Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં યોજાયો "વંચિતો વિકાસની વાટે" કાર્યક્રમઃ લોન-સહાય વિતરણ

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને

ખંભાળિયા તા. ૧૭: દેવભૂમિ દ્વારકાના જિલ્લાના ખંભાળિયામાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં વંચિતો વિકાસની વાટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ઝોન સહિત ૧૯ જિલ્લાના કુલ ૩.૫૩ લાખથી વધુ લાભાર્થીને કુલ રૂ. ૧૭૪.૨૫ કરોડની લોન-સહાય વિતરીત કરાઈ હતી.

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખંભાળિયા પર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વિકસતિ જાતિ કલ્યાણ અને સમાજ સુરક્ષા પ્રભાગ તેમજ સંલગ્ન નિગમોની યોજનાઓના સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ઝોનના ૧૯ જિલ્લાના લાભાર્થીઓને લોન/સહાય વિતરણનો વંચિતો વિકાસની વાટે કાર્યક્રમ યોજાયો હતો

આ કાર્યક્રમમાં કેબિનેટ મહાનુભાવો દ્વારા ૧૯ જિલ્લાના ૩,૫૩,૪૦૭ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ રૂ. ૧૭૪.૨૫ કરોડની લોન/સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમાજમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ કઈ રીતે થઈ શકે તે આપણને શીખવાડ્યું છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ વંચિતોનું સશકિતકરણ કરવાનું તેમણે શરૂ કર્યું હતું. વંચિતોને વિકાસની રાહમાં કઈ રીતે જોડી શકાય એ તેમણે સૌને શીખવાડયું છે.

મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ઉમેર્યું હતું કે, ભગવાન દ્વારકાધીશની ભૂમિ પરથી આજરોજ સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ઝોનના ૧૯ જિલ્લાના ૩.૫૩ લાખ કરતા વધારે  લાભાર્થીઓને રૂ.૧૭૪.૨૫ કરોડથી વધુ રકમના લાભ પારદર્શીતા સાથે સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે જેના માટે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભ પહોંચાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર સતત પ્રયત્નશીલ છે.

વધુમાં તેણીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભ પહોચાડવામાં આવી રહી છે. વડાપ્રધાનના કંડારેલા પથ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર યોજનાકીય લાભો પહોંચાડવા માટે સતત ચિંતા કરી રહૃાા છે.  આરોગ્ય, શિક્ષણ, યુવાઓ, મહિલાઓ સહિત તમામ નાગરિકો જીવનધોરણમાં આમૂલ પરિવર્તન લાવવા તેમજ જનસુખાકારી માટે સતત વિકાસલક્ષી કાર્યો કરવામાં આવી રહૃાા છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે કાર્યક્રમમાં ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે,  નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતનો ઝડપી અને તબક્કાવાર વિકાસનો પ્રારંભ થયો, તેમણે દીકરીઓનાં શિક્ષણ પર ભાર આપ્યો તેના પરિણામે ડ્રોપ આઉટ રેશિયો ખૂબ ઘટયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વંચિતોના વિકાસ માટે સંવેદનશીલ અભિગમ અપનાવીને સતત કાર્ય કરી રહૃાાં છે. સરકારની યોજનાઓના સફળ અમલીકરણને લીધે આજે દીકરીઓ વિદેશ અભ્યાસ કરવા જઈ રહી છે, પાઇલોટ બની રહી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત વિવિધ નિગમો દ્વારા અપાતી લોન દ્વારા વંચિતો સ્વરોજગાર મેળવીને આત્મનિર્ભર થઈ રહૃાા છે.

જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધનમાં વિવિધ યોજનાના લાભોની વિગત આપીને લાભાર્થીઓને શુભેચ્છા આપી હતી. વધુમાં તેઓએ વંચિતોના વિકાસ માટે પ્રતિબદ્ધ કેન્દ્ર અને રાજ્ય સરકારના સક્ષમ અને સંવેદનશીલ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો.

મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ રીમોટનું બટન દબાવીને ઈ-તકતીનું અનાવરણ તેમજ લાભો વિતરિત કર્યાં હતાં. લાભાર્થીઓને સહાયનો પ્રતિકાત્મક ચેક દ્વારા લોન/ સહાય વિતરણ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ *માતા યશોદા એવોર્ડ* પણ વિતરિત કર્યાં હતાં.

આદર્શ નિવાસી શાળા વિ.જા., શિવમ કન્યા છાત્રાલય, આહિર કન્યા છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા ગરબા, પિરામિડ, નૃત્ય વગેરેની સુંદર સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. નિયામક, વિકસતિ જાતિ કલ્યાણ વિક્રમસિંહ જાદવે સ્વાગત ઉદબોધન કર્યું હતું તેમજ આભારવિધિ જિલ્લા નાયબ નિયામક વિકસતિ જાતિ જામનગરના એ.કે. પરમાર દ્વારા કરવામાં આવી હતી. આ તકે વિદેશ અભ્યાસ લોન વગેરે યોજનાઓના કેટલાક લાભાર્થીઓના વિડિયો પ્રતિભાવો દર્શાવવામાં આવ્યા હતા. 

ડીબીટીના માધ્યમથી સહાય પહોંચાડાઈ

"વંચિતો વિકાસની વાટે" કાર્યક્રમમાં નિયામક, વિકસતી જાતિ કલ્યાણ અંતર્ગત પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના (બીજા અને ત્રીજા હપ્તા), કોમર્શિયલ પાઇલોટ લોન યોજના, શિષ્યવૃત્તિ (પ્રિ-મેટ્રીક-પોસ્ટ મેટ્રીક +પિ.એમ. યશસ્વી), કુવરબાઇનું મામેરૂ યોજના વગેરે અંતર્ગત ૨,૧૮,૮૬૪ લાભાર્થીઓને કુલ રૂ.૬૩.૮૪ કરોડ તથા  નિયામક, સમાજ સુરક્ષા હેઠળ સંત સુરદાસ યોજના, બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ વ્યક્તિને આર્થિક સહાય, ઇન્દિરા ગાંધી નેશનલ દિવ્યાંગ પેન્શન યોજનાના કુલ ૧,૩૧,૦૨૬ લાભાર્થીઓને રૂ.૧૩.૧ કરોડ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની યોજનાઓના ૧૪૭ લાભાર્થીઓને કુલ રૂ.૪.૧૯ કરોડ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમની યોજનાઓના ૩૩૭ લાભાર્થીઓને કુલ રૂ.૪.૪૭ કરોડ, ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમની યોજનાઓના ૨૧૨ લાભાર્થીઓને કુલ રૂ.૨.૯૯ કરોડ, ગુજરાત ગોપાલક વિકાસ નિગમની યોજનાઓના ૪૪ લાભાર્થીઓને કુલ રૂ.૫૮ લાખ, ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમની યોજનાઓના ૧૩૪ લાભાર્થીઓને કુલ રૂ.૨.૫૫ કરોડ, ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાઓના ૨૬૪૩ લાભાર્થીઓને કુલ રૂ.૮૨.૫૩ કરોડની લોન/સહાય વિતરિત કરવામાં આવી હતી.

ઉપરાંત સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરતાં આંગણવાડી કાર્યકર, તેડાગર અને મુખ્ય સેવિકાને એનાયત કરવામાં આવતા *માતા યશોદા એવોર્ડ* વર્ષ ૨૦૨૧-૨૨ કુલ ૧૫ વિજેતાઓને એનાયત કરવામાં આવ્યો હતો. આમ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની યોજનાઓના સૌરાષ્ટ કચ્છ અને ઉત્તર ગુજરાત ઝોનના ૧૯ જિલ્લાઓના કુલ ૩,૫૩,૪૦૭ લાભાર્થીઓને કુલ રૂ.૧૭૪.૨૫ કરોડની લોન/સહાયનું સીધું ચુકવણું ઓનલાઇન ડી.બી.ટી.ના માધ્યમથી લાભાર્થીઓના બેંક ખાતામાં કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછાર, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, કલેક્ટર જી.ટી.પંડયા, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, અગ્રણી પી.એસ.જાડેજા, રસિક નકુમ, ભરત ગોજિયા, પ્રતાપ પિંડારીયા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ/ કર્મચારીઓ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહૃાાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh