Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં મજબૂત થતા પ્રાદેશિક પક્ષો કેટલાક રાષ્ટ્રીય પક્ષોથી પણ દાન મેળવવામાં આગળઃ આશ્ચર્યમ્

એડીઆરના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૪-૨૫ માં આઠ પ્રાદેશિક પક્ષોને મળ્યુ માતબર દાનઃ ભાજપ અને કોંગ્રેસ દાન મેળવવામાં અગ્રેસર રહ્યા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૧: વર્ષ ૨૦૨૪-૨૫ના એડીઆરના રિપોર્ટ મુજબ પ્રાદેશિક પક્ષોને ૨૦૨૪-૨૫માં ૧૦૫૧ કરોડનું દાન મળ્યું જે ૧ વર્ષમાં ૧૯૮ ટકા વધુ છે. ડીએમકે-તૃણમુલ સહિત આઠ પક્ષો રાષ્ટ્રીય પક્ષો કરતાં આગળ રહ્યા છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ભાજપને રૂ।. ૬૦૭૪.૦૨ કરોડ તો કોંગ્રેસને રૂ।. ૫૧૭.૩૯ કરોડનું દાન મળ્યું છે.

ગત તા. ૬ ઓગસ્ટના રોજ પ્રકાશિત થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)નો રિપોર્ટ એક નવું અને આશ્ચર્યજનક ચિત્ર રજૂ કરે છે.

રિપોર્ટના ડેટા દર્શાવે છે કે ભારતના આઠ મુખ્ય પ્રાદેશિક પક્ષોએ ૨૦૨૪-૨૫માં એટલું બધું ભંડોળ એકત્ર કર્યું છે કે તેઓ ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય તમામ રાષ્ટ્રીય પક્ષોને પાછળ છોડી દીધા છે, જેમાં આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્ક્સવાદી, અને નેશનલ પીપલ્સ પાર્ટીનો સમાવેશ થાય છે.

આ રિપોર્ટ સમજાવે છે કે પ્રાદેશિક પક્ષોને આટલું બધું દાન કેમ મળી રહૃાું છે અને તેમને પૈસા ક્યાંથી મળી રહૃાા છે. એડીઆર રિપોર્ટ દર્શાવે છે કે ૨૦૨૩-૨૪ની સરખામણીમાં ૨૦૨૪-૨૫માં પ્રાદેશિક પક્ષોના ખજાનામાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે, જેમાં રૂ.૨૦,૦૦૦ થી વધુનું દાન છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ પ્રાદેશિક પક્ષોને કુલ રૂ.૩૪૭.૬૯ કરોડનું દાન મળ્યું હતું.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં આ આંકડો વધીને રૂ.૧,૦૫૧.૫૬ કરોડ (લગભગ ૧૯૮% નો વધારો) થયો હતો. દાનની સંખ્યામાં પણ ૮૫%નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. ૨૦૨૩-૨૪માં પ્રાદેશિક પક્ષોને ૨,૮૬૧ દાન મળ્યું, જે ૨૦૨૪-૨૫માં વધીને ૫,૨૯૭ થયું છે.

ભાજપ અને કોંગ્રેસ દેશના બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો છે, તે સિવાયના આઠ પ્રાદેશિક પક્ષોએ ભંડોળ એકત્ર કરવામાં આ રાષ્ટ્રીય પક્ષોને પાછળ છોડી દીધા. એડીઆર રિપોર્ટ મુજબ, ટોચના પાંચ પ્રાદેશિક પક્ષો (ડીએમકે, એઆઈટીસી, વાયએસઆરસીપી, ટીડીપી, અને એઆઈએડીએમકે) ને એકલા કુલ રૂ.૮૪૦.૧૨ કરોડ મળ્યા હતા, જે ૨૦૨૪-૨૫ માં કુલ પ્રાદેશિક દાનના ૭૯.૯% છે. ૨૦૨૪-૨૫ માં, પ્રાદેશિક પક્ષોને કુલ દાનના ૬૧.૩૩% (આશરે રૂ.૬૪૪.૯૩ કરોડ) ફક્ત કોર્પોરેટ અને વ્યાપાર ગૃહોમાંથી આવ્યા હતા.

પ્રુડન્ડ ઈલેકટોરલ ટ્રસ્ટે બંને નાણાકીય વર્ષોમાં પ્રાદેશિક પક્ષોને સૌથી વધુ યોગદાન આપ્યું હતું, કુલ રૂ.૪૩૪ કરોડ, જેમાંથી રૂ.૨૫૩.૫૦ કરોડ ફક્ત ૨૦૨૪-૨૫ માં દાન કરવામાં આવ્યા હતા. ટાઇગર એસોસિએટ્સ તે બીજા ક્રમે રહૃાું, ફક્ત ૨૦૨૪-૨૫ માં પાંચ હપ્તામાં રૂ.૧૬૦ કરોડનું યોગદાન આપ્યું. પ્રાદેશિક પક્ષોને દિલ્હી (રૂ.૪૩૩.૭૭ કરોડ), પશ્ચિમ બંગાળ (રૂ.૧૭૨.૯૩ કરોડ) અને મહારાષ્ટ્ર (રૂ.૧૫૮.૮૦ કરોડ)માંથી વધુ દાન મળ્યું.

આ દાન રમતનું સૌથી આઘાતજનક અને ચિતાજનક પાસું અનામી દાતાઓ અને રોકડ દાનોનો મુદ્દો છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર, રૂ.૨૦,૦૦૦ થી ઓછા દાન માટે દાતાની માહિતી જાહેર કરવી ફરજિયાત નથી, અને પ્રાદેશિક પક્ષોએ આ નિયમનો સૌથી વધુ લાભ લીધો છે. અનામી દાતાઓમાં ૪૪૭૦% વધારો જ્યારે ૨૦૨૩-૨૪ માં અનામી દાતાઓ તરફથી ફક્ત રૂ.૬.૬૨ કરોડ આવ્યા હતા, ત્યારે ૨૦૨૪-૨૫ માં આ આંકડો વધીને રૂ.૩૦૨.૬૭ કરોડ થયો.

રોકડ દાનમાં ભારે ઉછાળો આવ્યો છે. ૨૦૨૩-૨૪માં માત્ર રૂ.૬.૫૪ કરોડથી વધીને ૨૦૨૪-૨૫માં રૂ.૩૦૧.૪૪ કરોડ થઈ ગઈ છે. તમિલનાડુના શાસક પક્ષ, ડીએમકેએ ૨૦૨૪-૨૫માં સૌથી વધુ દાન (રૂ. ૩૬૫.૭૮ કરોડ) એકત્ર કર્યું. જોકે, રૂ. ૩૦૦.૬૪ કરોડ (લગભગ ૮૨%) અઘોષિત દાતાઓ તરફથી આવ્યા હતા. અહેવાલ મુજબ, આ રકમ રૂ. ૨૦,૦૦૦ કરતા ઓછી રોકડ દાન તરીકે દર્શાવવામાં આવી હતી.

પાન કાર્ડ (પાન) વિગતો વિના દાનની કિમત ૨૦૨૩-૨૪માં રૂ. ૭.૬૮ કરોડથી વધીને ૨૦૨૪-૨૫માં રૂ. ૩૨૯.૫૮ કરોડ થઈ ગઈ, જે કુલ દાનના ૩૧.૩% છે. તૃણમૂલ કોંગ્રેસ (એઆઈટીસી) સાથે પણ આવી જ સ્થિતિ જોવા મળી, જ્યાં પ્રાપ્ત થયેલા રૂ. ૧૮૪.૯૬ કરોડમાંથી ૧૮૪.૦૮ કરોડ રૂપિયા ચેક અથવા ડિમાન્ડ ડ્રાફટ દ્વારા આવ્યા, પરંતુ દાતાની માહિતી (જેમ કે સરનામું અથવા પાન) અધૂરી હતી. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ સુપ્રિમ કોર્ટે ચૂંટણી બોન્ડ રદ કર્યા તે પહેલાં, ટીએમસીએ બોન્ડ દ્વારા ૬૧૨.૪૨ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા, અને બીઆરએસે ૪૯૫.૫૨ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

એડીઆર રિપોર્ટ બીજા એક ગંભીર મુદ્દા પર પ્રકાશ પાડે છે. દેશના ૬૭ માન્ય પ્રાદેશિક પક્ષોમાંથી, ૩૩ પક્ષોએ રિપોર્ટ લખતી વખતે ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) ની વેબસાઇટ પર તેમના દાન અહેવાલો હજુ સુધી સબમિટ કર્યા નથી. આ પક્ષોમાં જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (જેકેએનસી), આસોમ ગણ પરિષદ (એજીપી), બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ, ટિપ્રા મોથા અને ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક જેવા અગ્રણી પક્ષોનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh