Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સત્તાધારી પક્ષના રાજકીય નેતાઓ માત્ર પ્રસિદ્ધિ ભૂખ્યા!
જામનગર તા. ર૭: જામનગરમાં માનવ સર્જીત ગમખ્વાર દુર્ઘનાના સીલસીલામાં રાજકોટના ગેઈમઝોનના અગ્નિકાંડમાં ૩૩ થી વધુ નિર્દોષ લોકો જીવતા હોમાઈ ગયા... આ અત્યંત પીડાદાયક બનાવે સમગ્ર ગુજરાતની જનતામાં ઉગ્ર આક્રોશ પેદા કર્યો છે.
સતત વહેતા થઈ રહેલા અહેવાલો મુજબ તપાસ, સહાય, બચાવ, રાહત કામગીરી ચાલી રહી છે અને અગાઉની આ પ્રકારની દરેક ઘટના પછીની રાબેતા મુજબ જ પ્રક્રિયાઓથી પ્રજામાં આક્રોશ હવે ચરમ સીમાએ પહોંચી ગયો છે... ચાર-છ લાખની સહાય અને કડક પગલાના આદેશ સિવાય અત્યાર સુધીની ઘટનાઓમાં દાખલારૂપ સજા થઈ નથી!
ખોટા ધંધા કરનારાઓનો આજના સમયગાળામાં તોટો નથી.. આવા ખોટા ધંધા કરી લાખો-કરોડોની કમાણી કરનારાઓ ગેરકાયદે ધંધા કરવામાં ભારે હિમ્મતવાળા અને માથાભારે તેમજ સત્તાધારી રાજકીય પક્ષના નેતાઓનું પીઠબળ ધરાવનારા જ હોય છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આવા ગેરકાયદે ખોટા ધંધા કરનારાઓને સરકારના તમામ વિભાગોમાં 'પૈસા ફેંકો, તમાશા દેખો' ની નબળાઈની ખબર છે.
તેથી સરકારી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓને મોટી રકમનો પ્રસાદ ધરીને મુંગા પ્રેક્ષક બનાવી દેવામાં આવે છે. સંલગ્ન વિભાગના સરકારી અધિકારીઓ-કર્મચારીઓ પોતાની ફરજ ભૂલીને આવા ગોરખધંધા કરનારાઓને પગે પડતા હોય તેવી સ્થિતિ દરેક ગામ-શહેર અને રાજ્યમાં જોવા મળતી હોવાની ચર્ચા રાજકોટ સહિતની ઘટનાના પગલે ચોમેર થઈ રહી છે.
અત્રે ઉલ્લેખ તો પ્રસિદ્ધિ ભૂખના વરવા પ્રદર્શનનો કરવો છે! નિર્ભયા કાંડ વખતે હાથમાં મીણબત્તીઓ લઈ રસ્તાઓ-ચોકમાં નીકળી પડનારાઓ આજે કયાં છે? સત્તાધારી પક્ષના કોઈ નેતામાં હિમ્મત નથી કે સરકારી વિભાગોમાં સરકારી મીઠી નજર હેઠળ જ ઉચ્ચ સરકારી અધિકારીઓ મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે તેવું બોલવાની ? ઉલ્ટાનું આવા રાજકીય નેતાઓ પ્રત્યે ફીટકાર વરસાવવો પડે તેમ નફફટ થઈને શ્રદ્ધાંજલિ આપવામાં પ્રચાર માધ્યમોમાં હોડ લગાવી રહ્યા છે! શ્રદ્ધાંજલિ આપે, પ્રભુ પાસે પ્રાર્થના કરે તો તેમાં ખોટું પણ નથી! પણ તેના ફોટા પડાવવા, તે સમયે હાજર રહેલાઓમાંથી કોઈ રિસાઈ ન જાય અને કોઈને ખોટું ન લાગે તેવી રીતે દરેકના નામનો ઉલ્લેખ કરવો... તે માત્રને માત્ર પ્રસિદ્ધિના હવાતિયા સિવાય કશું નથી! અને તેમાં પણ રાજકોટ જેવી અત્યંત દુખદાયક કરૂણાંતિકા સમયે પ્રસિદ્ધિ ભૂખ્યાઓની આવી હરકતોથી અગ્નિકાંડના આરોપીઓ સામે જેટલી નફરત પેદા થાય તેવી જ નફરત સાથેની ટીકા થઈ રહી છે..
શા માટે સરકારના ભ્રષ્ટ અધિકારીઓ કે સરકારની નિષ્ફળતા કે નબળાઈ અંગે એકપણ શબ્દ ઉચ્ચારાતો નથી? વિરોધપક્ષની તો ફરજ છે કે આવી ઘટનામાં સરકારની ટીકા કરવી! પણ શું સત્તાધારી પક્ષના નેતાઓના હૃદયમાં રામ નથી! માત્ર ફોટા પડાવી, સાંત્વના આપી, ટીકાપાત્ર પ્રસિદ્ધિ કરનારાઓને પણ પ્રજા ઓળખી ગઈ છે! આવા નબળા કે મુક-પ્રેક્ષક બની રહેનારા નેતાઓના કારણે જ ભ્રષ્ટાચાર ફૂલ્યો-ફાલ્યો છે!
કમ સે કમ... મહેરબાની કરી
આવી કરૂણ ઘટના સમયે તો પ્રસિદ્ધિની ભૂખને બાજુમાં રાખો? જામનગરમાં લોલમલોલ!
રાજકોટની કરૂણાંતિકાના પગલે રાજ્યભરમાં ગેઈમ ઝોન-મનોરંજન મેળાઓમાં તપાસ કરવાના આદેશ છૂટ્યા (ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવા જેમ) અને જામનગર મહાનગર પાલિકામાં ગઈકાલે સરકારી આદેશના પગલે તમામ વિભાગના અધિકારીઓની તાબડતોબ બેઠક યોજાઈ... તેમાં... સૂચના આપવામાં આવી કે જાવ ફાયર વિભાગ, ઈલે. વિભાગ, મનોરંજન શાખા, પીડબ્લ્યુડીને સાથે રાખી નિયમોનુસારની મંજુરીઓ છે કે કેમ તેની ખરાઈ કરો!
આખો દિવસ આ ટુકડીઓ કામે લાગી.. અને તેમાં જાણવા મળતી સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, એકપણ ગેઈમ ઝોનમાં જામનગર મનપાની ફાયર વિભાગની એનઓસી હતી જ નહી! મતલબ... આગ લાગે ત્યારે તેને આલાવવા માટેના સાધનો ન રાખવા, ફાયર એનઓસી માટેના અન્ય જરૂરી નિયમોનું પાલન ન કરવું..! ફાયર વિભાગને શું ખબર જ નથી કે શહેરમાં કેટલા અને કયાં કયાં ગેઈમ ઝોન-મેળા ચાલે છે? શા માટે તપાસ કરી ગેઈમ ઝોન બંધ ન કરાવ્યા...? શું રાજકોટ જેવી દુર્ઘટના સર્જાય તેની રાહ જોતા હતા?
જામનગરમાં આખું વરસ પ્રદર્શન મેદાન અને અન્ય સ્થળો ઉપર કાયદાની છટકબારીનો ગેરલાભ લઈ ટેમ્પરરી સ્ટ્રકચરના નામે અવનવા મેળા, પ્રદર્શન વગેરે થઈ રહ્યા છે ત્યારે જામનગર મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, એસ્ટેટ વિભાગ તેમજ જિલ્લા કલેકટરની મનોરંજન શાખા પોલીસ વિભાગ, પીડબલ્યુડી, વીજતંત્ર સહિતના વિભાગોમાંથી મંજુરીઓ લેવામાં મોટા પાયે લોલમલોલ ચાલે છે. મશીનવાળા સાધનોના સર્ટિફીકેટ રાજકોટની કચેરીમાંથી અધિકારીઓ કોઈપણ જાતની ચકાસણી વગર જ અંડર ટેબલ વહીવટ કરી સર્ટિફીકેટ આપી દેતા હોવાની પણ ચર્ચા છે.
જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની કામગીરી પ્રત્યે હંમેશાં શંકા જાગે છે. કરોડો રૂપિયાના સાધનો વસાવવામાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત માત્ર ગેઈમ ઝોન, વીડિયો પાર્લર, સિનેમા ગૃહ કે તેના પૂરતા જ નહીં પણ હોસ્પિટલો, મોલ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, બહુમાળી ઈમારતોમાં પણ ફાયર એનઓસીના નામે મોટાપાયે ઉઘરાણા થાય છે... એટલું જ નહીં ફાયર સેફટીના સાધનોની દુકાનો પણ ફાયર વિભાગના કોઈ અધિકારી કે કર્મચારીની છે, અને ત્યાંથી જ સામાન ખરીદવાની ફરજ પાડવામાં આવે ત્યાંથી તેનાથી વધારે ગંભીર પરિસ્થિતિ શું હોય શકે ? ફાયર વિભાગની આવી કથિત ભ્રષ્ટ નીતિરીતિના કારણે સતત ગંભીર જોખમ તોળાયેલું રહે છે... જામનગર મહાનગર-પાલિકાના સત્તાધારી ભાજપના પદાધિકારીઓ કે કોર્પોરેટરોને શું આવા ખેલ થઈ રહ્યા હોવાની જાણ નથી? જો કે કેટલાંક કિસ્સાઓમાં કોર્પોરેટરો પણ ભાગીદાર કે પક્ષકાર આસામી જ હોય છે! એક જાગૃત નાગરિકે નામ આપ્યા વગર જણાવ્યું છે કે ફાયર વિભાગ સહિતના આવા સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓને ત્યાં જો એસીબી કે ઈડીની રેઈડ પડે તો ચોક્કસપણે આવક કરતા અનેકગણી સંપત્તિ મળે જ!
આમ પ્રજા નિર્દોષ નાગરિકોના મહામૂલા જીવન સાથે ચેડા કરનારાઓને કડકમાં કડક સજા કરી સરકારે હવે પ્રજાને ભરોસો બેસે તેવી કામગીરી કરવાનો સમય પાકી ગયો છે! જો હૃદયમાં રામ હોય તો!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial