Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જંગલોના દાવાનળે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું: પાંચના જીવ ગયાઃ મૃતાંક વધી શકેઃ પવન ફૂંકાતા આગ બની વિકરાળઃ વીજળી ગુલ
પાસાડેના તા. ૯: અમેરિકાના લોસ એન્જલિસમાં આગ લાગતા હજારો લોકોનું સ્થળાંતર કરાવવું પડ્યું છે, હજારો મકાનો બળીને રાખ થઈ ગયા છે, અને લાખો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. કેટલાક લોકોના જીવ ગયા છે. ઈમરજન્સી જાહેર કરાઈ છે.
અમેરિકામાં કેલિફો-ર્નિયાના લોસ એન્જેલિસ વિસ્તારમાં મંગળવારે તેજ હવાના કારણે ફેલાયેલી જંગલની આગ બેકાબૂ બની હતી. કેટલીક જગ્યાએ ૯૭ કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતા આગ વધુ ફેલાઈ હતી. આ આગના કારણે એક હજારથી વધારે ઘર બળીને ખાખ થઈ ગયા છે. હોલિવૂડ સ્ટાર્સના બંગલા પણ બળીને ખાખ થઈ ગયા છે. લગભગ ૭૦ હજાર ને સુરક્ષિત સ્થળોએ ભાગવું પડ્યું હતું. આગ ફેલાતા લોકો ઉતાવળમાં પોતાના વાહન પણ ત્યાં મૂકીને ભાગી ગયા હતાં. લોકો રસ્તા પર પગપાળા ભાગતા જોવા મળ્યા હતાં.
બુધવારે લોસ એન્જેલિસ કાઉન્ટીમાં લગભગ ૧,૮૮,૦૦૦ ઘરમાંથી વીજળી જતી રહી હતી. હવાની સ્પીડ પણ વધીને ૧ર૯ કિ.મી. પ્રતિકલાક થઈ ગઈ હતી. હોલિવૂડમાં હાહાકાર મચી ગયો હતો.
લોસ એન્જેલિસ ફાયર ચીફ ક્રિસ્ટન ક્રોલેએ કહ્યું કે, આપણે હજુ સુધી જોખમમાંથી બહાર નથી આવ્યા. હજારો અગ્નિશામકો આગને કાબૂમાં લેવાના કામમાં જોડાયા છે. મંગળવારે સાંજે લોસ એન્જેલિસના ઉત્તર-પૂર્વમાં સ્થિત એક પ્રકૃતિ સંરક્ષણ વિસ્તાર પાસે આગ લાગી અને જલ્દી જ ર,૦૦૦ એકરથી વધારે વિસ્તારમાં ફેલાઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે વરિષ્ઠ નાગરિકોના એક રહેણાંક કેન્દ્રના ડઝનબંધ વડીલોને કર્મચારીઓએ વ્હીલચેર અને હોસ્પિટલના પલંગ દ્વારા રસ્તા પર એક પાર્કિંગ સ્થળ સુધી લઈ જવા પડ્યા હતાં. તેઓએ ત્યાં પહેરેલા કપડે જ એમ્બ્યુલન્સ અને બસની રાહ જોવી પડી હતી. થોડા કલાકો પહેલા શરૂ થયેલી આગે શહેરના પેસિફિક પાલિસેડ્સના નજીકના પ હજાર એકરથી વધારે વિસ્તારને પોતાની લપેટમાં લીધા જે સમુદ્ર તટે આવેલો એક પહાડી વિસ્તાર છે. આ સાંતા મોનિકા અને માલિબૂ વચ્ચે સ્થિત છે. અહીં ઘણાં ફિલ્મ, ટેલિવિઝન તેમજ સંગીતના વિખ્યાત લોકો રહે છે.
આગના કારણે ભાગવા માટે મજબૂર લોકોમાં જેમી લી કર્ટિસ, માર્ક હમિલ, મેંડી મૂર અને જેમ્સ બુડ્સ જેવા સ્ટાર્સ સામેલ છે. સુરક્ષિત સ્થાન પર પહોંચવાની હડબડીમાં લોકો જે વાહનો મૂકીને ગયા હતાં તેના કારણે પોલિસૈડ્સ ડ્રાઈવ પર જામ લાગી ગયો અને ઈમરજન્સી સેવાના વાહનો માટે બુલડોઝરથી કારને કિનારે કરી રસ્તો બનાવવામાં આવ્યો. પ૬ વર્ષોથી પોલિસૈડ્સ નિવાસી વિલ એડમ્સે કહ્યું, ત્યાં રહેતા લોકોએ ક્યારેય આવું કંઈ નથી જોયું. તેઓએ જોયું કે, ઘર બળી રહ્યા હતાં અને આકાશ ભૂરૂ અને કાળુ થઈ ગયું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, લગભગ ૭૦,૦૦૦ રહેવાસીઓને સ્થળાંતર કરવાના આદેશો જારી કરવામાં આવ્યા હતાં અને ૧૩,૦૦૦ થી વધુ ઈમારતો જોખમમાં છે. ગવર્નર ગેવિન ન્યુસમે ઘટના સ્થળની મુલાકાત લીધી અને કહ્યું ઘણાં ઘરો બળી ગયા છે. તેમણે ત્યાં કટોકટી જાહેર કરી. મોટાભાગના ઈજાગ્રસ્તો એવા છે જેમણે સ્થળાંતરના આદેશોનો અનાદર કર્યો હતો.
લોસ એન્જલિસમાં રહેતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ ત્યાંના રહેવાસીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી. પ્રિયંકાએ ઈન્સ્ટ્રાગ્રામ પર લખ્યું, 'મારી સંવેદનાઓ તે બધા લોકો સાથે છે જે પ્રભાવિત થયા છે. આશા છે કે આજે રાત્રે આપણે બધા સુરક્ષિત રહીશું.' તેણે આગનો વીડિયો પણ પોસ્ટ કર્યો.
આજે જંગલની આગ શમાવવા ઠેર ઠેરથી લાઈબંબાઓ દોડાવવામાં આવ્યા હતાં, પરંતુ તેમને મોટી મુશ્કેલી તો તે ઊભી થઈ હતી એક જંગલના પ્રમાણમાં સાંકડા માર્ગો ઉપર અનેક લોકો પોતાની મોટરો પડતી મૂકી પગપાળા નાસી રહ્યા હતાં. તેનું એક કારણ તે પણ હતું કે આગની અસહ્ય ગરમીથી કદાચ મોટરની ટાંકીમાં રહેલુ પેટ્રોલ કે ડીઝલ સળગી ઊઠે તો તેવો મોટરમાં ભડથું થઈ જાય. આડેધડ પડેલી આ મોટરો પેલા લાઈબંબાઓનો માર્ગ અવરોધાતી હતી. તેથી ક્રેનો બોલાવી તે મોટરો દૂર કરવી પડી હતી. તેમાં સમયનો ઘણો દુર્વ્યય થયો હતો. દરમિયાન આગ ભભૂકતી ગઈ.
હેલિકોપ્ટર્સથી પાણીનો છંટકાવ કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું, કારણ કે આગની જવાળાઓની ગરમીથી હેલિકોપ્ટર્સમાં રહેલી ટાંકીનું વિશિષ્ટ પેટ્રોલ પણ સળગી ઊઠવાની ભીતિ હતી. છેવટે વિમાન દ્વારા પાણીનો છંટકાવ શરૂ કર્યો, પરંતુ તે બહું કામયાબ નીવડ્યો નહીં. નામ માત્રની આગ શમાવી શકાઈ.
આ સમયે કેલિફોર્નિયાના ગવર્નર ગેવીન ન્યૂસમ દક્ષિણ કેલિફોર્નિયામાં હતાં. તેઓ તુરત જ તે ઘટના સ્થળ તરફ પહોંચી ગયા હતાં અને પરિસ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા હતાં. તેમાં એક્સ પ્લેટફોર્મ પરના વીડિયોએ દર્શાવ્યું હતું. ચારે તરફ માત્ર ધૂમાડો જ દેખાતા હતાં. ઈમર્જન્સી સાયરનો વાગી રહી હતી. તેમાં પણ આ વર્ષે કેલિફોર્નિયામાં વિશેષતઃ દ. કેલિફોર્નિયામાં વરસાદ ઘણો ઓછો થયો હોવાથી ભૂમિ પણ સૂકીભઠ્ઠ બની રહી છે. લોસ એન્જલિસના ફાયર ડિપાર્ટમેન્ટના વડા ક્રિસ્ટીન કાઉલીએ ૧૧૦ ફાયર એન્જિન્સ કામે લગાડ્યા છે, છતાં આશરે ૬૪પ ચો.મી.માં વ્યાપેલી આગ કાબૂમાં કેમ લેવી તે પ્રશ્ન છે. સમગ્ર અભયારણ્ય તો ખતમ થઈ ગયું છે.
આગની ઘટના પર વ્હાઈટ હાઉસ દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. વર્તમાન પ્રમુખ જો બાઈડેન આગનો સામનો કરવા માટે કેલિફોર્નિયાના ગવર્નર ન્યૂઝમ, લોસ એન્જલિસના મેયર બાસ અને અનેક ટીમોના સંપર્કમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આગ બુઝાવવા માટે યુએસ ફોરેસ્ટ સર્વિસના પ મોટા એર ટેન્કરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ટેન્કરો મોકલવામાં આવ્યા છે, જે રસ્તા પર છે. આ સાથે ૧૦ ફાયર ફાઈટિંગ હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.
થોડા દિવસોમાં અમેરિકાની કમાન સંભાળવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે આ અકસ્માતને લઈને અમેરિકન સરકાર પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે લોસ એન્જલિસમાં લાગેલી આગને ડોલરના સંદર્ભમાં અમેરિકન ઈતિહાસની સૌથી ભયાનક આગ ગણી શકાય. ટ્રમ્પે કહ્યું, 'મને શંકા છે કે શું વીમા કંપનીઓ પાસે દુર્ઘટના માટે ચૂકવણી કરવા મટો પૂરતા પૈસા હશે!' તેને બાઈડેનની સંપૂર્ણ અસમર્થતા અને ગેરવહીવટનું પ્રતીક બનવાની મંજુરી આપવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial