Advertisement
Author: નોબત સમાચાર

સરકારી તંત્રો ભરોસાને પાત્ર નથી, વિના મંજૂરીએ ગેમ ઝોન કેમ ચાલવા દીધું?: હાઈકોર્ટ

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુઓમોટો સુનાવણીમાં સરકાર અને મનપાની ઝાટકણીઃ તીખા સવાલો સાથે વ્યક્ત કરી નારાજગીઃ તપાસ ટીમોનો મંગાયો જવાબ

અમદાવાદ તા. ર૭: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુઓમોટો સુનાવણી દરમિયાન સરકાર, તંત્રો, રાજકોટ મનપા અને મ્યુનિ. કમિશનર પ્રત્યે ગુજરાત હાઈકોર્ટે ભારે નારાજગી દર્શાવીને ઝાટકણી કાઢી હતી. આ અંગે તીખા તમતમતા સવાલો પૂછતા અદાલતે કોર્ટના નિર્દેશોનું ચૂસ્ત પાલન કરવા તાકીદ કરી હતી અને રાજકોટ મનપાના મ્યુનિ. કમિશનરને નોટીસ ફટકારી હતી.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. આ મામલે સુખોમટો હાથ ધરતા હાઈકોર્ટે આજે બીજી વખત સુનાવણી કરી હતી જેમાં રાજકોટ મહાનગરપાલિકાનો ઉધડો લઈ નાખ્યો હતો, અને તીખા તમતમતા સવાલો પૂછ્યા હતાં.

હાઈકોર્ટે તંત્ર અને સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે, 'અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી. કોઈપણ મંજુરી વિના ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હતું તો આરએમસી શું કરતું હતું?'

હાઈકોર્ટે કમિશનરને પણ તતડાવતા આકરા સવાલ કર્યા હતાં, અને કહ્યં હતું કે, 'અમને સરકારની મશીનરી પર ભરોસો નથી રહ્યો. કોર્ટના નિર્દેશો છતાં આવી ઘટનાઓ બને છે. ૧૮ મહીનાથી તમને આ ગેમ ઝોન વિશે ખબર જ નહોતી? ઉદ્ઘાટનમાં આરએમસી કમીશનર જાય છે તો કોર્ટના નિર્દેશોનું શું કર્યું?'.

કોર્ટે આરએમસીને સવાલ પૂછ્યો હતો કે 'આ ગેમઝોન ક્યારે કામ કરતો થયો? પરમીશન માગી નહીં પણ તમારી જવાબદારી તો હતી ને'.

એ પહેલા અદાલત સમક્ષ અરજદારે કહ્યું, રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગને લઈને તુરંત રિપોર્ટ તેયાર કરાય, આરએમસીની જવાબદારી નક્કી કરાય, આ ઘટનામાં મૃત્યુના જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરાય, સુપ્રિમ કોર્ટના નિર્દેશોનો ઓથોરિટી દ્વારા અનાદર કરવામાં આવ્યો છે. આ એક વખતની દુર્ઘટના નથી અનેક વખતની દુર્ઘટના છે. એચસી, એસસીના નિર્દેશ છતાં બેદરકારી રખાય છે, આ અગ્નિકાંડમાં લોકોની હત્યા થઈ છે, નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેખાડો, આવો દેખાડો કોઈ મતલબ નહીં, કોર્ટના આદેશ છતાં નિયમોનું પાલન કરવામાં તંત્ર નિષ્ફળ, તક્ષશિલા, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ પછી પણ તંત્ર નિદ્રામાં છે. જનતાના હેલ્થની ચિંતાની જેમ ફાયર સેફ્ટીની પણ ચિંતા કરો. ગેમઝોનમાં વેલ્ડિંગની કામગીરી ચાલુ હતી તો ગેમઝોન કેમ ચાલુ રખાયો હતો. એન્ટ્રી એરિયા પણ સીસી ટીવીમાં દેખાય છે, તમને લોકોના જીવની પડી નથી અને તમે વેલ્ડીંગની કામગીરી કરતા હતાં, આ કેટલું યોગ્ય છે. બિલ્ડિંગ નિર્માણ દરમિયાનના નિયમો પણ પાળવા પડે, તેમાં પણ ફાયર સેફ્ટીની જોગવાઈ છે, આવા કોઈ નિયમ રાજકોટમાં પીઆરપી દ્વારા પળાયા નથી.

અરજદારે કહ્યું કે, જવાલનશીલ પદાર્થો કે એક્સપ્લોઝિવનું સ્ટોરેજ કરતી બિલ્ડિંગ જોખમી પ્રકારમાં આવે, મૂળ પીઆઈએલ કોવિડમાં શ્રેય હોસ્પિટલની આગથી ર૦ર૦ માં ફાઈનલ કરાઈ હતી, તેમાં સિવિલ એપ્લિકેશન અપાઈ છે. નેશનલ બિલ્ડિંગ કોડ ઓફ ઈન્ડિયાના નિર્દેશો ટાંકવામાં આવી રહ્યા છે.

હાઈકોર્ટના વેધક સવાલો પર સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલે જવાબ આપતા કહ્યું હતું કે, સરકારે તાત્કાલિક પગલાં ભર્યા છે, અને રાજ્યના તમામ ગેમઝોન બંધ કરાવવામાં આવ્યા છે. સરકાર આ ઘટના બાબતે ખૂબ જ ગંભીર છે અને કોઈને છોડવામાં આવશે નહીં. છ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. છ આરોપીઓ સામે એફઆઈઆર કરવામાં અવી છે અને બેની ધરપકડ કરવામાં આવી છે.

સરકારના વકીલે કહ્યું કે, વોટર સ્પોર્ટસ, એમ્યુઝમેન્ટ પાર્ક, એરિયલ રોપ-વે ઉપર નિયમો બની રહ્યા છે. આના પરથી સરકાર પાસે વોટર સ્પોર્ટસ, એમ્યુઝમેન્ટ પાર્ક, રોપ-વેના નિયમો જ નથી તેવું સ્પષ્ટ થાય છે. ફાયર એનઓસી વગર ગેમઝોન ચાલુ કરવા મંજુરી મળશે નહીં, બીયુ પરમિશન પણ મળશે નહીં.

વ્યક્તિગત હાઈકોર્ટે રાજકોટ મનપા કમિશનરને નોટીસ પાઠવી જવાબ માંગ્યો કે રાજકોટ મનપા તમારા બચાવ માટે કોર્ટમાં જવાબ આપો, ફાયર સેફ્ટી વિના સરકારને પણ કોર્ટ નહીં ચલાવી લે.

છેલ્લા સમાચારો મુજબ રાજકોટમાં અગ્નિકાંડને લઈ હાઈકોર્ટે આદેશ આપ્યો છે, જેમાં સીઆઈડી ક્રાઈમ, એસઆઈટી સહિતની ટીમોને જવાબ રજૂ કરવા અને ફાયર એનઓસી ન હોય તેવા તમામ ગેમ ઝોન બંધ કરાવી દેવા તાકીદ કરાઈ છે. ફાયર સેફ્ટીનો અભાવ હોય ત્યાં પગલાં લેવા આદેશ કરતા અદાલતે ટકોર કરી કે અગ્નિકાંડની દુર્ઘટના કોઈ સલાહ આપવાની દુર્ઘટના નથી. સરકાર આ વાત યાદ રાખે.

રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં અનેક લોકોના જીવ હોમાયા છે. જેને લઈને અત્યારે પણ રાજ્યભરમાં શોકનો માહોલ છે. રાજકોટમાં આજે વેપારીઓ બંધ પાળીને શોક વ્યક્ત કરી રહ્યા છે, અને રાજકોટ મુખ્ય બજાર આજે બંધ છે. રાજકોટની સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, કાપડ માર્કેટ, ફૂટવેર માર્કેટ બંધ છે.

હાઈકોર્ટમાં સાડાચાર કલાક ચાલી સુનાવણી

ત્રીજી જૂને જવાબ માંગ્યોઃ ૬ઠ્ઠી જૂને થશે સુનાવણી

અમદાવાદ તા. ર૭ : ગુજરાત હાઈકોર્ટમાં સાડા ચાર કલાક સુનાવણી પછી સંબંધિત તંત્રોને ત્રીજી જૂની જવાબ રજૂ કરવા અદાલતે આદેશ આપ્યો છે અને છઠ્ઠી જૂને પુુનઃ સુનાવણી થશે તેવા અહેવાલો આવ્યા છે.

છાપા - મીડિયાના અહેવાલોને કેમ અવગણો છો?: અદાલત

અમદાવાદ તા. ર૭ : આજે સુનાવણી દરમિયાન અદાલતે એવો સવાલ પણ કર્યો હતો કે અખબારો અને મીડિયાના અહેવાલોને પણ તંત્રો કેમ માનતા નથી? સુત્રોના જણાવ્યા મુજબ હાઈકોર્ટે કહ્યુ કે છાપા અને મીડિયાના અહેવાલોને અવગણવાના બદલે તેના પર ગંભીરતાથી ધ્યાન દેવું જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh