Advertisement
Author: નોબત સમાચાર

રિલાયન્સે સિંહોની સુરક્ષા માટે ગીરમાં ૧પ૩૪ ખુલ્લા કૂવા ફરતે બાંધી સંરક્ષણ દીવાલ

પરિમલ નથવાણીના નેતૃત્વમાં સહિયારા પ્રયાસોઃ

જામનગર તા. ૧રઃ રિલાયન્સે ગીર રક્ષિત વિસ્તારમાં ૧પ૩૪ ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દીવાલ બાંધીને સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. પરિમલ નથવાણીના નેતૃત્વમાં આર.આઈ.એલ. ગુજરાતના વન વિભાગ સાથે મળીને પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે કાર્યરત છે.

ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડએ ગીર રક્ષિત વિસ્તારમાં ૧પ૩૪ ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દીવાલ બાંધવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. આ પહેલનો હેતુ વન વિસ્તારમાં વન્યજીવો, ખાસ કરીને ગુજરાત અને ભારતના ગર્વ સમાન એશિયાટિક સિંહોની સુરક્ષામાં વધારો કરીને તેમને મૃત્યુ તથા ઈજાથી બચાવવાનો છે.

આર.આઈ.એલ.એ ગીરના રક્ષિત વિસ્તારમાં ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દીવાલ બાંધવા માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે જૂન ર૦ર૧ માં સમજુતિ કરાર (એમ.ઓ.યુ.) કર્યો હતો. વન્યજીવ પ્રેમી અને આર.આઈ.એલ.ના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર શ્રી પરિમલ નથવાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સે ગીર પૂર્વ વિભાગના સાવરકુંડલા તથા તુલસીશ્યામમાં ૬૩૮ કૂવા અને ગીર પશ્ચિમ વિભાગના માળિયા, તાલાળા અને કોડિનારમાં ૮૯૬ કૂવા ફરતે સંરક્ષણ દીવાલ બાંધી છે.

વન્યજીવ પ્રેમી અને ગીરના સિંહો પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, 'અમે ગીરમાં વન્યજીવો, ખાસ કરીને એશિયાટિક સિંહના રક્ષણ માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને કામ કરીએ છીએ, કારણ કે વન્યજીવોના સંવર્ધન માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમારી આ પહેલ એશિયાટિક સિંહો અને અન્ય વન્યજીવોને ગીરના રક્ષિત વિસ્તારમાં તેમજ આસપાસના વિસ્તારમાં ખુલ્લા કૂવામાં પડીને જીવ ગુમાવવા કે ઈજા પામવાથી બચાવવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે.'

ગીરમાં કૂવાની સંખ્યામાં ઘણો વધારો થયો છે, પરંતુ દુઃખદ રીતે, આ કૂવાની ફરતે સંરક્ષણ દીવાલ નહીં હોવાને કારણે એશિયાટિક સિંહો મારણનો પીછો કરતી વેળાએ કૂવામાં પડી જતા ગંભીર ઈજા પામે અથવા મૃત્યુ પામે છે.

ભૂતકાળમાં પણ, શ્રી પરિમલ નથવાણીના નેતૃત્વમાં રિલાયન્સે ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને આ પ્રકારની પહેલ કરી હતી અને ગીર રક્ષિત વિસ્તારમાં ૧ર૯૪ કૂવા ફરતે સંરક્ષણ દીવાલ બાંધી હતી. શ્રી પરિમલ નથવાણી રાજ્યસભાના સાંસદ પણ છે અને તેમણે સંસદ અને સંસદની બહાર એશિયાટિક સિંહોના રક્ષણ અને સંવર્ધન સાથે સંબંધિત મુદ્દા ઘણી વખત ઊઠાવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh