Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ૫ીના વડપણ હેઠળના દરોડામાં રૂ.૧૨ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ૨૬ શખ્સ ઝબ્બેઃ મકાનમાંથી દારૂ પણ પકડાયોઃ
જામનગર તા. ૧૩: જામનગરના નવાગામ ઘેડમાં આવેલા એક મકાનમાં બુધવારની મોડીરાત્રે ખુદ એસપીના વડપણ હેઠળની પોલીસ ટીમે દરોડો પાડી ઘોડીપાસાની હાઈપ્રોફાઈલ કલબ ઝડપી લીધી હતી. જેના મકાનમાં કલબ ચાલતી હતી તે શખ્સને ફરાર જાહેર કરાયો છે. પટમાંથી રોકડ, નવ મોબાઈલ મળી રૂ.૧૨,૧૮,૦૬૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. સ્થળ પરથી ઝડપાયેલા ૨૬ શખ્સ સામે પોલીસ ખુદ ફરિયાદી બની છે. ખાનગી વાહનમાં જઈ પોલીસ ટીમે આ દરોડો પાડ્યો હતો. જેનું નેતૃત્વ એસપી તથા ડીવાયએસપીએ સંભાળ્યું હતું.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ભીમવાસ પાસે બે નંબરના ઢાળીયા નજીક સિદ્ધેશ્વર સોસાયટીમાં એક શખ્સના મકાનમાં બુધવારની રાત્રે ઘોડીપાસાની કલબ ચાલી રહી હોવાની બાતમી પરથી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા તથા સ્ટાફે રાત્રે ત્રણ વાગ્યે દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા રમેશ વાઘેલા ઉર્ફે પ્રમુખ નામના શખ્સના મકાનમાં પોલીસે દરોડો પાડતા રમેશ વાઘેલા તથા સચિન વલ્લભભાઈ માડમ દ્વારા ચલાવાતી જુગારની કલબ ઝડપાઈ ગઈ હતી. આ સ્થળે જુગાર રમી રહેલા સચિન માડમ, અનિલ હરીશભાઈ મંગે, સુનિલ સુરેશભાઈ મારૂ, ફારૂક હુસેનભાઈ ઓડીયા, અલ્તાફ સતારભાઈ આંબલીયા, રમેશ મગનભાઈ મકવાણા, પરેશ કિશોરભાઈ મારૂ, રમેશ ગોવિંદભાઈ મંગે, ભાવેશ હરણી, તેજસિંહ કુંવરસિંહ રાજબાર, તૌફિક અબ્દુલ કાદરી, જયમીન મુકેશભાઈ નરેલા, પ્રકાશ વલ્લભભાઈ ગોંડલીયા, લાખાભાઈ દલુભાઈ ધારાણી, મયુર કરશનભાઈ ભાટીયા, લાલજી રામજીભાઈ પરમાર, રાહુલ ભરતભાઈ કનખરા, સેવક શ્યામજીભાઈ મકવાણા, વિમલ કિશોરભાઈ નંદા, અજય લક્ષ્મણભાઈ પરમાર, સાજીદ વલીમામદ ગોધાવીયા, ઈકબાલશા ઉમરશા ફકીર, સતિષ હરીશભાઈ મંગે, ભાવેશ અરશીભાઈ ગોજીયા, આસિફ યુસુફભાઈ ફૂલવાલા, હસમુખ મનહરભાઈ પરમાર નામના ૨૬ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ.૧૧ લાખ ૨૮૦૬૦ રોકડા, ૯ મોબાઈલ મળી કુલ રૂ.૧૨,૧૮,૦૬૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
દરોડા વેળાએ પોલીસે કબજે કરેલો મુદ્દામાલ અને આરોપીઓના નામ સહિતની વિગતો ગઈકાલે બપોર પછી જાહેર કરી હતી. જેના મકાનમાં જુગાર રમાતો હતો તે રમેશ વાઘેલા સ્થળ પર હાજર ન હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે. પોલીસે મોડીરાત્રે ખુદ એસપીના વડપણ હેઠળ જ્યારે દરોડો પાડ્યો ત્યારે અત્યંત ગુપ્ત રીતે કામગીરી પૂર્ણ કરી હતી. ખાનગી વાહનમાં દોડી ગયેલી પોલીસ ટીમે પન્ટરોને પોલીસ દરોડાની ગંધ ન આવે તે રીતે દરોડો પાડ્યો હતો. તમામ પન્ટર સામે સિટી બી ડિવિઝનના પો.કો. આર.વી. આંબલીયાએ ખુદ ફરિયાદી બની જુગારધારા કલમ ૪, ૫ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. મોડીરાત્રે પડેલા આ દરોડાની આછી પાતળી વિગતો વહેતી થઈ હતી પરંતુ તમામ આરોપીઓના નામ, સરનામા તથા કબજે થયેલી રોકડની ગણતરી પૂર્ણ થયા પછી બપોર પછીના સમયે પોલીસે આ ગુન્હાની પત્રકારોને જાણ કરી હતી. નવાગામ ઘેડમાંથી ઝડપાયેલી આ હાઈપ્રોફાઈલ ઘોડીપાસાની કલબે ચકચાર જગાવી છે.
મકાનમાંથી મળી આવ્યા ઈંગ્લીશ દારૂના ૨૭૩ પાઉચઃ
જુગાર રમાડવા ઉપરાંત દારૂનો પણ જથ્થો રાખી પ્રમુખે સાબિત કરી પોતાની બિનદાસ્તગીરી!
જામનગરના નવાગામ ઘેડમાં રમેશ મુળજીભાઈ વાઘેલા ઉર્ફે પ્રમુખ નામના શખ્સના મકાનમાં બુધવારની મોડીરાત્રે ઘોડીપાસાની કલબ ઝડપાઈ હતી. એસપીના વડપણ હેઠળની પોલીસ ટીમે દરોડા પછી રમેશ વાઘેલાના મકાનની તલાશી લેતાં તે મકાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૨૭૩ પાઉચ પણ મળી આવતા ખળભળાટ મચ્યો છે. આ શખ્સ સચિન વલ્લભભાઈ માડમ સાથે મળી નાલ ઉઘરાવી પોતાના ઘરમાં જુગારનો અખાડો ચલાવતો હતો અને તેની સાથે જ રમેશે મકાનમાં દારૂના ૨૭૩ પાઉચ પણ બિનદાસ્ત રીતે રાખ્યા હતા. પોલીસે રૂ.૪૦,૯૫૦ની કિંમતના પાઉચ કબજે કરી લીધા છે. સિટી બી ડિવિઝનના પો.કો. જે.એ. જાડેજાએ ખુદ ફરિયાદી બની રમેશ વાઘેલા સામે બીજો ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
પોતાના જ મકાનમાં બહારથી આટલી મોટી સંખ્યામાં પન્ટરોને બોલાવી જુગાર રમાડવાની હિંમત ઉપરાંત રમેશ વાઘેલાએ ઈંગ્લીશ દારૂનો જથ્થો પણ મકાનમાં રાખી તે શખ્સ કેટલો બિનદાસ્ત હતો તે સાબિત કર્યું છે. પોલીસે જુગારના કેસમાં ફરાર રહેલા રમેશને દારૂના કેસમાં પણ પકડવાનો બાકી બતાવ્યો છે અને તેની ધરપકડ કરી લેવા માટે તેના આશ્રયસ્થાનો પર વોચ ગોઠવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial