Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭: ખંભાળિયામાં કરોડો રૂપિયાના ખર્ચે સરકારે હોસ્પિટલનું બિલ્ડીંગ તો ખડકી દેવાયું, પણ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે સૌથી મોટી પ્રાથમિક જરૂરિયાત એવા નિષ્ણાત તબીબોની કાયમી અછત જ રહે છે? સરકારી હોસ્પિટલમાં શા માટે તમામ વિભાગના નિષ્ણાત તબીબોની ભરતી કરવામાં આવતી નથી? નિયુક્ત થયેલા ડોકટરો શા માટે ર-૪ મહિનામાં જ ચાલ્યા જાય છે? અથવા બદલી થઈ જાય છે? આ હોસ્પિટલમાં ડોક્ટરોની ચલક ચલાણુ જેવી સ્થિતિમાં પણ કેટલાક નિવેદનિયા અને લીંબડ જશ ખાટનારા રાજકીય નેતાઓ જ્યારે એકાદ-બે તબીબની બદલીથી આ હોસ્પિટલમાં નિમણૂક થાય કે તરત જ 'અમારી રજૂઆતને સફળતા' જેવી બડાશો હાંકતા હોય છે, પણ ત્યારપછી થોડા જ સમયમાં જગ્યા ખાલી થાય એટલે મોઢું બતાવવા જેવા રહેતા નથી!
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સમક્ષ ખંભાળિયાની હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની ખાલી જગ્યાઓ પૂરવા આ પંથકના નેતાઓ રજૂઆત કરવામાં નબળા પૂરવાર થઈ રહ્યા છે. સરકારમાં આવા ગંભીર પ્રશ્નને પણ મજબૂત રજૂઆત કરી ધાર્યું કરાવી શકતા નથી તે હકીકત છે. રાબેતા મુજબ કે આરોગ્ય વિભાગ દ્વારા પોતાને મનફાવે ત્યારે અહીં એકાદ-બે તબીબોને મૂકે ત્યાં તો જશ ખાટવા તરત જ મેદાનમાં આવી જનારાઓ અને સરકાર તથા મંત્રીઓને વ્હાલા થવા આભાર માનવાના પેંતરા કરનારા હવે ઉઘાડા પડી રહ્યા છે. પ્રજાને આ હોસ્પિટલમાં સારી અને સંપૂર્ણ સારવાર માટેની સુવિધા ક્યારે મળશે? આ પ્રશ્નનો ઉત્તર કોઈ આપી શકે તેમ નથી? ખંભાળિયાની નેતાગીરીની કમજોરી ગણો કે ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની કમનસીબી ગણો, અહીંની મંજુર થયેલી સરકારી મેડિકલ કોલેજ પણ ખાનગી મેડિકલ કોલેજ બનશે. ખાનગીકરણથી કોને શું લાભ કે ગેરલાભ થશે તે તો આવનારો સમય કહેશે... પણ, મેડિકલ કોલેજની જાહેરાત પણ હજી સુધી માત્ર જાહેરાત જ રહી છે.
ખંભાળિયા શહેરમાં અનેક સમસ્યાઓ પ્રવર્તે છે. શહેરની સંસ્થાઓ, આગેવાનો, બુદ્ધિજીવીઓ ખૂબ જ જાગૃત છે અને તેથી વારંવાર કોઈને કોઈ સમસ્યા અંગે જે તે વિભાગમાં રજૂઆતોનો મારો ચાલુ જ રહે છે. તેમાં વળી કોઈ નાની મોટી સુવિધા મળી પણ જાય છે... પણ જિલ્લાના આ મુખ્ય મથકને સમસ્યાઓમાં રાહત આપવાની જરૂર છે. ઘી નદીની ગાંડીવેલની સમસ્યા હોય કે પછી પ્રસિદ્ધિ મેળવવાની તક નિવેદનિયાઓ ચૂકતા નથી! પરિણામલક્ષી રજૂઆત કરનારાના અભાવે અને વ્હાલા થવાની હોડમાં સૌ કોઈ પોતપોતાની રીતે વ્યસ્ત છે, મસ્ત છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial