Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા પોલીસ મથકમાંથી સરકારી વાહન ઉઠાવીને નાસેલો શખ્સ જામનગરમાંથી ઝબ્બે

ગાંધીધામના શખ્સની સઘન પૂછપરછઃ આજે કરાશે રિમાન્ડની માગણીઃ

દ્વારકા તા. ૨૯ઃ દ્વારકા પોલીસ મથકમાંથી ગઈકાલે સવારે પીઆઈની સરકારી જીપ એક શખ્સ હંકારીને નીકળી ગયો હતો. તે જીપ ગુમ હોવાની થોડી કલાકો પછી પોલીસને જાણ થઈ હતી અને જીપને શોધવા દોડધામ કરાઈ હતી. બે ટોલનાકા પરથી આ જીપ જામનગર તરફ જતી જોવા મળ્યા પછી જામનગર એલસીબી, એસઓજીને સંકલનમાં લેવામાં આવ્યા હતા. જેના પગલે જામનગરના અંબર ચોકડી વિસ્તારમાંથી આ જીપ ઝડપાઈ ગઈ હતી. તેમાંથી મળી આવેલા ગાંધીધામના શખ્સની અટકાયત કરી પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ૫ોલીસને પરેશાન કરી નાખનારા આ બનાવની વધુ વિગત મુજબ ગઈકાલે સવારે પાંચ વાગ્યાથી સવા આઠ વાગ્યા સુધી દ્વારકાના પોલીસ મથકના કમ્પાઉન્ડમાં જીજે-૧૮-જીબી ૭૨૬૯ નંબરની પી-૮૧ નંબરની સરકારી જીપ રાખવામાં આવી હતી.

આ જીપ સવારે આઠ વાગ્યે અને ૨૪ મિનિટ પછીથી પટાંગણમાં જોવા મળી ન હતી અને તેની થોડીવાર પછી પોલીસને પણ જાણ થઈ હતી. આ જીપમાં આગળ જ પીઆઈ-દ્વારકા લખેલું બોર્ડ પણ હતું. તે જ જીપ ગુમ થઈ ગયાનું જણાઈ આવતા પોલીસ રીતસર દોડધામમાં પડી હતી.

આ જીપને શોધવા માટે શરૃ કરાયેલી તપાસ કામગીરી દરમિયાન દ્વારકાથી ભાટિયા તરફના માર્ગના પર આવેલા કુરંગા પાસે ટોલનાકે સીસીટીવી ફૂટેજ ચેક કરાતા ત્યાંથી બપોરે ૧૧ઃ૪૩ મિનિટે આ જીપ પસાર થતી જોવા મળી હતી. ત્યારપછી દ્વારકાના એસપી નિતેશ પાંડેયની સૂચનાથી દ્વારકા એસઓજીની ટીમ જીપના સગડ દબાવી રહી હતી. તે જીપ ખંભાળિયા ટોલનાકા પરથી પણ પસાર થઈ હોવાની વિગતો એસઓજીને મળી હતી. જેના પગલે જામનગર પોલીસને વાકેફ કરાઈ હતી.

દ્વારકા શહેરમાંથી પોલીસની જીપ ઉઠાવાઈ હોવાની અને જામનગર તરફ આવી રહી હોવાની વિગતો અપાતા જામનગર એલસીબી, એસઓજીનો કાફલો દોડ્યો હતો. તે દરમિયાન આ જીપ જામનગરના નર્મદા (અંબર) સર્કલ પાસેથી ઝડપાઈ હતી.

તે જીપને કોર્ડન કરી લેવાઈ હતી. તેમાંથી એક શખ્સ ઉતર્યાે હતો. તેની સ્થળ પરથી અટકાયત કરી લઈ દ્વારકા એસઓજીને જાણ કરાતા જામનગર દોડી આવેલી એસઓજી ટીમે આ શખ્સની અટકાયત કરી તેને ખંભાળિયા ખસેડ્યો હતો જ્યાં તેની પૂછપરછ હાથ ધરાતા કચ્છના ગાંધીધામના મોહિત અશોકભાઈ શર્મા નામના આ શખ્સે પોલીસ સ્ટેશનમાંથી પોલીસની જીપ હંકાર્યાની કબૂલાત આપી હતી. દ્વારકાના પીઆઈ તુષાર સી. પટેલે ખુદ ફરિયાદી બની આ શખ્સ સામે સરકારી વાહનની ચોરી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. આઈપીસી ૩૭૯ તથા ૪૪૭ હેઠળ ગુન્હો નોંધાયો છે. પીએસઆઈ એ.એલ. બારસીયાએ આરોપી મોહિત શર્માની ધરપકડ કરી છે તેને આજે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh