Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ પાસે રાત્રે ધાડ પાડવાની તૈયારી કરતી ટોળકી ઝડપાઈ

ધસી ગયેલી એલસીબીએ પાઈપ, લાકડી, કોશ, છરી, ગણેશીયો કબજે કર્યાઃ૪૮થી વધુ ગુન્હાની કબૂલાતઃ

જામનગર તા. ૧૪ઃ કાલાવડથી રણુજા વચ્ચે આવેલી જીઆઈડીસી વસાહત પાસેથી ગઈરાત્રે એલસીબીએ પાંચ શખ્સને ઘાતક હથિયાર, મોબાઈલ, બાઈક, રોકડ સાથે પકડી પાડ્યા છે. આ ટોળકી કોઈ જગ્યાએ ધાડ પાડવાની તૈયારી કરતી હતી ત્યારે જ એલસીબી પહોંચી ગઈ હતી. આ શખ્સોએ તાજેતરમાં પાંચ મકાનમાં થયેલી ચોરીની કબૂલાત આપી છે અને અત્યાર સુધીમાં દ્વારકાથી માંડી મહિસાગર, આણંદ, દાહોદ જિલ્લામાં ૪૮થી વધુ ગુન્હાને અંજામ આપ્યાનું કબૂલ્યું છે. કુલ રૂ.૧,૫૬,૨૯૦નો મુદ્દામાલ એલસીબીએ કબજે કરી પૂછપરછ શરૂ કરી છે.

જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના દિલીપ તલાવડીયા, કાસમ બ્લોચ, હિતેન્દ્રસિંહ, હરદીપ બારડ, મયુરસિંહ, ઋષિરાજ સિંહને બાતમી મળી હતી કે, પાંચ જેટલા શખ્સ કાલાવડ નજીક જીઆઈડીસી વસાહત પાસે હથિયારો સાથે ઉભા રહી લૂંટ અથવા ધાડ પાડવાની તૈયારી કરી રહ્યા છે.

તે બાતમીથી પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ પી.એન. મોરી તથા એ.કે. પટેલ સહિતના સ્ટાફે મોડી રાત્રે વોચ રાખી હતી. તે દરમિયાન રાત્રે દોઢેક વાગ્યે કાલાવડથી રણુજા તરફ જવાના રસ્તા પર જીઆઈડીસી વસાહતના ગેઈટ નજીકથી પાંચ શખ્સ લાકડી, છરી, પાઈપ, ગણેશીયા, ડીસમીસ, કટર સાથે મળી આવ્યા હતા.

આ શખસોના કબજામાંથી ત્રણ મોબાઈલ અને રૂ.૩૦ હજારની કિંમતનું હોન્ડા કંપનીનું સાઈન મોટરસાયકલ પણ કબજે કરાયું છે. એલસીબી કચેરીએ ખસેડાયેલા આ શખ્સોની પૂછપરછ શરૂ કરાતા મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આંબલી ખજુરીયા ગામના વતની અને હાલમાં કાલાવડના મોટી માટલીમાં રહેતા કમલેશ બદીયાભાઈ પલાસ, છરછોડા ગામના અજય ધીરૂભાઈ પલાસ, ગોરધન ધીરૂભાઈ પલાસ, પંકેશ મથુરભાઈ પલાસ, ધોરાજીના જમનાવડમાં રહેતા રંગીત બાદરભાઈ મીનામા નામના આ શખ્સોએ એલસીબી સમક્ષ પોપટ બની જઈ કેટલાક ગુન્હાઓની કબૂલાત આપી છે. આ શખ્સોએ તાજેતરમાં અશ્વિન મનસુખભાઈ ભંડેરી તેમજ કપિલ વૈરાગી, આનંદભાઈ સખીયા, રાજેશ બધેલ, અલ્પેશ બગડા નામના પાંચ આસામીના શ્યામ વાટીકા સોસાયટીમાં આવેલા બંધ મકાનોમાં તાળા તોડી રૂ.૪ લાખ ૪૧ હજારની મત્તા ચોર્યાની કબૂલાત આપી છે.

આ શખ્સોની શરૂ રાયેલી ઘનિષ્ઠ પૂછપરછમાં તેઓએ છેલ્લા સવા વર્ષમાં દસ ચોરી કર્યાની કેફિયત આપી છે. જેમાં વીસેક દિવસ પહેલાં કાલાવડના આણંદપર નજીક ચાર કારખાનાના તાળા તોડી રોકડ, બાઈકની ચોરી કરવા ઉપરાંત મહિસાગરના અમથાણી ખાંડીવાવ ગામમાં દુકાનની ચોરી, સવા વર્ષ પહેલાં રાજકોટના બેડી નજીક કારખાનામાં ચોરી ઉપરાંત સાતેક દિવસ પહેલાં અમદાવાદના દસક્રોઈ ગામમાં કારખાનામાં ચોરી, પાંચેક દિવસ પહેલાં ધોરાજીમાં બંધ કારખાનામાં ચોરી સહિત દસ ચોરીને અંજામ આપ્યાનું કબૂલી લીધુ છે.

પાંચેય આરોપીઓને અલગ અલગ રાખી કરાયેલી પૂછપરછમાં આરોપી પંકેશ મથુરભાઈએ પોતાની સામે વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં હત્યા, લૂંટ, હથિયાર ધારા, ચોરી, દારૂબંધી ભંગ, ગેરકાયદે મંડળી રચી હુમલો સહિતના ૩૪ ગુન્હા નોંધાયેલા હોવાનું જણાવ્યું છે. જયારે કમલેશ બદીયાભાઈએ વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધીમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દસ ગુન્હા અને ગોરધન ધીરૂભાઈએ વર્ષ ૨૦૧૯ અને ચાલુ વર્ષમાં ચોરી, હુમલાના બે ગુન્હા તથા અજય ધીરૂભાઈ સામે પણ ચોરીના બે ગુન્હા નોંધાયા હોવાની કબૂલાત આપી છે.

આ શખ્સો ચોરી કરતા પહેલાં જે તે મકાન અથવા કારખાનાને નજરમાં રાખી રેકી કર્યા પછી ડીસમીસ, કોશ, ગણેશીયા, કટર સાથે રાખી ચોરી કરી લેતા હતા. તે ઉપરાંત મોડીરાત્રિના સમયે અવાવરૂ જગ્યાએ એકલ દોકલ વ્યક્તિને લૂંટી પણ લેતા હતા. કુલ રૂ.૧,૫૬,૨૯૦નો મુદ્દામાલ કબજે કરી આ ગેંગ ઝડપાયાની દ્વારકા, રાજકોટ, અમદાવાદ ગ્રામ્ય, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, રાજકોટ ગ્રામ્ય, પંચમહાલ, અમદાવાદ શહેર પોલીસને જાણ કરી છે.

આજે બપોરે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તમામ આરોપીઓને પત્રકારો સામે રજૂ કરી આ શખ્સોના ગુન્હાહિત ઈતિહાસ અંગે વિગતો આપી હતી. આ કાર્યવાહીમાં એલસીબીના આ કાર્યવાહીમાં  સ્ટાફના  દિલીપ તલાવડીયા, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, અરજણભાઈ કોડીયાતર, મયુદ્દીન સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, હરદીપ બારડ, મયુરસિંહ પરમાર,  ઋષિરાજસિંહ વાળા,   ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોર પરમાર, દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર, બિજલ બાલાસરા, શરદ પરમાર, હિરેન વરણવા,  કલ્પેશ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, રાકેશ ચૌહાણ, નારણભાઈ વસરા, બળવંતસિંહ પરમાર સાથે રહ્યા હતાં.

પ્રશંસનીય કામગીરી કરનાર એલસીબી ટીમને એસપીએ આપ્યું રૂ.૫૧૦૦નું પ્રોત્સાહક ઈનામ

કાલાવડ નજીકથી ગઈરાત્રે એલસીબીએ ધાડપાટુ ગેંગના પાંચ શખ્સને પકડી પાડ્યા છે. આ શખ્સો બંધ રહેણાંક મકાન તથા કારખાનાને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતા હતા અને હાઈવે પર અવાવરૂ જગ્યાએ લૂંટ પણ ચલાવી લેતા હતા. આ શખ્સોની પૂછપરછમાં જામનગરના કાલાવડ ઉપરાંત દ્વારકા તેમજ અમદાવાદ, આણંદ, રાજકોટ, મહિસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લાના હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, ચોરી સહિતના ૪૮ ગુન્હાની કબૂલાત આપી છે.

આ ગેંગને પકડી પાડનાર એલસીબીના સ્ટાફને આજે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ અભિનંદન પાઠવી સમગ્ર ટીમને રૂ.૫૧૦૦નું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ઉપરોક્ત પ્રોત્સાહક પ્રાઈઝ આપવાની સાથે એસપીએ બે ચોરીના ગુન્હા ગઈકાલે ડીટેક્ટ કરનાર એલસીબી ટીમને તે ડીટેક્શન બદલ પણ રૂ.૫૧૦૦ના ઈનામની જાહેરાત કરી એલસીબી ટીમનો જુસ્સો વધાર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh