Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરસિદ્ધિ માતાજીના મંદિર સંકુલના વિકાસ માટે કેન્દ્ર-રાજય સરકારે મળીને ૩ર.પ કરોડ ફાળવ્યા છેઃ વનમંત્રી મૂળુભાઈ બેરા
ખંભાળીયા તા. ૯: "એક પેડ માઁ કે નામ" મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૭પ મા વન મહોત્સવ-ર૦ર૪ નાન પ્રારંભે મુખ્યમંત્રી દ્વારા દ્વારકાના હર્ષદમાં રાજ્યના ર૩મા સાંસ્કૃતિક વન "હરસિદ્ધિ વન"નું લોકાર્પણ થયું હતું, અને "માતૃવન"ના નિર્માણ અર્થે મુખ્યમંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામે હરસિદ્ધિ માતાના મંદિરેથી *એક પેડ માં કે નામ* અભિયાનની સાથે ૭૫મા વન મહોત્સવ- ૨૦૨૪નો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે તેઓએ દરિયા કિનારે નિર્મિત રાજ્યના ૨૩મા સાંસ્કૃતિક વન *હરસિદ્ધિ વન*નું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના ઉપક્રમે યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે *માતૃવન*ના નિર્માણ અર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું હતું કે, *એક પેડ માં કે નામ* અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં સવા સાત કરોડ વૃક્ષો વાવીને ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. આવનારા દિવસોમાં જન જનના સહયોગથી આ અભિયાનને જન આંદોલન બનાવવાનું છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારોથીત્રસ્ત છે, ત્યારે વિઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસે *એક પેડ માં કે નામ* અભિયાન શરૂ કરાવ્યું છે, તે અંતર્ગત દેશમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના આહવાનને ઝીલીને ગુજરાતે ૭૫મા વન મહોત્સવ અન્વયે *એક પેડ માં કે નામ* અભિયાનને વેગવાન બનાવ્યું છે.હર્ષદ ગાંધવી ખાતે નિર્માણ પામેલા ૨૩મા સાંસ્કૃતિક વન - હરસિદ્ધિ વનમાં ૪૧ હજારથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, *એક પેડ માં કે નામ* અભિયાન અંતર્ગત આગામી માર્ચ મહિના સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧૭ કરોડ વૃક્ષો વાવવાના છે. ૭૫મા વન મહોત્સવ અંતર્ગત વન વિભાગ દ્વારા લોકભાગીદારીથી સમગ્ર રાજ્યમાં પાંચ હજાર જેટલા માતૃવનનું નિર્માણ કરાશે.
બાળકોમાં વૃક્ષ વાવવાના અને તેના જતનના સંસ્કાર કેળવાય એટલા માટે રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓમાં સવા ત્રણ લાખ વૃક્ષોના વાવેતરનો પ્રારંભ કરી દેવાયો છે. સદભાવના વૃદ્ધાશ્રમ સાથે મળીને દ્વારકા સોમનાથ કોસ્ટલ હાઇવેની બંને બાજુએ ૪૦ હજાર જેટલા વૃક્ષો વાવવાનું આયોજન છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે દ્વારકાના ગાંધવીમાં દરિયા કિનારે સુંદર સાંસ્કૃતિક વનનું નિર્માણ થયું છે. આટલે દૂર સુંદર વન બની શકે એવી કોઈ કલ્પના પણ ન કરી શકે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં વન મહોત્સવની ઉજવણી તેમજ સાંસ્કૃતિક નિર્માણનો આગવો વિચાર આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણને સાથે રાખીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની નેમ રાખી છે. *એક પેડ માં કે નામ* અભિયાન અંતર્ગત અહીં એક માતૃવન નિર્માણ કરાઈ રહ્યું છે, ત્યારે આજે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત આસપાસના ગામના લોકો એક એક ઝાડ વાવશે ત્યારે અહીં વિશાળ વન ઊભું થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વન મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક વનોના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. જે અંતર્ગત આજે ૨૩મું સંસ્કૃતિક વન હરસિધ્ધિ મંદિર પાસે નિર્માણ પામ્યું છે.
દ્વારકાના આંગણે આ બીજું સાંસ્કૃતિક વન છે. અગાઉ દ્વારકા પાસેના જ્યોતિર્લિંગ નાગેશ્વર પાસે નાગેશ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરાયું હતું. આવનારી પેઢીનું ભાવિ સ્વસ્થ, સમૃદ્ધ અને સુખી રાખવું હોય તો પર્યાવરણ સંતુલન અને ગ્રીન ગ્રોથ સાથેનો વિકાસ એ જ માત્ર ઉપાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશ મુજબ આપણે સાંસ્કૃતિક વનોને ધાર્મિક આસ્થાના તીર્થસ્થળો સાથે જોડ્યા છે અને તીર્થદર્શન સાથે પ્રાકૃતિક પ્રેમને ગુજરાતે મહત્વ આપ્યું છે. સોમનાથ મહાદેવમાં હરિહર વન, દ્વારકામાં નાગેશ્વર ખાતે નાગેશ વન સાથે હવે હરસિધ્ધિ વન તથા સુદામાનગરી પોરબંદરમાં મહાત્મા ગાંધીની જન્મ સ્થળની પ્રવાસન સર્કિટ લોકોને આકર્ષશે.
દેશની આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે પર્યાવરણ જતન અને સંવર્ધનની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતો આ ૭૫મો વન મહોત્સવ અમૃત વન મહોત્સવ બનશે. ૧૫મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન પ્રમાણે *હર ઘર તિરંગા અભિયાન* અંતર્ગત દરેક નાગરિકને પોતાના ઘર પર તિરંગો લહેરાવવાનું આહ્વાન પણ મુખ્યમંત્રીએ કર્યું હતું.
રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવીમાં યોજાયેલા રાજ્ય કક્ષાના ૭૫મા વન મહોત્સવ પ્રસંગે જિલ્લાને ૨૩મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનની ભેટ મળી છે. આ સ્થળ દર્શનાર્થીઓ માટે એક ઉત્તમ પ્રવાસન સ્થળ બની રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૨૫ કરોડ તેમજ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭.૫ કરોડ મળીને કુલ ૧ર.પ કરોડથી વધુની રકમ હર્ષદ માતાજી મંદિર તેમજ આજુબાજુ વિકાસ માટે મંજૂર કરી હોવાની જાહેરાત પણ તેમણે કરી હતી.
મૂળુભાઈએ રાજ્યમાં વૃક્ષોનું પ્રમાણ વધારવા જન ભાગીદારી તેમજ સામાજિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસ અને પ્રોત્સાહિત કરીને વન પેદાશોમાં વધારો કરવા બિન ઉત્પાદક જમીનનો ઉપયોગ કરી વૃક્ષારોપણ થકી આજીવિકાની વિપુલ તકો નિર્માણ કરવા માટે સામાજિક વનીકરણ વિભાગની અનેકવિધ યોજનાઓ અમલી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં દેશના ગૌરવ સમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા *પ્રોજેક્ટ લાયન* અમલમાં મુકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સિંહોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે વિશ્વ કક્ષાની લાયન હોસ્પિટલનું નિર્માણ કરવાનું આયોજન કર્યું છે. કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા બ્રીડિંગ સેન્ટરની સ્થાપના કરવાનું પણ કાર્ય પ્રગતિમાં છે. ઉપરાંત ગીર વિસ્તારમાં વન્યપ્રાણી નિહાળવા માટે ગીર પૂર્વમાં જસાધાર નજીક નવીન સફારી પાર્કની સ્થાપના તેમજ આંબરડી સફારી પાર્કમાં નવીન સુવિધાઓ બાબતે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧૮.૫૦ કરોડ મંજુર કરવામાં આવ્યા છે.
આ અવસરે મંત્રીએ સૌ નાગરિકોને *એક પેડ માં કે નામ અભિયાન*માં જોડાઈ જનભાગીદારીથી રાજ્યને હરિયાળુ,સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમના પ્રારંભે વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ સંજીવ કુમારે સ્વાગત પ્રવચન કરીને મહાનુભાવોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વન મહોત્સવ એટલે પ્રકૃતિનું સંરક્ષણ કરીને આગામી પેઢીઓને હરિત, આરોગ્યપૂર્ણ અને શક્તિશાળી ભવિષ્ય આપવા માટેની ચળવળ. વન મહોત્સવની ઉજવણી માત્ર વૃક્ષારોપણ નથી, પરંતુ કુદરત પ્રત્યેના આદર અને પ્રેમનું પ્રતિક છે. પ્રકૃતિ સંરક્ષણની ધરોહરને હજુ શક્તિશાળી બનાવવા અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં વધુ ને વધુ લોકોને સામેલ કરી રાજ્યમાં હરિયાળી વધારવા વન વિભાગ અલગ અલગ યોજનાઓ દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે, જેના ભાગરૂપે સાંસ્કૃતિક વનના નિર્માણને આગળ વધારતા અહીં ૨૩મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. તેમણે સૌને 'એક પેડ માં કે નામ' અભિયાનમાં જોડાઈને મોટા પાયે વૃક્ષારોપણ દ્વારા ધરતીને હરિયાળી કરવા આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં વનવિભાગ દ્વારા હરસિદ્ધિ વનની સુંદરતા પ્રસ્તુત કરતી દસ્તાવેજી ફિલ્મ રજૂ કરાઈ હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે ૭૫મા રાજ્યકક્ષાના વન મહોત્સવ નિમિત્તે વન વિભાગ તેમજ પોસ્ટ વિભાગ દ્વારા ખાસ સિક્કો તથા વિશેષ પોસ્ટલ કવરનું વિમોચન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial