Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગ્રણી લેન્ડ ડેવલપર બિલ્ડર, મંત્રીના સગા સામે દસ્તાવેજ નોંધણીમાં ગેરરીતિનો આક્ષેપઃ
જામનગર તા. ૯: જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલ અતિ કિંમતી કરોડોની જમીનના દસ્તાવેજનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જામનગરમાં સિવિલ કોર્ટમાં દસ્તાવેજ રદ્ કરવા અંગે દાખલ થયેલા દાવામાં મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. આ ચકચારજનક પ્રકરણમાં જામનગરના અગ્રણી લેન્ડ ડેવલપમેન્ટ-બિલ્ડર તેમજ રાજ્યના કેબિનેટ મંત્રીના સગાના નામે સંયુક્ત પરિવારની માલિકીની જમીનમાં એક વારસદાર અને ૫ેટા વારસદારોની સંમતિ-સહી વગર જમીનના સોદા અને દસ્તાવેજ થઈ ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
જામનગરના પ્રાંત અધિકારી, સિવિલ કોર્ટ પછી સમગ્ર પ્રકરણ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં નીચલી કોર્ટનો મનાઈ હુકમ યથાવત્ રાખી વધુ સુનાવણી આજે હાથ ધરવામાં આવશે.
સમગ્ર પ્રકરણમાં પ્રાથમિક દૃષ્ટિએ દસ્તાવેજ નોંધણી કચેરીના જવાબદાર અધિકારી તથા કાગળોની ચકાસણી કરનારા સ્ટાફની સીધી સંડોવણી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અગ્રણી બિલ્ડર, મંત્રી તથા આમ આદમી પાર્ટીના ધારાસભ્યની રાજકીય ભલામણ અને વગના જોરે નવા દસ્તાવેજ નોંધણીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ કેસની વિગતોમાં નગરસીમ વિસ્તારમાં રણજીતસાગર રોડ પર અલગ-અલગ છ સરવે નંબવાળી ખેતીની જમીન કે જેમાં રેવન્યુ રેકર્ડ ઉપર વાદી મધુબેન સહિત કુલ ત્રેવીસ વારસદારો અને સહમાલિકોના નામ છે.
આ જમીન વાદીની સંમતિ કે સહી વગર તેના ભાઈઓ અને ભાઈઓના વારસદારોએ આ જમીન પૈકીની જમીનોના વેચાણ કરી નાખ્યા છે અને દસ્તાવેજો બનાવી લીધા છે.
જેમાં એક દસ્તાવેજમાં જમનભાઈ ફળદુતથા હરદાસભાઈ ખવાના નામે, બીજો દસ્તાવેજ જમનભાઈ ફળદુના નામે, ત્રીજો દસ્તાવેજ લાભુબેન ફળદુના નામે, ચોથો દસ્તાવેજ જયેન્દ્રભાઈ મુંગરા, ગોરધનભાઈ ભંડેરીના નામે કરી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય જમીનના ખરીદ-વેંચાણ માટેના કરાર પણ તૈયાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
આ તમામ દસ્તાવેજો વાદી મધુબેન તથા અન્ય વારસદારોની જાણ બહાર (ત્રેવીસમાંથી તેર સહમાલિકોની સહીથી) કરી આપ્યાની જાણ થતા વાદી મધુબેને આ દસ્તાવેજો સામે વાંધા અરજી આપી હતી. જેથી રેવન્યુ રેકર્ડમાં તકરારી કેસો દાખલ થયા છે. આ ઉપરાંત મધુબેને તેમના વકીલ ચંદ્રેશ મોતા મારફતે આ દસ્તાવેજો અવિભાજ્ય હિસ્સના તેમની જાણ બહાર થયા હોય, જામનગરની સિવિલ કોર્ટમાં પોતાનો હિસ્સો અલગ કરી આપવા દાદ માંગી અને દસ્તાવેજો રદ્ કરવા અંગે મનાઈ હુકમ આપવા દાવો દાખલ કર્યો છે. જેની સુનાવણીમાં ફરી મુદ્ત સુધીનો ટાઈટલ તથા કબજાની યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનો સ્ટેટ્સ ક્વોનો હુકમ કર્યો છે.
હવે મધુબેન નાથાભાઈ નકુમ (મહેન્દ્રભાઈના પત્ની) દ્વારા ભવાન જેરામભાઈ નકુમ સહિતના લોકો સામે વકીલ ધ્રુવીક પટેલ તથા ફૈયાઝ શેખ મારફત ગુજરાત હાઈકોર્ટમાં જમીનના વેંચાણ-દસ્તાવેજોને પડકારતી અરજી દાખલ કરી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટનો સ્ટેટસ ક્વોનો હુકમ યથાવત્ રાખ્યો છે અને વધુ સુનાવણી આજે બપોરે હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળે છે.
દસ્તાવેજ નોંધણી કચેરીમાં શંકાસ્પદ બેદરકારી!
જમીન-મકાનના દસ્તાવેજોની નોંધણી માટે અતિ કડક જોગવાઈઓનું પાલન કરવામાં આવે છે. દરેક કાગળો, વેંચનાર/ખરીદનારની પ્રત્યક્ષ હાજરી, ઉમેરા સામે કબુલાત, સહી-સિક્કાની ખૂબ જ આકરી પ્રક્રિયા અને ચકાસણી તરત ખરાઈ કર્યા પછી જ ફાઈનલ દસ્તાવેજમાં સરકારી અધિકારીના સહી-સિક્કા થાય છે, પણ આ પ્રકરણમાં દસ્તાવેજ નોંધણી કચેરીમાં ત્રેવીસ સહમાલિકોમાંથી તમામના બદલે તેર જ વ્યક્તિની સહી-સિક્કાથી દસ્તાવેજો તાબડતોળ બની ગયા તેથી દસ્તાવેજ નોંધણી કચેરીની શંકાસ્પદ બેદરકારી અંગે પણ ચર્ચા જાગી છે. કરોડોની કિંમતવાળી જમીનના દસ્તાવેજો મોટાપાયે 'પ્રસાદી' તથા રાજકીય વગ સાથે બની ગયા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial