Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા સાગરિતનું નામ ખૂલ્યું: ચોરાઉ દાગીના વેચવા આવતી વખતે દબોચાયાઃ
જામનગર તા. ૧૭: કાલાવડના નાની વાવડી ગામમાં આઠ વર્ષ પૂર્વે એક ખેડૂતના મકાનમાં ધોળા દહાડે ચોરી થઈ હતી. તેમાં રૂપિયા સવા સાત લાખની મત્તા ગયાની ફરિયાદ કરાઈ હતી. આ કેસની તપાસમાં એલસીબી એ ઝંપલાવ્યું હતું. ચોરીમાં સંડોવાયેલા ધ્રોલના દેવીપૂજક વાસમાં રહેતા બે શખ્સની અટકાયત કરાઈ છે. આ શખ્સોએ ચોરીની કબૂલાત આપી રૂ.૨૧,૭૬,૬૦૦નો મુદ્દામાલ કાઢી આપ્યો છે અને મહિલા સાગરીતનું નામ પણ ઓકી નાખ્યું છે.
કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં લક્ષ્મીપુર ગામની ગોળાઈમાં રહેતા ખેડૂત મનસુખભાઈ પરસોત્તમભાઈ સાંગાણી (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગઈ તા.૯ની બપોરે દોઢેક વાગ્યે પોતાનું રહેણાંક મકાન બંધ કરીને પરિવારજનો સાથે ખેતીકામ માટે ખેતરે ગયા હતા.
ત્યાંથી તેઓ અઢી વાગ્યા સુધીમાં પરત ફર્યા તે દરમિયાન તેમના મકાનમાં કોઈ તસ્કર હાથફેરો કરી ગયો હતો. મુખ્ય દરવાજા ઉપરાંત ઓસરીમાં નાખવામાં આવેલી ઝાળી તેમજ એક ઓરડાના દરવાજાનો નકૂચો તોડી તસ્કરે અંદરથી રૂ.૭ લાખ ૩૦ હજારની મત્તાની ચોરી કરી હતી. તેમના મકાનમાં રાખવામાં આવેલા પતરાના કબાટ સ્થિત તિજોરીમાંથી રૂ.૧ લાખ ૬૦ હજાર રોકડા ઉપરાંત લાકડાના કબાટ સ્થિત તિજોરીમાંથી સોનાની દસ ગ્રામ વજનની બે બુટી, ચાર ગ્રામનું સોનાનું પેંડલ, પંદર ગ્રામની સોનાની લક્કી, સોળ ગ્રામ વજનની સોનાની વીટી, પાંચ ગ્રામનું સોનાનું લેડીઝ પેંડલ, ચાલીસ ગ્રામ વજનનો સોનાનો હાર, પાંત્રીસ ગ્રામ વજનનું સોનાનું મંગળસૂત્ર, પચ્ચીસ ગ્રામ વજનની સોનાની દુગી, પચ્ચીસ ગ્રામ વજનનું લોકેટ, પચ્ચીસ ગ્રામ વજનનું સોનાનું બ્રેસલેટ, ત્રણ ગ્રામની સોનાની લેડીઝ વીટી, દસ ગ્રામની સોનાની બે અન્ય વીટી સહિત ૪૦૩ ગ્રામ સોનાના દાગીના અને ચાંદીના ઝાંઝરા, સાકળા, વીટીઓ મળી રૂ.૭ લાખ ૩૦ હજારની મત્તા તસ્કરે તફડાવી હતી.
ખેતરેથી પરત આવ્યા પછી મનસુખભાઈને મુખ્ય દરવાજા, ઓસરીની ઝાળી તથા રૂમના દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળતા તેઓએ કાલાવડ શહેર પોલીસને જાણ કરી હતી. પોલીસે બીએનએસની કલમ ૩૩૧ (૩), ૩૦૫ (એ) હેઠળ અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં સ્થાનિક ગુન્હાશોધક શાખાનો સ્ટાફ પણ જોડાયો હતો.
તપાસમાં એલસીબીના અરજણભાઈ, મયુદ્દીન સૈયદ, ધર્મેન્દ્રસિંહ જાડેજાને આ ચોરીને અંજામ આપનાર શખ્સોના સગડ મળ્યા હતા. પીઆઈ વી.એમ. લગારીયાને તેનાથી વાકેફ કરાયા પછી પીએસઆઈ પી.એન. મોરી, એ.કે. પટેલના વડપણ હેઠળ એલસીબીએ વોચ રાખી મહા પ્રભુજી બેઠક પાસેથી ધ્રોલના લતીપર રોડ પર આવેલા દેવીપૂજકવાસમાં રહેતા જીવણ અમરશી વાઘેલા તથા લાખા વિનુ વાઘેલા નામના બે દેવીપૂજક શખ્સને પકડી પાડ્યા હતા. જીજે-૧૦-ડીપી ૨૪૪૯ તથા જીજે-૧૦-ઈએ ૬૭૭૧ નંબરના બે બાઈક પર આ શખ્સો સોના-ચાંદીના દાગીના વેચવા જામનગર આવતા હતા.
આ શખ્સોની તલાશી લેવાતા તેઓના કબજામાંથી ૩૨૪.૩૫૦ ગ્રામ સોનાના દાગીના તથા ૩૬૬ ગ્રામ ચાંદીના દાગીના, એક મોબાઈલ અને રૂ.૮૨ હજાર રોકડા મળી આવ્યા હતા. તે ચીજવસ્તુઓ અંગે પૂછપરછ કરાતા આ શખ્સોએ સપ્તાહ પહેલાં કાલાવડના નાની વાવડીમાં મનસુખભાઈના મકાનમાં ચોરી કર્યાનું કબૂલ્યું છે. આ શખ્સોના બે બાઈક ઉપરોક્ત મુદ્દામાલ તેમજ ડીસમીસ, ગણેશીયો, પકડ વગેરે મળી કુલ રૂ.૨૧ લાખ ૭૬૬૦૦નો મુદ્દામાલ એલસીબીએ કબજે કરી ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી હતી.
આ શખ્સોએ ધ્રોલના દેવીપૂજકવાસમાં જ રહેતા રમાબેન રાજુભાઈ વાઘેલા સાથે મળી ઉપરોક્ત ચોરીને અંજામ આપ્યાનું કબૂલ્યું છે. એલસીબીએ રમાબેનની શોધ હાથ ધરી છે.
જે તે વખતે ચોરીની ફરિયાદમાં ૪૦૩ ગ્રામ સોનાના દાગીના તથા ૮૦૦ ગ્રામ ચાંદીના દાગીના ચોરાયાનું જણાવાયું હતું. જેમાંથી હાલમાં ૩૨૫ ગ્રામ જેટલા સોનાના દાગીના અને ૩૬૬ ગ્રામ ચાંદીના દાગીના કબજે કરાયા છે. ચોરાયેલી રોકડ રૂ.૧ લાખ ૬૦ હજારમાંથી હાલમાં એલસીબીએ રૂ.૮૨ હજાર રોકડા કબજે કર્યા છે.
એક આરોપી સામે અગાઉ પણ નોંધાયા છે ચાર ગુન્હાઃ
ભીખ માંગવાના બહાને બંધ રહેણાંકને નિશાન બનાવી બંને શખ્સ ચોરીને આપતા હતા અંજામ
ઉ૫રોક્ત બંને આરોપીને આજે રજૂ કરી જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પત્રકારોને વિગત આપતા જણાવ્યું હતું કે, આ શખ્સો દિવસ દરમિયાન જુદા જુદા ગામોમાં ભટકી કોઈ મકાન બંધ કે ત્યાં કોઈ ન હોય તેવી હાલતમાં જોવા મળે તો તેને નજરમાં રાખી ચોરી કરી લેતા હતા. ભીખ માંગવાના બહાને આ શખ્સો રેકી કરી ચોરીને અંજામ આપતા હતા. અગાઉ પણ આ શખ્સો પૈકીના જીવણ અમરશીએ ધ્રોલ ઉપરાંત અમરેલીમાં ચોરી કરી હતી. જ્યારે જોડિયામાં ચાર વર્ષ પહેલાં જીવણ હથિયાર સાથે મળી આવ્યો હતો અને પાંચ વર્ષ પહેલાં હળવદમાં પણ તેની સામે ગુન્હો નોંધાયેલો હતો. આ ટોળકીને એલસીબીએ જેર કરી છે. એલસીબી ટીમને એસપીએ શાબાશી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial