Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિંભર, નિષ્ક્રિય, ભ્રષ્ટ અને સત્તાના અહમ્માં રાચતા મનપા તંત્રની ચોમેર તીવ્ર ટીકા...
જામનગર મહાનગર ભલે કહેવાતું હોય, પણ... અત્યારે તો સમગ્ર શહેરની હાલત કોઈ ગામડાથી પણ બદતર થઈ ગઈ છે.
વરસાદ, આમ જુઓ તો જામનગર શહેરી વિસ્તારમાં જોરદાર કે ધોધમાર પડ્યો જ નથી, તેમ છતાં ચારે તરફ, શહેરના લગભગ તમામ માર્ગો પૂટી ગયા છે, મોટા મોટા ખાડા પડી ગયા છે, વરસાદ થોડો પડ્યો પણ ખાડા ભરાયેલા પડ્યા છે. આવી જ હાલત આંતરિક માર્ગો અને શેરી-ગલીઓની છે. આ તૂટેલા-ફૂટેલા, પાણી ભરેલા ખાડાવાળા માર્ગોથી સમગ્ર શહેરની જનતા ત્રાહિમામ્ પોકારી ગઈ છે. અધુરામાં પૂરૃં જાહેર માર્ગો પર, શેરી-ગલીઓમાં રખડતા ઢોર, ખૂટિયા અને અસંખ્ય કૂતરાઓના ત્રાસે હવે માજા મૂકી દીધી છે.
સમગ્ર શહેરમાં ચારેતરફ કચરા ઊડતા જોવા મળે છે. કચરાના પોઈન્ટ કે કન્ટેનરો આસપાસ તો મોટા ઉકરડા જેવી હાલત છે. પરિણામે મચ્છર, માખી, જીવાતોનો ઉપદ્રવ અસહ્ય વધી ગયો છે અને તેથી જ જામનગર શહેરમાં રોગચાળો વધુને વધુ વ્યાપક અને ચિંતાજનક રીતે ફેલાઈ રહ્યો છે. મેલેરિયા, કોલેરા, તાવ, શરદી, ઉધરસ જેવા રોગો ઉપરાંત ચાંદીપુરાએ ચિંતા વધારી દીધી છે.
જામનગર મહાનગરપાલિકામાં મ્યુનિ. કમિશનર અને સત્તાધારી પક્ષના પદાધિકારીઓ એ/સી હોલમાં બેસીને મિટિંગો કરે, જવાબદાર અધિકારીઓને સૂચના આપે... પણ તે સૂચના કે આદેશનો કેટલો અમલ થાય છે તે જોવાની કોઈ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિને દરકાર નથી અને ફૂરસદ પણ નથી!
મનપાનું આરોગ્ય તંત્ર ઘરે ઘરે ફરી રહ્યું છે, સર્વે કરે છે, જરૂરી દવા કે માર્ગદર્શન આપે છે તેવી પ્રસિદ્ધિઓ મનપા દ્વારા ભલે થયા કરે પણ... ખરેખર, આથી કામગીરીની રોગચાળો ડામવા માટે અસર નગણ્ય જેવી જ છે... કારણ કે આ કામગીરીમાં શહેરની વસતિના કેટલા ટકાને આવરી લેવાયા છે તે જાહેર કરાય તો જ સમજાય!
આ ઉપરાંત પાણીપૂરી અને બરફના ઉત્પાદન, વેંચાણ ઉપર કડક પ્રતિબંધ હોવા છતાં શા માટે ચેકીંગ દરમિયાન પાણીપૂરીવાળા પકડાય છે? અર્થાત્ આ ધંધાર્થીઓને મનપા તંત્રનો ડર જ નથી! આવું જ ઘાસચારો જાહેરમાં વેચનારાઓનું છે. શહેરમાં અનેક સ્થળે ખુલ્લમખુલ્લા બિન્દાસપણે ઘાસચારો વેંચાઈ રહ્યો છે. માર્ગ વચ્ચે ઊભા રહીને ઘાસચારો વેંચવા ઉપરાંત ઢોરને નાંખવામાં આવી રહ્યો છે. પરિણામે ઢોરનો ત્રાસ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે. અકસ્માતો થાય, ઢોરની ઢીંકે ચડવાના બનાવો બને તેવી સ્થિતિ હવે જોખમી બની રહી છે.
મનપાના શાસકોએ પોતાના મતવિસ્તાર/વોર્ડમાં પગપાળા ચાલીને નિરીક્ષણ કરવાની જરૂર છે. ચૂંટણી ટાણે બે હાથ જોડી ઘરે ઘરે ઘૂમનારી વ્યક્તિઓ ચૂંટાયા પછી દેખાતા નથી.
જામનગરની આથી અત્યંત ખરાબ, જોખમી, રોગચાળાને નિયંત્રીત કરતી, ગામડાથી પણ બદતર હાલત હોવા છતાં શાસકો, પદાધિકારીઓ, નાના-મોટા કાર્યક્રમો, મેળાવડાઓ, સન્માનોમાં અને પોતાના અહ્મમાં જ વ્યસ્ત છે.
આ નગરની શાંત, સમજુ, સહનશીલ જનતાની હવે વધુ કસોટી કરવાનું બંધ કરો અને લોકોની વચ્ચે જઈ લોકોને પીડતી સમસ્યાઓનો તાકીદે ઉકેલ લાવવા જેટલી દરકાર કરો તેવી સમગ્ર શહેરની જનતાની ઉગ્ર લાગણી અને માંગણી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial