Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાલુ બાઈકે યુવાનને આવ્યો હૃદયરોગનો હુમલોઃ કબૂતર ઉડાડવા જતાં પ્રૌઢે જિંદગી ગૂમાવીઃ
જામનગર તા. ૨૭: કાલાવડના પીઠડીયા-ર ગામમાં ગઈકાલે બપોરે માતા, પુત્રી તથા અન્ય એક મહિલા કપડા ધોવા માટે મણવર ડેમ પાસે પહોંચ્યા હતા. આ વેળાએ પુત્રીનો પગ લપસી જતાં તેણી ડેમમાં પડી ગઈ હતી. તેને બચાવવા માટે માતા કૂદી પડ્યા હતા. બંનેના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. નિકાવા પાસે ચાલુ વાહને હૃદયરોગનો હુમલો આવતા નિકાવાના યુવાન પર કાળનો પંજો પડ્યો છે. ઉપરાંત ઘરની ગેલેરીમાંથી કબૂતર ઉડાડવા જતી વખતે લપટી પડેલા પ્રૌઢનું સારવાર દરમિયાન અમદાવાદ દવાખાને મૃત્યુ નિપજ્યું હતું.
કાલાવડ તાલુકાના પીઠડીયા-ર ગામમાં ગઈકાલે રસીલાબેન વિજયભાઈ ડાંગરીયા તથા તેમની પંદર વર્ષની પુત્રી હેત્વી અને રસીલાબેનના દેરાણી કાજલબેન ગઈકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે પોતાના ઘરેથી કપડા ધોવા માટે મણવર ડેમ પર ગયા હતા.
આ વેળાએ ત્રણેય વ્યકિત કપડા ધોતા હતા ત્યારે અચાનક જ પગ લપસી જતાં હેત્વી ડેમના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. તે દૃશ્ય નિહાળી માતા રસીલાબેન કૂદી પડ્યા હતા. દેરાણી કાજલબેને બૂમાબૂમ કરી હતી ત્યાં હાજર વ્યક્તિઓ માતા-પુત્રીને બચાવવા માટે ડેમમાં કૂદી પડ્યા હતા. બંનેને બહાર કાઢી લેવાયા હતા અને સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડાયા હતા. જ્યાં વધુ પડતું પાણી પી ગયેલા બંને માતા-પુત્રીને ફરજ પરના તબીબે ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા અરેરાટી પ્રસરી છે. વિજયભાઈ છગનભાઈ ડાંગરીયાએ પોલીસને જાણ કરી છે.
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં નવા પ્લોટ વિસ્તારમાં રહેતા કિશોરભાઈ નરશીભાઈ મુછડીયા (ઉ.વ.૪૫) નામના યુવાન ગઈકાલે રાજસ્થળી ગામના પાટીયા પાસેથી બાઈકમાં કાલાવડ આવતા હતા ત્યારે ચાલુ વાહને તેઓને હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. સારવારમાં ખસેડાયેલા કિશોરભાઈનું મૃત્યુ નિપજ્યાનું મોટાભાઈ પ્રવીણભાઈ મુછડીયાએ પોલીસ સમક્ષ જણાવ્યું છે.
જામનગરના પટેલકોલોની વિસ્તારની શેરી નં.૭/એ/૫માં ગુંજન એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા કમલદીપસિંઘ ઈન્દ્રપાલસિંઘ બજાજ (ઉ.વ.૫૨) નામના પ્રૌઢ પોતાના ઘરની ગેલેરીમાંથી કબૂતર ઉડાડવા જતી વખતે ગઈ તા.૧૮ એપ્રિલની રાત્રે પગ લપસી જતાં પટકાઈ પડ્યા હતા. ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈકાલ તા.૨૭ના દિને મૃત્યુ થયું હતું. તેમના પુત્રી સુપ્રિત કૌરે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial