Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર તથા ભૂસ્ખલને તબાહી મચાવીઃ શાળા-કોલેજો બંધ
નવી દિલ્હી તા. ૧૩: ઉત્તર ભારતથી લઈને પૂર્વોત્તર સુધી ભારે વરસાદ પડતા ૪૭ લોકોના મોત થયા છે. દિલ્હી, યુપી અને ઉત્તરાખંડ સહિત ૧૪ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભૂસ્ખલન અને સતત વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.
પશ્ચિમ હિમાલયના રાજ્યોથી લઈને ઉત્તર-પૂર્વ ભારત સુધીના લગભગ તમામ રાજ્યોમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમમાં રાજસ્થાન, મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ અને પૂર્વ ભારતમાં ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છ. દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદે ૩૬ કલાકમાં ૪૭ લોકોના જીવ લીધા. તેમાં ઉત્તરપ્રદેશમાં ૩ર, મધ્યપ્રદેશમાં ૧૧ અને રાજસ્થાનમાં ચાર લોકોના મોતનો સમાવેશ થાય છે. મોટાભાગના મોત દીવાલો અને મકાનો પડવાથી થયા છે. આ અકસ્માતમાં ૩૮ લોકો ઘાયલ પણ થયા છે. તે જ સમયે ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે સ્થિતિ ખરાબ છે.
કેદારનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે અને શુક્રવારે રાજ્યની તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગે હિમાલય અને ઉત્તરાખંડ સહિત ૧૪ રાજ્યોમાં વધુ ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર અને પૂર્વોત્તર રાજ્યોમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. આ રાજ્યોમાં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હિમાલય, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડનો સમાવેશ થાય છે. મધ્ય ભારતમાં બનેલા ઊંડા લો પ્રેશર વિસ્તારને કારણે યુપી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ થશે. જેના કારણે હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને પ. મધ્ય પ્રદેશમાં ઘણી જગ્યાએ અચાનક પૂરનો ભય છે.
હવામાન વિભાગે શુક્રવારે પણ દિલ્હી એનસીઆરમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે, તેમજ રપ થી ૩પ કિ.મી. પ્રતિકલાકની ઝડપે સપાટી પરના મજબૂત પવનની આશંકા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી પછી પ્રશાસને તમામ જિલ્લામાં ધો. ૧ર સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદને કારણે ગુરુવારે કેદારનાથ પદયાત્રાનો માર્ગ બંધ કરવો પડ્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામથી કોઈને નીચે ઉતારવામાં આવ્યા નથી.
યાત્રા બંધ થવાને કારણે લગભગ ર,પ૦૦ મુસાફરો સોનપ્રયાગમાં ફસાયેલા છે. રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે ૧૬૮ રસ્તાઓ બંધ છે. આમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય માર્ગો, સરહદી માર્ગો અને ગ્રામીણ મોટર માર્ગોનો સમાવેશ થાય છે.
હવામાન કેન્દ્રે દેહરાદૂન, હરિદ્વાર, પૌરી, બાગેશ્વર, નૈનીતાલ, ચંપાવત અને ઉધમસિંહનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશ, ખાસ કરીને ત્રણ જિલ્લા, શિમલા, કિન્નૌર અને સિરમૌર માટે શુક્રવારનો દિવસ ખૂબ જ ભારે રહેવાનો છે. સ્થાનિક હવામાન વિભાગે આ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અચાનક પૂરની સંભાવના વ્યક્ત કરી છે અને વહીવટી કર્મચારીઓ તેમજ લોકોને સાવચેતી આપી છે. શુક્રવારે રાજ્યના ૧ર માંથી પાંચ જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૩૭ રસ્તાઓ બંધ છે અને ૧૦૬ વીજ પુરવઠા યોજનાઓ પણ અટકી પડી છે.
ધારચુલાની દારમા અને વ્યાસ ખીણોના ઊંચા વિસ્તારોમાં ગુરુવારે સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. બુધવારથી સતત વરસાદને કારણે ઊંચા હિમાલયના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. બપોર પછી દરમા ખીણના છેલ્લા ગામ સિપુ (૧૧,૮ર૦ ફૂટની ઊંચાઈ) પર હવામાન અચાનક બદલાઈ ગયું અને હળવા વરસાદ સાથે હિમવર્ષા શરૂ થઈ. મેદાનોમાં લગભગ છ ઈંચ અને પહાડોમાં એક ફૂટ સુપી બરફ પડ્યો હતો. મુન્સિયારી, પંચાચુલી, રાજરંભ અને અન્ય ઊંચા શિખરો પર પણ હિમવર્ષા થઈ છે. હિમાચલના આદિવાસી જિલ્લા કિન્નૌરીના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે.
રાજસ્થાનમાં છેલ્લા ઘણાં દિવસોથી પડી રહેલા વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. ધોલપુર, ભરતપુર, કરૌલી, કોટા અને પ્રતાપગઢ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં ભારે વરસાદ થયો છે. ધોલપુરના રાજખેડામાં સૌથી વધુ ર૩૭ મીમી વરસાદ નોંધાયો છે. જેના કારણે ધોલપુર બારી સ્થિત ઉર્મિલા સાગર ડેમમાંથી પાણી રોડ પર આવી જતા નેશનલ હાઈ-વે ૧૧ ને વાહનવ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો. પાર્વતી ડેમમાં વધુ પ્રમાણમાં પાણી જમા થવાને કારણે તેના ૧૦ દરવાજા ખોલવા પડ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial