Advertisement
Author: નોબત સમાચાર

સરકારી તંત્રોને જનતાના કામોને ટો૫ અગ્રતા આપવા મુખ્યમંત્રીની ટકોર

જામનગરમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ જિલ્લા ફરિયાદ-સંકલન સમિતિની બેઠક

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા ફરિયાદ સહ-સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે જન પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળવા સરકારી અધિકારીઓને તાકીદ કરી હતી. તથા તમામ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા તથા જળસંચય અને વૃક્ષારોપણ કરવાની તાકીદ કરી હતી.

રાજ્યભરના તમામ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિમાં ઉપસ્થિત રહેવાની મુખ્યમંત્રીની કાર્યપ્રણાલીની શરૂઆત જામનગરથી થઈ હતી, જે  અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર કલેકટર કચેરીમાં ઉપસ્થિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની રજૂઆત સાંભળવા અને ફોન કોલ્સ અચૂક અટેન્ડ કરવા સરકારી અધિકારીઓને તાકીદ કરી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે પ્રશાસન અને પ્રજા વચ્ચેની જોડતી કડી અને સેતુ એટલે પ્રજાએ ચૂટેલા લોક પ્રતિનિધિઓ, તેમના સૂચવેલા કામોનો યોગ્ય પ્રતિસાદ પાઠવવો, એ તમામ અધિકારીઓની નમ્ર ફરજ છે.

રાજ્ય સરકારે અમલી બનાવેલી કેચ ધ રેઈન યોજના અંતર્ગત તમામ સરકારી કચેરીમાં વોટર રેઈન હાર્વેસ્ટિંગ અંતર્ગત જળસંગ્રહ કરવા, વૃક્ષારોપણ કરવા તથા સ્વચ્છતા જાળવવા પર મુખ્યમંત્રીએ ખાસ ભાર મૂક્યો હતો. સરકારી કામોમાં ગુણવત્તા જાળવવા મુખ્યમંત્રીએ ઉપસ્થિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓને ટકોર કરી હતી. જનતાના કામોને પ્રથમ પ્રાથમિકતા આપવા મુખ્યમંત્રીએ અધિકારીઓને અપીલ કરી હતી અને જામનગર જિલ્લાની વહીવટી કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ બેઠકમાં જામનગર જિલ્લાની વિગતો તથા સંકલન અને ફરિયાદ સમિતિ સમક્ષ રજૂ થયેલા પ્રશ્નો અંગેની ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મ મુખ્યમંત્રી સમક્ષ રજુ કરાઈ હતી. કલેકટર કેતન ઠકકરે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી મે-૨૦૨૫ દરમિયાન ફરિયાદ સમિતિ સમક્ષ કૂલ ૮૫ પ્રશ્નો રજૂ થયા હતા. જે પૈકી ૭૮ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવ્યો છે. ડિસેમ્બર ૨૦૨૩ થી જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન મુખ્યમંત્રીની કચેરીના ફોલોઅપથી ફરિયાદ સમિતિ સમક્ષ રજૂ થયેલા ૨૯૯ પૈકીના ૬૪ પ્રશ્નોનો રાજ્ય સરકાર દ્વારા વિધેયાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે. જ્યારે અન્ય તમામ પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએથી નિરાકરણ કરવામાં આવ્યું છે.

કલેકટરે ઓપરેશન સિંદૂર, ઓપરેશન શીલ્ડ અને ઓપરેશન અભ્યાસ દરમ્યાન જામનગર શહેર તથા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા મોકડ્રીલ, બ્લેક આઉટ, સાયરન તથા સિવિલ ડિફેન્સની તાલીમ વગેરેની કામગીરીથી મુખ્યમંત્રીને અવગત કર્યા હતા.

રીસર્વે, લેન્ડ રેકર્ડ, પ્રમોલગેશન અંગેની વાંધા અરજીઓ વગેરેની યુદ્ધના ધોરણે કરાયેલી પેન્ડન્સી નિકાલની કામગીરીની સવિસ્તાર વિગતો કલેક્ટરે મુખ્યમંત્રીને વર્ણવી હતી. એનએફએસએ રેશનકાર્ડની ઈ-કેવાયસી કામગીરી, કોરોનાની સંભવિત સ્થિતિને પહોંચી વળવાની વહીવટી તંત્રની સજ્જતા, સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી, સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઈન ૨.૦, મનરેગા, પ્રવાસન, વહીવટી સુધારણા, વગેરેની વિગતોથી મુખ્યમંત્રીને કલેકટર ઠક્કરે માહિતગાર કર્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જિલ્લાભરમાં થઈ રહેલી વિવિધ કામગીરી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી.

આ બેઠકમાં કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, ધારાસભ્યો સર્વ મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, હેમંતભાઈ ખવા, મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર તથા સરકારી વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh