Advertisement
Author: નોબત સમાચાર

બર્ધનચોક પાસે થયેલી હત્યાના એક આરોપીને ફટકારાઈ આજીવન કેદસજા

તપાસમાં ખામી રાખનાર અધિકારી સામે તપાસનો નિર્દેશઃ

જામનગર તા. ૨૬: જામનગરના બર્ધનચોક પાસે છ વર્ષ પહેલાં એક યુવાનની પૈસાની ઉઘરાણીના મામલે છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. તે ગુન્હાના એક આરોપીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે અને એક આરોપીનો છૂટકારો થયો છે. આ કેસમાં સીસીટીવી કેમેરા દ્વારા અપાયેલી મહત્ત્વની વિગત પરથી ઈલેકટ્રોનિક પુરાવો માન્ય રાખી અદાલતે સજાનો હુકમ કર્યાે છે. જ્યારે તપાસમાં ખામી રાખનાર પીઆઈ સામે ખાતાકીય તપાસનો ડીજીપીને હુકમ કરાયો છે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ જામનગરના બર્ધનચોક વિસ્તારમાંથી ગઈ તા.૧૧-૯-૧૮ની રાત્રે રફીક મહંમદ માડકીયા નામના યુવાન પોતાના મિત્ર સાથે બાઈકમાં જતા હતા ત્યારે નઝીર સફીમિયાં નાગાણી અને અઝરૂદ્દીન નવાઝઅલી સમાએ તેઓને રોકી લીધા હતા.

આ શખ્સ પૈકીના નઝીરને રૂ.૧૮ હજાર રફીકે આપવાના બાકી હતા. તે બાબતે ઝઘડો કરી નઝીરે છરી વડે હુમલો કરી રફીકને તેના ઘા ઝીંકી દીધા હતા. જેમાં અઝરૂદ્દીને મદદ કરી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પોલીસે મૃતકના ભાઈ યુસુબ માડકીયાની ફરિયાદ પરથી નઝીર ઉર્ફે ગંઢાબાપુ અને અઝરૂદ્દીન સામે ગુન્હો નોંધ્યો હતો. સ્થાનિક જગ્યાનું પંચનામુ કરી પોલીસે છરી કબજે કરી હતી અને ત્યાં રહેલા કેટલાક સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કર્યા હતા.

ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે નજરે જોનાર સાહેદ ઈમરાન કાસમ, હુસેન ગફાર તેમજ પીએમ કરનાર ડો. વસાવડા, મૃતકના વિધવા રૂબીનાબેન, તપાસનીશ પીઆઈ કે.કે. બુવડ સહિતના ૨૦ વ્યક્તિની જુબાની લીધી હતી અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સુનાવણીમાં સીસીટીવી ફૂટેજ અંગે કાનૂની તકરાર લેવામાં આવી હતી. જેમાં અદાલતે ખામીયુક્ત તપાસ અંગે પીઆઈ કે.કે. બુવડની ઝાટકણી કાઢવા ઉપરાંત તેઓની સામે ખાતાકીય તપાસ યોજવા રાજ્યના મુખ્ય પોલીસવડાને આદેશ કર્યાે છે.

તે ઉપરાંત નજરે જોનાર સાહેદ, રજૂ કરવામાં આવેલી વીડિયો રેકોર્ડીંગની સીડીને મહત્ત્વનો પુરાવો ગણી તે પુરાવા મુજબ નઝીર ઉર્ફે ગંઢા બાપુએ છરી વડે હુમલો કરી ઈજા કર્યાનું સ્પષ્ટ થતું હોવાથી અદાલતે આ આરોપી સામેનો કેસ પુરવાર માની તેને આજીવન કેદની સજા ફટકારી છે. જો કે, મદદ કરવાના આક્ષેપમાં પકડાયેલા અઝરૂદ્દીન સમાનો છૂટકારો ફરમાવાયો છે. ફરિયાદ પક્ષે વકીલ વી.એચ. કનારા તથા સરકાર પક્ષે પીપી દીપક ત્રિવેદી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh