Advertisement
Author: નોબત સમાચાર

રવિવારની રાતે રેમલની રેલમ છેલઃ ૧૩પ કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાયું: ભારે વરસાદ

બાંગલાદેશ, પ. બંગાળ, ઓડિશાના દરિયા કાંઠાના વિસ્તારોને માઠી અસરોઃ ખેતરો જળમગ્નઃ ઠેર-ઠેર જલભરાવઃ તબાહી

કોલકતા તા. ર૭: રવિવારની રાતે રેમલ વાવાઝોડું ૧૩પ કિ.મી.ની ઝડપે ત્રાટકતા બાંગલાદેશ અને પૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે, અને ખેતરોમાં પાણી ભરાયા છે. કોલકાતામાં ઠેર-ઠેર જળભરાવ થયો છે.

બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત રેમાલ બંગાળના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. જેના કારણે અનેક વિસ્તારોમાં ૧૩પ પ્રતિકલાકની ઝડપ સાથે વરસાદ વરસ્યો હતો. રવિવારે રાત્રે ૮-૩૦ વાગ્યે બાંગલાદેશમાં મોંગલાના દક્ષિણ-પશ્ચિમ નજીક સાગર ટાપુ અને ખોપુપારા વચ્ચે વાવાઝોડું ત્રાટક્યું હતું. મુશળધાર વરસાદને કારણે ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. ત્યારે કોલકાતામાં તો જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ જોવા મળ્યું હતું.

કોલકાતામાં ચક્રવાત રેમલને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતાં. અલીપુર વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતાં. ગત્ રાતથી પશ્ચિમ બંગાળના ઘણાં ભાગોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. કોલકાતામાં ચક્રવાત 'રેમલ'ને કારણે શહેરના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. કોલકાતા શહેરના ઘણાં ભાગોમાં અવિરત વરસાદ ચાલુ છે.

કોલકાતા સહિત દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૧૪ ટીમો તૈનાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે એસડીઆરએફ ટીમો તૈયાર કરી છે. રેમલ વાવાઝોડાને કારણે કોલકાતા અને દક્ષિણ બંગાળના અન્ય ભાગોમાં હવાઈ, રેલ અને પરિવહનને અસર પહોંચી છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ રેલવેએ કેટલીક ટ્રેનો રદ્ કરી છે. કોલકાતા એરપોર્ટે પણ કેટલાક સમય માટે બંધ કરી દેવાયું હતું.

વાવાઝોડા રેમલે સુંદરવનથી પશ્ચિમ બંગાળ, બાંગલાદેશ અને આસામ સુધી તબાહી મચાવી દીધી હતી. મધ્યરાત્રિથી કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના ઘણાં ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો. રેમલના લેન્ડફોલની પ્રક્રિયા રવિવાર રાતથી પશ્ચિમ બંગાળ અને બાંગલાદેશના નજીકના દરિયાકિનારા પર શરૂ થઈ હતી.

દરમિયાન ચક્રવાત રેમલનો એક ભયજનક વીડિયો સામે આવ્યો છે જેમાં વાવાઝોડાનું ડરામણું સ્વરૂપ જોઈ શકાય છે. બંગલાદેશ મીડિયાએ વાવાઝોડનો એક વીડિયો જાહેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બાંગલાદેશના ચટ્ટોગ્રામ કિનારાનો હોવાનું કહેવાય છે, જેમાં સમુદ્રના પાણીની ઉપર વાવાઝોડાનું ડરામણું સ્વરૂપ દેખાઈ રહ્યું છે. દરિયાઈ મોજાંનું વિકરાળ સ્વરૂપ વાવાઝોડાનું ભયાનક સ્વરૂપ બતાવે છે.

બાંગલાદેશના દરિયકાંઠાના વિસ્તારોમાંથી ૮ લાખ લોકો સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતાં. આથી વિચારી શકાય કે આ વાવાઝોડું કેટલું ભયાનક હશે. વાવાઝોડાને કારણે બાંગલાદેશના સતખીરા અને કોકસ બજાર વિસ્તારના તટિય જિલ્લાઓમાં દરિયામાં ઊંચા મોજાં જોવા મળ્યા હતાં. આ ઉપરાંત હવામાન વિભાગે આજ અને આવતીકાલ અસમ અને બીજા પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ચિરાંગ, ગોલપારા, બક્સા, દિમા હસાઓ, કછાર, હૈલાકાંડી અને કરીમગંજ જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ધુબરી, દક્ષિણ સલમારા, બોંગાઈગાંવ, બાજલી, તામુલપુર, બારપેટા, નલબારી માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.જો કે, હવે નબળું પડી રહ્યું છે. બંગાળની ખાડી ઉપરનું રેમલ છેલ્લા ૬ કલાક દરમિયાન ૧૧ કિ.મી. પ્રતિકલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધી ગયું છે. વાવાઝોડું બાંગલાદેશના ટાપુઓ અને નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકિનારાને પાર કરી ગયું છે. તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ધીરે ધીરે નબળું પડી જશે.

ભારતીય હવામાન વિભાગે પણ જણાવ્યું કે ચક્રવાતી તોફાન 'રેમલ' બાંગલાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરી રહ્યું છે. હવે તોફાન ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. હવામાન વિભાગે રેમલ તોફાનને લઈને બંગાળ, ઓડિશા સહિત ઘણાં રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh