Advertisement
Author: નોબત સમાચાર

ભાવનગર-સોમનાથ હાઈ-વે પર ટ્રેલર પાછળ ખાનગી બસ ઘૂસી જતા ૬ ના મોત

સમૂહલગ્નમાં હાજરી આપી પરત જઈ રહ્યા હતાં, ત્યારે સર્જાઈ કરૂણાંતિકાઃ

ભાવનગર તા. ૧૭: ભાવનગર-સોમનાથ હાઈ-વે પર એક ટ્રેલર પાછળ ખાનગી ટ્રાવેલ્સની બસ ધડાકા સાથે ઘૂસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૬ ના મૃત્યુ થયા છે, જ્યારે બીજા ૧પ ઘાયલ થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈજાગ્રસ્તોને પતરા કાપીને બહાર કાઢવા પડ્યા હતાં.

આજે વહેલી સવારે ભાવનગર-સોમનાથ હાઈ-વે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટ્રેલરની પાછળ ખાનગી ટ્રાવેલ બસ ઘૂસી જતા ૬ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૧૬ થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ ટક્કર એટલી ભયાનક હતી કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તો બીજી તરફ બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે પર ત્રાપજ નજીક વહેલી સવારે ૬ કલાકના સુમારે હાઈ-વે પર રેતી ભરેલા ડમ્પરની પાછળ ધડાકાભેર બસ ઘૂસી ગઈ હતી. આ ટ્રાવેલ્સ સુરતમાં સમૂહલગ્નમાં હાજરી આપી ના પરત ફરી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈ-વે મુસાફરોની ચીંચિયારીઓથી ગૂંજી ઊઠ્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તળાજા અને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દર્દીઓને ધસારાના પગલે ટ્રોમા સેન્ટરમાં વધારાનો નર્સિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

હાલમાં મળી રહેલી માહિતી અનુસાર વધુ છ દર્દીઓ તળાજાથી ભાવનગર લાવવામાં આવી રહ્યા છે. જો કે, ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત પણ હજુ ગંભીર મનાઈ રહી છે.જેના કારણે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા જણાઈ રહી છે.

બીજી તરફ અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ, નેશનલ હાઈ-વે ઓથોરિટીનો સ્ટાફ તથા ૧૦૦ એમ્બ્યુલન્સ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. તો બીજી તરફ બનાવની જાણ થતા જ નજીકના ગ્રામ્ય વિસ્તારો થા ભાવનગર શહેર અને જિલ્લાના સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને રાહત અને બચાવ કામગીરી કરી હતી.

ભાવનગર તળાજા હાઈ-વે પર વહેલી સવારે અકસ્માતથી સર્જાયેલી કરૂણાંતિકાની કેન્દ્રિય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયાને જાણ થતાં ભાવનગર સર ટી. હોસ્પિટલના સ્ટાફને ફટાફટ જાણ કરી હતી. આ ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને ઝડપી સારવાર માટે જે પણ કરવુું પડે તે કરવા સૂચના આપી અને કલેક્ટર સાથે સતત સંપર્કમાં છે. તંત્રને સજાગ કરી અકસ્માત સ્થળ પર પહોંચવા અને બનતી તમામ મદદ પૂરી પાડવાની સૂચના આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh