Advertisement
Author: નોબત સમાચાર

ગરીબનું ઝૂંપડું હટાવવા બુલડોઝર મોકલતી સરકાર જીવલેણ ગોરખધંધા સામે ઢીલીઢફ કેમ? શક્તિસિંહ ગોહિલ

જેસીબીનો ઉપયોગ પુરાવાઓનો નાશ કરવા માટે કરાયો? : લોકોમાં આશંકા ઉઠી

અમદાવાદ તા. ર૭: રાજકોટના અગ્નિકાંડ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભૂપેન્દ્ર પટેલ સરકાર અને તેના તંત્રોની આકરી ઝાટકણી કાઢી છે.

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ વતી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ મેદાને ઉતરી આવ્યા હતાં અને તેમણે એક પત્રકાર પરિષદને સંબોધતા સરકાર અને પોલીસ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતાં.

તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારો પડકાર છે કે તેઓ આ ઘટના જાતે નિર્ણય કરે અને પીડિતોને સારામાં સારું વળતર આપે. ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરે. તમારે દાખલો બેસાડવાની જરૂર છે. લીપાથોપી બંધ કરવી જોઈએ. માનવતાના નામે કડકમાં કડક કાર્યવાહી કરો. જે કોઈ ઉચ્ચ અધિકારીઓની આ અગ્નિકાંડમાં સંડોવણી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહે કહ્યું કે જ્યારે પણ ધનિકો સામે કાર્યવાહી કરવાનો વારો આવે છે તો સરકાર કે પોલીસ દ્વારા ઢીલું વલણ અપનાવવામાં આવે છે. જ્યારે ગરીબ વ્યક્તિ દ્વારા કોઈ ઝુંપડું બાંધે કે પછી નાનકડો ઓટલો પણ બાંધવામાં આવે તો મહાનગર-પાલિકા દ્વારા બુલડોઝર જેવી કાર્યવાહીઓ કરવામાં આવે છે પણ જ્યારે ધનિકો દ્વારા  લોકોના જીવ સાથે ખિલવાડ કરવામાં આવે તો કોઈ કાર્યવાહી કેમ નથી કરાતી.

તેમણે કહ્યું છડેચોક આ ગોરખ ધંધો ચાલી રહ્યો હતો. ફાયર સેફટી જેવા પગલા પણ ન લેવાયા. તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં. આ રાજકોટ મહાનગરપાલિકાનું નબળું વલણ દર્શાવે છે હપ્તારાજને કારણે જ આવી ઘટનાઓ બની રહી છે.

ઉલ્લેખનીય છે કે એવી ચર્ચા છે કે આ ગેમ ઝોનનું બાંધકામ ગેરકાયદે જગ્યા પર કરવામાં આવ્યો હતું. આ ગેમ ઝોન કોઈપણ પ્રકારની જરૂરી સરકારી મંજૂરીઓ લીધા વિના જ ચાલી રહ્યું હોવાનો દાવો કરાયો છે. શક્તિસિંહે પ્રેસ કોન્ફરન્સમાં વડોદરા, સુરત જેવા શહેરોમાં પણ બનેલી મોટી દુર્ઘટનાઓનો ઉલ્લેખ કરતાં ભાજપ સરકારને ઘેરી હતી.

શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદના માધ્યમથી રાજ્ય સરકાર પર પ્રચંડ પ્રહાર કરવા વધુંમાં કહ્યું કે, આ દુર્ઘટનામાંથી સરકારે બોધપાઠ લેવાની જરૂર છે. સરકાર ફકત મોટી માછલીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ગેમ ઝોનનું પાપ છુપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાજકોટમાં હપ્તારાજ ચાલે છે. નાના અધિકારીઓને ફસાવીને મોટા અધિકારીઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.

બીજી તરફ રાજકોટ અગ્નિકાંડ પછી ત્યાં ફેરવવામાં આવી રહેલા જેસીબીને લઈને પણ આશંકાઓ ઉઠી છે અને પુરાવાનો નાશ કરવાની આ તરકીબ તો નથી ને? તેવા સવાલો ઉઠ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh