Advertisement
Author: નોબત સમાચાર

આસામ-અરૂણાચલ પર આકાશી આફતઃ ભારે વરસાદે મચાવી તબાહીઃ જનજીવન ઠપ્પ

વાયુસેના દ્વારા પૂરગ્રસ્તોનું રેસ્ક્યુઃ અનેક બ્રિજ અને હાઈ-વે તણાયાઃ ત્રણ મૃત્યુ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૩૦: અરૂણાચલ પ્રદેશ અને આસામમાં પૂર અને ભૂસ્ખલનના પ્રકોપના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે અને ભારે તબાહી મચાવી છે. ત્રણના મૃત્યુ થયા હોવાના અહેવાલો છે.

અરૂણાચલ પ્રદેશમાં ચોમાસાના મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. પૂર અને ભયાનક ભૂસ્ખલનને કારણે રાજ્યના ૧ર જિલ્લાઓમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેથી પન્યોર જિલ્લામાં આવેલા અચાનક પૂરમાં અત્યાર સુધીમાં ૩ લોકોના મોત થયા છે અને બે લોકો હજી પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલી રહી છે.

આ સિવાય અંજો જિલ્લામાં હાઈવે કામગીરી દરમિયાન એક ઓપરેટર પર મોટો ખડક પડતા તેનું મોત થયું હતું. રાહતની વાત એ છે કે લોઅર દિબાંગ વેલીમાં સિસિરી નદીના ટાપુ પર ફસાયેલા ૪ લોકોને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતાં. વરસાદને કારણે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુક્સાન પહોંચ્યું છે. ઈસ્ટ સિયાંગ જિલ્લામાં ૧૧ મુખ્ય માર્ગોમાંથી પાસીઘાટ-પેન્ગ્યિન સહિતના ૯ મહત્ત્વના હાઈવે બ્લોક થઈ ગયા છે. લેદુમ વિસ્તારમાં નદીએ પ્રવાહ બદલતા અનેક ઘરો પાણીમાં ડૂબી ગયા છે અને એક મહત્ત્વનો પુલ પણ તૂટી ગયો છે.

પૂરને કારણે બેઘર થયેલા પરિવારોને સુરક્ષિત સ્થળે રાહત કેમ્પોમાં ખસેડવામાં આવ્યા હતાં. હવામાન વિભાગે આગામી સમયમાં પૂર્વ સિયાંગ અને પાપુમ પારે સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વધુ ભારે વરસાદની આગાહી કરી હોવાથી પ્રશાસને લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી પ્રવાસ ન કરવાની કડક સૂચના આપી છે.

આસામમાં પૂરની સ્થિતિ સતત વણસી રહી છે, જેના કારણે રાજ્યના ૬ જિલ્લાઓમાં રર,૦૦૦ થી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આસામ સ્ટેટ ડિઝેસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ ધેમાજી, લખીમપુર, ચિરાંગ, કોકરાઝાર, નલબારી અને દિબ્રુગઢ જિલ્લાઓમાં પૂરના કારણે ભારે નુક્સાન થયું છે. હાલમાં કુલ ૯૬ ગામો પાણીમાં ડૂબી ગયા છે જેમાં એકલા ધેમાજી જિલ્લામાં જ ૬૯ ગામોનો સમાવેશ થાય છે. પૂરના કારણે અત્યાર સુધીમાં ૧૬૯૦ હેક્ટર વિસ્તારમાં પાકને ભારે નુક્સાન થયું છે.

જો કે, રાહતની વાત એ છે કે પૂરને કારણે હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. પ્રશાસન દ્વારા પ્રભાવિતોની મદદ માટે ૬ રાહત વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ભારે વરસાદ અને નદીઓના જળસ્તરમાં વધારાને કારણે અપર આસામમાં રેલવે કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે. ધેમાજી જિલ્લામાં ૧૧૦ મીલીમીટરથી વધુ વરસાદ ખાબકતા નદીના કિનારે ભારે ધોવાણ થયું છે જેના લીધે રેલવે બ્રિજને નુક્સાન પહોંચ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh