Advertisement
Author: નોબત સમાચાર

લોકસભાના ૬ઠ્ઠા તબક્કાની પ૮ બેઠકો પર સરેરાશ ૪૭ ટકા મતદાન

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રિય મંત્રીઓ, દિલ્હીના મુખ્યમંત્રી તથા સોનિયા-રાહુલ-પ્રિયંકા ગાંધી વાડ્રાએ કર્યું મતદાનઃ કેટલાક સ્થળે મારપીટ-અશાંતિની ઘટનાઓ બની

નવી દિલ્હી તા. રપઃ લોકસભાની ચૂંટણીના ૬ઠ્ઠા તબક્કાની પ૮ બેઠકો પર બપોર સુધીમાં ૪૭ ટકા મતદાન થયું છે. આ તબક્કામાં દિલ્હીનો સમાવેશ થતો હોવાથી રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ સહિતના અનેક દિગ્ગજોએ દિલ્હીમાં મતદાન કર્યું છે. કેટલાક સ્થળે લાંબી લાઈનો જોવા મળી રહી હતી.

લોકસભા ચૂંટણી ર૦ર૪ ને લઈને હાલમાં છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલુ છે. ૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ૮ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.

છેલ્લા તબક્કાનું મતદાન ૧ જૂને થશે જેમાં ૮ રાજ્યોની પ૭ સીટો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે ત્યારે આજે દિલ્હીની સાત બેઠકો પર મતદાન થઈ રહ્યું છે જ્યાં રાજકીય દિગ્ગજો મતદાન કરવા પહોંચ્યા હતાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ એસ્ટેટમાં બનેલા મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના ભાગરૂપે આજે દેશની પ૮ લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દિલ્હીના એક મતદાન મથક પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેમની પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં.

કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પૂરી લોકસભા ચૂંટણી ર૦ર૪ ના છઠ્ઠા તબક્કામાં મતદાન કરવા પહોંચ્યા હતાં. તેમણે કહ્યું કે અમારી પાસે હાલમાં ૩૦૩ બેઠકો છે. જો બેઠકો ૧૦ ટકા વધે તો અમારી પાસે ૩૩૦ બેઠકો હશે. જો અમે ૧પ ટકા વધીશું તો અમારી પાસે ૩૪પ બેઠકો હશે. અમારી પાસે ૩૭ સાથી પક્ષો છે, જો તેમાંથી અડધાને ર-૩ સીટ મળી જાય તો અમારી પાસે ૪૦૦ બેઠકો હશે.

દિલ્હીમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી મતદાન કરવા પહોંચ્યા હતાં. મતદાન કર્યા પછી મતદાન મથકની બહાર નીકળતી વખતે માતા સેલ્ફી લેતા જોવા મળ્યા હતાં.

દિલ્હીમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા લોધી એસ્ટેટના અટલ આદર્શ વિદ્યાલયના મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતાં. આ ઉપરાંત તેમના બાળકો રૈહાન રાજીવ વાડ્રા અને મિરાયા વાડ્રા, રોબર્ટ વાડ્રા પણ મતદાન કરવા પહોંચ્યા હતાં.

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ માતા-પિતા અને પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં. તેઓ સિવિલ લાઈન્સ બુથ પર મતદાન કરવા પહોંચ્યા હતાં.

આ દરમિયાન બંગાળમાંથી હિંસાના સમાચાર સામે આવ્યા છે. પીડીપી ચીફ અને અનંતનાગ-રાજૌરી લોકસભા સીટના ઉમેદવાર મહેબુબા મુફ્તીએ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે વિરોધ કર્યો.

બંગાળના તાતલુકમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરને માર મારવામાં આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસે આની પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. બેઠક આ સિવાય ઓડિશાની ૩ર વિધાનસભા સીટો પર પણ મતદાન થઈ રહ્યું છે.

દિગ્ગજો મેદાનમાં

છઠ્ઠા તક્કામાં ઘણા દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે. આમાંથી ત્રણ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૃષ્ણ પાલસિંહ ગુર્જર અને રાવ ઈન્દ્રજીતસિંહ મેદાનમાં છે. ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ મહેબૂબા મુફતી, મનોહર લાલ ખટ્ટર અને જગદંબિકા પાલ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય મનોજ તિવારી, મેનકા ગાંધી, નવીન જિંદાલ, બંસુરી સ્વરાજ, સંબિતા પાત્રા, રાજ બબ્બર, નિરહુઆ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જ્યારે મનોજ તિવારીની સામે કન્હૈયા કુમાર મેદાનમાં છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં ૮૮૯ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ૭૯૭ પુરૂષ અને ૯ર મહિલા ઉમેદવારો છે.

૮૮૯ ઉમેદવારોના ભાવિનો ફેંસલો

છઠ્ઠા તબક્કાના મતદાન માટે ૧.૧૪ લાખ મતદાન મથકો પર ૧૧.૪ લાખ મતદાન અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ૧૧.૧૩ કરોડથી વધુ મતદારો ચૂંટણી લડી રહેલા ૮૮૯ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આ મતદારોમાં પ.૮૪ કરોડ પુરૂષો, પ.ર૯ કરોડ મહિલાઓ અને પ,૧ર૦ અન્ય મતદારોનો સમાવેશ થાય છે. છઠ્ઠા તબક્કા માટે ૮પ વર્ષથી વધુ ઉંમરના ૮.૯૩ લાખથી વધુ નોંધાયેલા મતદારો અને ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના ર૩,૬પ૯ મતદારો છે. ૯.પ૮ લાખ વિકલાંગ મતદારો છે, જેમને તેમના ઘરની આરામથી મતદાન કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

વિદેશી મંત્રી પણ મતદાન માટે ધક્કે ચડ્યા?

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે અને દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે. ત્યારે કેન્દ્રીય વિદેશી મંત્રી એસ. જયશંકર પણ મતદાન કરવા માટેે તુગલક લેનમાં આવેલી અટલ આદર્શ સ્કૂલ પર પહોંચ્યા હતાં. જો કે ત્યાં લગભગ ર૦ મિનિટ સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ તેમને ખબર પડી કે તેમનું નામ મતદાર યાદીમાં નથી. જેથી તેઓ મતદાન કર્યા વગર જ ઘરે પરત ફર્યા હતાં.

તેમણે ઘરે આવીને તપાસ કરી તો ખબર પડી કે તેનું મતદાન કેન્દ્ર અલગ હતું. ત્યારબાદ તેણે અન્ય મતદાન મથક પર પોતાનો મત આપ્યો. તેમજ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરી હતી.

દિલ્હીના જિલ્લા ચૂંટણી કાર્યાલય વતી એસ. જયશંકરને તે મતદાન મથક પર પ્રથમ પુરૂષ મતદાર બનવાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. દિલ્હીના લોકસભા મતવિસ્તાર-૦૪ મતદાન મથક નંબર-પ૩ પર એસ.જયશંકર પ્રથમ પુરૂષ મતદાતા હોવાથી તેમને સર્ટિફીકેટ આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ પોતે સર્ટિફીકેટ સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયા સાઈટ એકસ પર પોસ્ટ કર્યો છે.

દેશની આ પ૮ બેઠકો પર છઠ્ઠા તબક્કામાં થઈ રહ્યું છે મતદાન

દેશની પ૮ બેઠકો પર આજે છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, તેમાં બિહાર અને બંગાળની ૮-૮, દિલ્હીની ૭, હરિયાણાની ૧૦, ઝારખંડની ૪, ઉત્તર પ્રદેશની ૧૪ અને જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ એમ છેલ્લી બેઠકોનો સમાવેશ થાય છે. અંતિમ તબક્કાની ચૂંટણી ૧ જૂને યોજાશે અને ચૂંટણીના પરિણામો ૪ જૂનના રોજ જાહેર થશે.

છેલ્લા અહેવાલો મળ્યા તે મુજબ બપોર સુધીમાં પ૮ બેઠકો પર સરેરાશ ૪૭ ટકા મતદાન થયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh