતરપણે નવીનિકરણ થયું નથી. બસ થીગડા માર્યા રાખો અને થૂંકના સાંધા જેવા નબળા કામોના કારણે આ મુખ્ય માર્ગો પણ કઢંગા થઈ ગયા છે.
ગુજરાત સરકારે દરેક શહેરી વિસ્તારના ધારાસભ્યોના શહેરમાં રસ્તા રીપેરીંગ, ખાડા પૂરવા ખાસ રૂ. બે-બે કરોડની ગ્રાન્ટ ફાળવી છે. સુરત, વડોદરા જેવા શહેરોમાં તો ખાડા પૂરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ પણ કરી દેવામાં આવી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા હજી ઘોર નિદ્રામાં જ છે. તેમાં વળી જાણવા મળતી વિગતો મુજબ મ્યુનિ. કમિશનરે એવું જણાવ્યું છે કે ૧પ મી ઓક્ટોબર પછી રસ્તાના કામ થશે... અરે ભાઈ... ૧પ મી ઓક્ટોબરને હજી એક મહિનાની વાર છે. ત્યારપછી કામ ચાલુ થાય તો સમગ્ર શહેરમાં કામ ક્યારે પૂરા થાય! તેમાં હવે ત્રીજી ઓક્ટોબરથી તો નવરાત્રિના તહેવારો, ત્યારપછી તરત જ દિવાળીના તહેવારો, આવશે તો નગરજનોને વર્ષના સૌથી મોટા ગણાતા તહેવારોમાં પણ ખાડા કે બિસ્માર માર્ગોના પ્રશ્ને રાહત મળે તેમ જણાતું નથી.
આપણાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ખાસ કરીને સત્તાધારી ભાજપના કોર્પોરેટરો, પદાધિકારીઓ તેમજ અન્ય ઉચ્ચ ચૂંટાયેલા રાજકીય નેતાઓ માટે જામનગર શહેરના લોકો માટે ખાસ કરીને રસ્તાના પ્રશ્ને સંતોષકારક કામ કરીને રાહત આપવા જેટલી સંવેદના જ નથી.
સત્તાધારી ભાજપના ચૂંટાયેલ લોક પ્રતિનિધિઓ તો બિચારા હાલ પક્ષના સદસ્યતા અભિયાનમાં ટાર્ગેટ પૂરા કરવા દોડધામ કરી રહ્યા છે. તેમાં વળી વડાપ્રધાનના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું જાહેર થયું છે. તેથી પક્ષના લોકો તો નવરા થાય તેમ જણાતું નથી. પક્ષના કાર્યક્રમો, અભિયાન, ઝુંબેશ, મેળાવડાઓ, ભોજન સમારંભોમાં સહભાગી થવું પડે તે સમજી શકાય, પણ તમે જે લોકોના મતોથી ચૂંટાયા છો તેમના માટે તો કમ-સે-કમ થોડો સમય ફાળવો... આપત્તિ સમયે કે કાયમી પરેશાની થતી હોય તેવા પ્રશ્ને તો પ્રજાની પડખે રહો. શા માટે જામનગરમાં યુદ્ધના ધાોરણે ખાડા પૂરવાની, રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવતી નથી? ખાડા ખૂબ જ વ્યવસ્થિત રીતે પુરાય, રસ્તા બરાબર/સમથળ થાય, ખાડા બેસી ન જાય, ચીરોડા પૂરાય તેવી કામગીરીમાં જરાય નબળુ કામ ન થાય તે માટે માથે ઊભા રહીને કામ કરાવવા જેટલી દરકાર લેવાની જરૂર છે. નહીંતર રસ્તા રીપેરીંગ, ખાડા પૂરવાના કામોમાં જે રીતે દર વખતે મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે તેવા જ કામો થશે.
આશા રાખીએ કે પ્રજા પણ જાગૃત થઈને પોતાના વિસ્તારમાં રસ્તા-ખાડાના કામ બરાબર થાય અને તેમના વિસ્તારમાં હાથ જોડીને મત માંગવા નીકળી પડતા મતદાનના દિવસે મતદારોને ઘરેથી બહાર કાઢવા દોડાદોડી કરનારાઓને પણ હાથ પકડીને સાથે રાખો... તો જ આ તંત્ર સુધરશે અને તો જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રજાના અસલી મિજાજનો પરચો મળશે? વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં તો ત્યાંની પ્રજાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો રીતસર ઉઘડો લીધો છે અને ત્યાં કામો ચાલુ થઈ ગયા છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial