Advertisement
Author: નોબત સમાચાર

પ્રજાનો સ્વયંભૂ વિરોધનો જ્વાળામુખી ફાટે તે પહેલાં સ્માર્ટ મીટરની અમલવારીમાં ફેરફાર

સરકાર/વીજતંત્રએ અંતે ઝુકવું પડયું !

જામનગર તા. રપઃ સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર સામે ઉગ્ર વિરોધ શરૂ થયો છે. ભારત સરકારે સમગ્ર દેશમાં સ્માર્ટ મીટરની વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કર્યાે છે. અને ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની સૂચના મુજબ સ્માર્ટ મીટરની અમલવારી શરૂ કરી... પણ તેનો વિરોધ થતાં સરકાર અને વીજતંત્ર આ પ્રશ્ને તમામ લોકોને કેવી રીતે સમજાવવા તેની ચિંતામાં પડી ગયા છે.

સ્માર્ટ મીટરની યોજના ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પડતી મૂકી શકે તેમ નથી. કારણ કે કેન્દ્રની ભાજપ સરકારે આ યોજના માટે વિવિધ કંપનીઓ સાથે સમજૂતી કરી છે. અને જાણવા મળતી વિગતો પ્રમાણે આ યોજના રૂપિયા દસ લાખ કરોડનો મસમાટો ખેલ છે!

હવે... ગળામાં હાડકું ફસાયું હોય તેવી સ્થિતીમાં સ્માર્ટ મીટરની અમલવારીમાં સરકાર/વીજતંત્રએ ફેરફારો કરવા પડી રહ્યા છે અગાઉ નોટબંધી વખતે પણ આવી જ હાલત થઈ હતી... નોટબંધી લાગુ કર્યા પછી બે મહિના દરમ્યાનના સમયગાળામાં તેના નિયમોમાં રપ-૩૦ વખત ફેરફારો થતાં રહ્યા હતાં.

અર્થાત... કોઈપણ જાતની પૂર્ણ અને પુખ્ત વિચારણા કર્યા વગર સ્માર્ટ મીટર ઠોકી બેસાડવામાં આવતાં ઉગ્ર વિરોધ ઉઠે તે સ્વાભાવિક જ હતું... સરકાર તો એવા અહ્મમાં રાચતી હતી કે પ્રજા મુંગા મોઢે નીચી મુંડી રાખીને આ ડામ પણ સહન કરી લેશે...! પણ આવા અહ્મનો પ્રજાના મિજાજે કરૂણ રકાસ કરી દીધો છે.

સ્માર્ટ મીટરની અમલવારી કરવામાં ગુજરાતની ભાજપ સરકારે કેન્દ્રની ભાજપ સરકાર (ભાજપની નેતાગીરી)ને વ્હાલા થવા ઉતાવળ કરી... અને લોકસભાની ચૂંટણીના મતદાનમાં આ યોજનાનો વિરોધ થાય અને મતદારો ભાજપ વીરૂદ્ધ મતદાન કરે તો...? તેવીભીતિ હોવાથી લોકસભાની ચૂંટણી ગુજતમાં મતદાન પુરૃં થયું કે તરત જ ગરીબ અને મધ્યમ વર્ગના રહેણાંકોમાં સ્માર્ટ મીટર લગાડવાનું શરૂ કરી દીધું...

આ કામગીરી સામે અખબારોમાં સરકારી અને વીજતંત્રની ટીકા સાથે પ્રજાનો અવાજ રજુ થયો... સ્માર્ટ મીટરની યોજના અંગે અનેક સવાલો ઉઠવા પામ્યા તેથી હવે સરકારે પારોઠના પગલાં ભરવા પડયા છે...

આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે સરકારે સૌ પ્રથમ સરકારી ઓફિસો/ઈમારતોમાં, ત્યાર પછી કોમર્શિયલ સંસ્થાઓમાં અને ત્યાર પછી છેલ્લે આમ જનતાના ઘરે સ્માર્ટ મિટરો નાખવામાં આવશે તેવી જાહેરાત કરી છે. આ ઉપરાંત સ્માર્ટ મીટર પ્રમાણે વીજળીના નાણાં ભરવા, અગાઉના મીટર મુજબના બાકી નાણાં, વિજ જોડાણ કાપી નાખવા સહિતના મુદ્દે સરકાર/વીજતંત્રએ સ્પષ્ટતા કરવી પડી છે. (રીતસર નમતુ જોખવું પડયું છે.)

નોબત સહિતના અખબારોમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ જ રજુ થયો હતો કે ક્યા ક્રાઈટેરીયાના આધારે માત્ર શહેરી વિસ્તારો જ નક્કી થયા... અને તેમાંય કોઈપણ શહેરના ચોક્કસ વિસ્તારની પસંદગી કેમ થઈ...? તો ચોક્કસ વિસ્તારોને શા માટે બાકાત રખાયા...?

સ્માર્ટ મીટરથી વીજચોરી અટકશે તે બાબત પણ ગળે ઉતરે તેવી લાગતી નથી ! ખૂદ વીજતંત્રમાં કરોડો-અબજો રૂપિયાની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે હલકી ગુણવત્તાનો માલ સામાન, થૂંકના સાંધા જેવી મરામત/જાળવણીની કામગીરી પાછળ જંગી ખર્ચા થાય છે અને તેના કારણે આવક-જાવકમાં મોટો તફાવત રહે અને તેનો ભોગ ગ્રાહકોને બનવું પડે તેવી સ્થિતિ હોય છે... વીજચોરીનું દુષણ ક્યાં છે, કોણ કરે છે તે સૌ કોઈ જાણે છે, સ્થાનિક વીજતંત્રને તેની ખબર ન હોય તે શક્ય નથી... અવારનવાર દરોડા પાડી વિજચોરી પકડી પાડવાના કામ થાય છે, તેમ છતાં વિજચોરી અટકતી નથી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તો કહેવાય છે કે વીજતંત્રના જ કર્મચારીઓ દ્વારા વીજચોરીની વ્યવસ્થા ગોઠવી દેવાય છે.! થાંભલેથી લંગરીયા નાખીને ર૪ કલાક વીજપૂરવઠો બિન્દાસપણે વાપરવામાં આવે અને જે તે વ્યક્તિ દર મહિને વીજ બીલની સરખામણીમાં મામલુ હપ્તો ઉઘરાવે... આમા પ્રામાણિક ગ્રાહકો પણ ભાવ વધારો ઝીંકાયે રાખે છે.

ખેર....! વીજતંત્રની જે કોઈ કામગીરી હોય તેની સામે નિર્દાેષ અને પ્રામાણિક પ્રજા સહકાર આપતી આવી છે. પણ હવે... સ્માર્ટમીટરની આંટીઘૂંટી, એડવાન્સમાં નાણાં ભરવાની જોહુકમી સામે પ્રજા અત્યંત નારાજ અને રોષે ભરાયેલી છે.

આ શાંત જ્વાળામુખી જેવી સ્થિતિનું ભાન થવાથી અને સરકારે ઝુકવું તો પડયું જ છે... અને અમલવારી માટે ગરીબ અને મધ્યમવર્ગ સહિતના લોકોના રહેણાંકોમાં સૌથી છેલ્લે મીટરો નાખવામાં આવશે તેવો નિર્ણય કરવો પડયો છે...!

સરકારના સ્માર્ટ મીટરની અમલવારીમાં ભલે ગમે તેવા ફેરફારો સુધાર કરવામાં આવે, પણ પ્રજામાં હજુ રોષ તો પ્રવર્તે જ છે અને પ્રજા હાલના ડીજીટલ મીટરની વ્યવસ્થા ચાલુ રાખવાની માંગણી સાથે મક્કમ હોવાનું જણાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh