Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ચેમ્બર તથા કોશિશ ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયો ડ્રગ્સ વિરોધી-સિકયોરિટી સેમિનાર

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી પ્રેમસુખ ડેલુ, ચેમ્બરના હોદેદારો, એસઓજીના અધિકારી ઉપસ્થિતઃ

જામનગર તા. ૨૬: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા કોશિશ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે સાયબર સિકયોરિટી તથા ડ્રગ્સ વિરોધી સેમિનાર યોજાયો હતો. જેમાં રેન્જ આઈ.જી., એસ.પી., એસ.ઓ.જી. તથા સાયબર ક્રાઈમના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યુ હતું.

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા કોશિશ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે તાજેતરમાં ચેમ્બરની ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજિ પેનલ તથા એજયુકેશન અને હેલ્થ પેનલ દ્વારા જામનગર ચેમ્બરમાં સાયબર સિકયોરિટી તથા ડ્રગ્સ વિરોધી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં રાજકોટ રેન્જના આઈ.જી. અશોક કુમાર યાદવ તથા જામનગરના ૫ોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તેમની ટીમ સાથે ઉપસ્થિત હતા. સેમિનારની શરૂઆતમાં ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ શબ્દોથી સ્વાગત કરતા ચેમ્બરની સ્થાપના વિષે માહિતી આપી હતી. અને કહ્યું હતું કે, હાલના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહેવું તથા આજના યુવાનો ડ્રગ્સ તથા વિવિધ નશાઓ તરફ આગળ વધી રહેલ છે તેને કેવી રીતે રોકવા તે બાબત માર્ગદર્શન મળી રહે તે માટે જામનગરની વિવિધ સ્કૂલ તથા કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ તેમજ શહેરના લોકો માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આજના આ સેમિનારમાં ચેમ્બરના આમંત્રણને માન આપીને રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ પણ આપણને માર્ગદર્શન કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર વિદ્યાર્થીઓ તેમજ શહેરના લોકોને ખૂબ જ ઉપયોગી થશે.

આ પ્રસંગે ચેમ્બરના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ રમણીકભાઈ અકબરી, માનદ મંત્રી અક્ષતભાઈ વ્યાસ, માનદ સહમંત્રી કૃણાલભાઈ વી. શેઠ, માનદ ઓડિટર તુષારભાઈ વી. રામાણી, કોશિશ ફાઉન્ડેશનના ચેરપર્સન સહારાબેન મકવાણા, સંસ્થાની ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજિ પેનલના ચેરમેન અનુભવભાઈ ખંડેલવાલ, એજયુકેશન અને હેલ્થ પેનલના ચેરમેન મહેમુદભાઈ વહેવારિયા દ્વારા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અશોક કુમાર યાદવ તથા જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનું પુષ્પ ગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અશોક કુમાર યાદવે તેમના વકતવ્યમાં જણાવ્યુ હતું કે, આ રીતે સાયબર ક્રાઈમના સેમિનારો તમામ જગ્યાએ અને અવાર-નવાર થવા જોઈએ જેથી લોકોમાં જાગૃતતા આવે કારણ કે હાલ થઈ રહેલ ડિજિટલાઈઝેશન તથા આધુનિકરણના લીધે લોકોના ડેટા સુરક્ષિત નથી જેથી કરીને અમુક લોકો ફ્રોડ કરે છે અને સામાન્ય લોકો તેનો ભોગ બને છે. કોઈ અજાણ્યા નંબર પરથી આવતા વિડીયો કોલ ઉપાડવા નહીં કારણ કે હવે ફ્રોડ આચરતા લોકો વિડીયો કોલ કરી બ્લેક મેલ કરે છે અને ખોટી રીતે ડરાવે/ધમકાવે છે જેનાથી સામાજિક તથા આર્થિક નુકસાનીનો ભોગ બનવું પડે છે.

ભારત સરકારની કોઈપણ એજન્સી કોલ કરીને કોઈપણ પાસેથી વિગતો માંગતી નથી પરંતુ સાયબર ફ્રોડ કરતી ગેંગ લોકોને કોલ કરીને માહિતી મેળવી ઓટીપી માંગી લોકો સાથે ફ્રોડ કરતાં હોય છે, જેમાં ભોગ બનનારને મોટી નાણાકીય નુકસાની ભોગવવી પડે છે. વધુમાં જે લોકો સોશ્યલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે અને સ્ટેટસ ઉપડેટ કરવા, ફેસ બુક તેમજ વિવિધ સાઈટ ઉપર પરિવારના ફોટા મુકવા પણ સુરક્ષિત નથી જેનો ગેર ઉપયોગ કરવામાં આવે છે. લોકોએ તેમના નાણાકીય વહેવારોના પાસવર્ડ પણ સહેલા ન રાખવા જોઈએ અને સમયાંતરે બદલતા રહેવું. આમ લોકોને જાગૃત રહેવા તથા સુરક્ષિત રહેવા પર ખાસ ભાર મુકયો હતો.

હાલ ડ્રગ્સ વિરોધી બાબત પોલીસ વિભાગ ખુબ જ સુંદર કામગીરી કરી રહેલ છે. જેમાં ખાસ કરીને ગુજરાત રાજય સુરક્ષિત છે. અન્ય રાજયોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ડ્રગ્સનો કાયદો ખૂબ જ કડક છે જેમાં ૨૦ વર્ષની સજાની જોગવાઈ છે. જેથી લોકોને આ પ્રકારના નશાથી દુર રહેવા જણાવેલ હતું. તેમ જણાવી તેમણે ચેમ્બર તથા કોશિષ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલ સેમિનારની સરાહના કરી હતી.

આ સેમિનારમાં ઉપસ્થિત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના અધિકારી વિક્રમસિંહ ઝાલાએ ડ્રગ્સ વિષે માહિતી આપતા જણાવેલ કે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપનું કામ દેશ વિરોધી થતી પ્રવૃતિને રોકવી. હાલ અમુક નવયુવાનો તેમજ વિદ્યાર્થીઓ પોતાના શોખ ખાતર તથા ખરાબ સંગતથી અથવા માનસિક સ્ટ્રેસના લીધે નશો કરતાં થઈ ગયા છે. અમુક રાજયોમાં નશા કરતાં લોકોની પરિસ્થિતિ ખૂબજ ખરાબ છે. આપણે આપણું તથા આપણા પરિવાર માટે આવી કોઈ નશાની આદત ના કરવી અને આનાથી સુરક્ષિત રહેવું જોઈએ. આ તકે નવયુવાનોને તથા સમાજના લોકોને આવા નશાથી દૂર રહેવા ખાસ અનુરોધ કરેલ હતો.

આ સેમિનારનો મુખ્ય મુદો સાયબર ક્રાઈમનો હતો, તેના માટે ખાસ સાયબર ક્રાઈમ વિભાગ તરફથી ઉપસ્થિત રહેલા પોલીસ સબ ઈન્સ્પેકટર એચ.કે. ઝાલાએ પ્રેઝન્ટેશન દ્વારા લોકો સાથે કઈ રીતે સાયબર ક્રાઈમ તથા ફ્રોડ થઈ શકે છે તે વિષયે ઓડિયો / વિડીયોના માધ્યમથી વિસ્તૃત માહિતી આપી હતી. સાયબર ક્રાઈમ તથા ફ્રોડની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા હોતી નથી પરંતુ મુખત્વે લોકોની સામાજિક પ્રતિષ્ઠા, લોકોના નાણાની ઉચાપત અને સરકારના નામે અને સરકારી નાણાની ઉચાપત થાય છે. આ તકે તેમણે ઓડિયો / વિડીયોના માધ્યમથી લોકો સાથે કઈ રીતે સાયબર ક્રાઈમ અથવા ફ્રોડ થઈ શકે છે. તેમજ આજના વિદ્યાર્થીઓ તેમના પરિવારજનો તથા સામાન્ય લોકોને કે જે લોકો સોશ્યલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરતાં હોય છે. તેઓને સાયબર ક્રાઈમ તથા ફ્રોડથી કેવી રીતે બચવું તેના વિષે જણાવ્યું હતું. કોઈપણ એપ્લિકેશન અથવા વેબસાઈટનો ઉપયોગ સાવચેતીથી કરવો જોઈએ. અજાણ્યા નંબર પરથી આવતા વિડીયો કોલ ન ઉપાડવા જોઈએ. અન્યથા તમને બ્લેક મેલ કરી સામાજિક તથા નાણાકીય બાબતે હેરાન કરવામાં આવશે.

આ તકે તેમણે લોકોને સલામત સાવચેત તથા સુરક્ષિત રહેવા અપીલ કરતા જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયાનો સમજી વિચારીને ઉપયોગ કરવો અજાણ્યા લોકોને તમારી કોઈ અંગત માહિતી જેવી કે આધાર કાર્ડ નંબર / પેન કાર્ડ કે ક્રેડિટ / ડેબીટ કાર્ડના નંબર કે ઓટીપી ના આપવા જોઈએ. તેમ છતાં પણ જો આપની સાથે જો સાયબર ક્રાઈમ કે ફ્રોડ થાય અને નાણાકીય ઉચાપત થાય તો તુરંત જ આપના નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો જેથી તમારી સામાજિક પ્રતિષ્ઠા તથા નાણાની સલામતી જળવાઈ રહેશે.

આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ તરફથી જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, સહાયક પોલીસ અધિક્ષક પ્રતિભા મેડમ (લાલપુર ડિવિઝન), પ્રોબેશનરી આઈપીએસ અક્ષેશ એન્જિનિયર, સાયબર ક્રાઈમ વિભાગના પોલીસ ઈન્સ્પેકટર આઈ.એ. ઘાસુરા તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એચ.કે. ઝાલા, સ્પેશ્યલ ઓપેરેશન ગ્રુપના વિક્રમસિંહ ઝાલા તેમજ ચેમ્બરના કારોબારી સમિતિના સભ્યો, પેનલના સભ્યો, શહેરની વિવિધ સ્કૂલ કોલેજોના અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના માનદ્ મંત્રી અક્ષતભાઈ વ્યાસે કર્યુ હતું. તેમજ કાર્યક્રમના અંતે આભાર દર્શન કોશિશ ફાઉન્ડેશનના ચેરપર્સન સહારાબેન મકવાણાએ કર્યુ હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh