Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ સંદર્ભે જુદા જુદા વિભાગોના ૬ સરકારી કર્મચારીને કરાયા સસ્પેન્ડ

પોલીસે આ ઘટનામાં જવાબદાર ૬ આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી બે ને દબોચી લીધાઃ એસઆઈટી રચાઈ

રાજકોટ તા. ર૭: રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ પછી સફાળી જાગેલી સરકારે જુદા જુદા વિભાગોના ૬ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તે પહેલા ગેમઝોનના માલિક અને સંચાલક ભાગીદારો સહિત ૬ આરોપીઓ સામે ગુનો નોંધી બે ની ધરપકડ કરી છે. સરકારે આ માટે એસઆઈટી પણ રચી છે.

ગુજરાતના રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ પછી કાટમાળ હટાવવા અને મૃતદેહો શોધવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને ૬ સરકારી કર્મચારીઓને નોકરી પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજકોટ અગ્નિકાંડ પછી બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે, અગ્નિકાંડ પછી એવા આરોપો લાગી રહ્યા હતાં કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજુરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ હતી.

મળતી માહિતી મુજબ ગૌતમ ચૌધરી, આસિસ્ટન્ટ ઈજનેર એમ.આર. સુમા, આરએન્ડબીના નાયબ કાર્યપાલક પારસ કોઠિયા, આરએન્ડબીના તત્કાલિન મદદનીશ વી.આર. પટેલ, પોલીસ ઈન્સ્પેક્ટર એન.આઈ. રાઠોડને સસ્પેન્ડ કરાયા હતાં.

આ ઉપરાંત કાલાવડ રોડ પરના મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં નિર્દોષ લોકો જીવતા ભૂંજાઈ ગયાની કાળજું કંપાવનારી ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસે ૬ આરોપીઓ ધવલ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદિશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદિશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી અને રાહુલ લલિતભાઈ રાઠોડ ઉપરાંત તપાસમાં ખુલે તેના વિરૂદ્ધ આઈપીસીની કલમ ૩૦૪ (સાપરાધ મનુષ્યવધ), ૩૦૮ (સાપરાધ મનુષ્યવધની કોશિષ), ૩૩૭ (બેદરકારીથી ઈજા પહોંચાડવી), ૩૩૮ (બેદરકારીથી ગંભીર ઈજા પહોંચાડવી) અને ૧૧૪ (મદદગારી કરવી) હેઠળ ગુનો દાખલ કરી બે આરોપીઓ યુવરાજસિંહ અને નીતિનની ધરપકડ કરી હતી.

આ એફઆઈઆરમાં જે કલમો હેઠળ ગુનો દાખલ થયો છે તે જોતા તેમાં દસ વર્ષથી માંડી આજીવન કારાવસ સુધીની સજાની જોગવાઈ છે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધિ ચૌધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઈ, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલની રાહબરીમાં ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.બી. બસિયા, પીઆઈ એમ.આર. ગોંડલિયા, તાલુકા પીઅઈ ડી.એમ. હરિપરા અને તેમની ટીમો તપાસ કરી રહી છે. સરકારે રચેલી એસઆઈટીની તપાસ પછી હજુ વધુ કડક કદમ ઊઠાવાશે, તેવા સંકેતો મળી રહ્યા છે.

લોકોમાં આ અગ્નિકાંડને લઈને પ્રચંડ રોષ છે અને હવે રાજ્યભરમાં કડક પગલા લેવા નીકળેલી સરકારે અત્યાર સુધી લોલંલોલ કેમ ચલાવ્યું? તેવા સવાલો ઊઠી રહ્યા છે.

સર્ચ ઓપરેશન પૂરૂ થયું હોવાની કરાઈ જાહેરાત

પોટલા ભરીને માનવ અવશેષો મળતા ખળભળાટ

ગુજરાતમાં માનવીય બેદરકારીથી સર્જાયેલી આ સૌથી ગમખ્વાર દુર્ઘટનામાં રાજકોટના નાનામવા રોડ પર ટીઆરપી માનવીય ઝોન સ્થળે ર૬ કલાક પછી સર્ચ ઓપરેશન ફાયરબ્રિગેડ પૂરૃં થયેલું જાહેર કર્યું હતું અને આ દરમિયાન સાંજે ઘટના સ્થળેથી અત્યંત સળગીને કાળા પડી ગયેલા માનવદેહના અવશેષો (ટૂકડા) મળી આવતા તે બે પોટલામાં ભરીને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં.

રાજકોટમાં લોકોએ તીવ્ર વેદના વ્યક્ત કરતા સત્વરે જણાવ્યું કે જવાબદારોને એવી કડક સજા કરવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવી બેદરકારી રાખે નહીં.

કલેક્ટર પ્રભુત્વ જોષીએ જણાવ્યું કે, આ ઘટનાથી ૩ર લોકોના મૃત્યુ થયા હોઈ શકે છે. આ ઉપરાંત માનવ એવશેષો મળ્યા છે જે કેટલા લોકોના છે. આ કોના છે તે હજી જાણી શકાયું નથી. મોડી રાત સુધી હજુ એક પણ મુતદેહ કોનો છે તે ઓળખી શકાયું નથી અને આ માટે ડી.એન.એ. મેચ કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે.

ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર ગઈકાલ સાંજથી ચાલતું સર્ચ ઓપરેશન પૂરૃં કરીને ગેમઝોનનો સમગ્ર કાટમાળ ખસેડવામાં આવ્યો છે અને રાત્રે પોલીસ સાથે વાત થયા મુજબ જે.સી.બી. ફાયરફાઈટર સહિત વાહનો ખસેડી લેવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh