Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૧૧,૪પ૧ સ્કૂલમાં ફાયર એનઓસી વિના જ રામ ભરોસે વિદ્યાર્થીઓઃ ઝળુંબતું જીવનું જોખમ

હાઈકોર્ટમાં રાજ્ય સરકારે કરેલી રજૂઆતમાં ખુલી પોલઃ

અમદાવાદ તા. ૩ઃ ગુજરાતમાં ૧૧ હજારથી વધુ સ્કૂલોમાં ફાયર એનઓસી વિના જ બાળકો-વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવાની ચોંકાવનારી હકીકત રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા જવાબ પછી પ્રકાશમાં આવી છે.

રાજકોટ અગ્નિકાંડ કેસમાં રાજ્યની શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા ચકાસણી અંગે ગુજરાત હાઈકોર્ટે અગાઉ જારી કરેલા હુકમ અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં ફાયર સેફ્ટીની સ્થિતિ, ફાયર એનઓસી સહિતના મુદ્દે આંકડાકીય માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો, રાજ્યની ૧૧,૪પ૧ સ્કૂલોમાં તો ફાયર એનઓસી જ નથી.

સરકારનો જવાબ ધ્યાને લઈએ તો, આ શાળાઓમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા જ નથી અને આવી સ્કૂલોમાં બાળકો-વિદ્યાર્થીઓ આગ-અકસ્માતના જોખમ વચ્ચે રામભરોસે અભ્યાસ કરી રહ્યા છે. સરકાર અને તંત્ર દ્વારા શાળાઓને ફાયર સેફ્ટીના સાધનો-સુવિધા અને નીયમો લાગુ કરવા ૩૦ દિવસનો સમય આપ્યો છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સરકારનો જવાબ રેકર્ડ પર લીધો હતો.

રાજ્યમાં આવેલી પ્રિ-પ્રાયમરીથી લઈ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધાને લઈ સરકાર અને તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો વિગતવાર અહેવાલ આજે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો, જેમાં એવી ચોંકાવનારી વાત સામે આવી હતી કે રાજ્યની કુલ પપ,૩૪૪ શાળાઓમાં ફાયર સેફ્ટી જ નહીં હોવાનું સામે આવ્યું હતું. ૪૩,૮૯૩ જેટલી શાળાઓએ સેલ્ફ ડેકલેરેશન કર્યું હતું, જ્યારે માત્ર ૯પ૬૩ શાળાઓ પાસે જ ફાયર એનઓસી હોવાનો ઘટસ્ફોટ પણ સામે આવ્યો હતો. ફાયર સેફ્ટી એક્ટ અને રૂલ્સની જોગવાઈ મુજબ ૯ મીટરથી વધુ ઊંચાઈનું મકાન ધરાવતી શાળાઓ માટે ફાયર એનઓસી ફરજિયાત છે. તેથી હવે સ્કૂલોએ તાબડતોબ ફાયર એનઓસી મેળવવાની કવાયત હાથ ધરી છે.

સરકાર અને તંત્ર દ્વારા ચેકીંગ કરાયેલી સ્કૂલોમાં પાણીની ટાંકી, ફાયર સેફ્ટીના સાધનો, રેતી ભરેલી ડોલ સહિતની વ્યવસ્થા રાખવા સૂચના અપાઈ છે. આ સિવાય સ્કૂલોને જે બાબતોનું પાલન કરવા નિર્દેશ જારી કરાયા છે, તેમાં સ્કૂલોમાં અંદર કોઈપણ જવલનશીલ પદાર્થ કે પ્રવાહી રાખી શકાશે. શાળાઓમાં મોટાપાયે ભીડ કે ટોળા એકત્ર થાય તેવું આયોજન કરી શકાશે નહીં. શાળાઓ વધુ પડતો ઈલેક્ટ્રીક લોડ વધારી શકશે નહીં. શાળાઓમાં ફાયર ઈવેક્યુએશન પ્લાન રાખવાનો રહેશ, તો ૧૦,૦૦૦ લિટરની પાણીની ટાંકી પણ રાખવાની રહેશે. ઉપરાંત દરેક માળ પર ફાયર અગ્નિશામકના ૪.પ કિલોથી ૬ કિલોના બાટલા રાખવાના રહેશે. શાળાઓમાં સમયાંતરે મોકડ્રીલ અને ચેકીંગ થશે.

લગભગ ૧૧૧૭ સ્કૂલોએ ફાયર એનઓસી માટે એપ્લાય કરી દીધું છે. તો, ૭૭૧ જેટલી શાળઓ ફાયર સેફ્ટીના સાધનો વસાવી રહી છે. પ્રિ-પ્રાયમરી અને પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો તપાસ કરાયેલી ૪૩,૮૩૩ શાળા પૈકી ૩૧,૯૮૭ સરકારી શાળા, ૬૩૩ ગ્રાન્ટેડ શાળા અને ૧૧,ર૧૩ ખાનગી શાળા છે. તો, ૧૧,પ૧૧ સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળા પૈકી ૧,૪૦૩ સરકારી શાળા, પ૦૬૪ ગ્રાન્ટેડ શાળા અને પ૦૪૪ ખાનગી શાળા છે. પ્રાયમરી અને પ્રિ-પ્રાયમરીની કુલ ૭,પ૧૭ શાળા છે, જેમાં ફાયર એનઓસી લેવાનું બાકી છે, જેમાં ર,૩૬૩ સરકારી શાળા અને પ,૧૩ર ખાનગી શાળાનો સમાવેશ થાય છે. સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં ગ્રાન્ટેડ ર,૦૩૯ શાળા અને ર,૮૪૩ પ્રાઈવેટ શાળાએ ફાયર એનઓસી લેવાનું બાકી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh