Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શક્તિશાળી લોકોની લગામથી રૃંધાઈ રહેલું પત્રકારત્વ!: પત્રકારત્વના ક્ષેત્રમાં કામના કાયદાનો બહુ જૂજ અમલ થાય છે
બ્રિટનના રાજઘરાનાના પુત્રવધૂ લેડી ડાયનાના અકસ્માતે મૃત્યુ પછી દુનિયામાં પાપારાઝી પત્રકારો પ્રકાશમાં આવ્યા. ત્યાં સુધી તેમની કોઈ ઓળખ હતી નહીં. તેઓ હંમેશાં પડદા પાછળ રહી પત્રકારત્વ કરતા હતા. જોખમો ઉઠાવીને અનેક સમાચારો દુનિયાના વાચકો સમક્ષ મુકતા હતા. આ પાપારાઝી પત્રકારોને આપણે ફ્રીલાન્સ પત્રકારો તરીકે ઓળખીએ છીએ. તેમની એક અલગ દુનિયા છે. અમારા એક મિત્ર તેને છૂટકીયા તરીકે પણ ઓળખાવે છે. સંબોધન ગમે તે હોય, તે લોકો કામ સારૃં કરે છે. લેડી ડાયનાના લગ્નેતર સંબંધો તેમના કારણે જ પ્રકાશમાં આવ્યા અને બ્રિટનના રાજ ઘરાનાને શરમમાં મૂકવું પડ્યું. બ્રિટનના કોઈ મોટા અખબારો શાહી પરિવાર વિરૂદ્ધ કે અણછાજતું લખતાં ખચકાટ અનુભવે. પરંતુ પાપારાઝી ને કારણે સ્ટોરી પ્રકાશિત કરવા માટે મજબૂર બન્યા હતા. મહા રાષ્ટ્રના શક્તિશાળી મુખ્ય મંત્રી એ. આર. અંતુલેએ તેના સિમેન્ટ કૌભાંડ પ્રકાશિત થતાં ગાદી છોડવી પડી હતી.અમરિકન પ્રમુખ નિક્સન સામે વોટર ગેટ કૌભાંડ પણ પત્રકારોને કારણે જ ફેલાયું હતું. ઇન્દિરા ગાંધીના કટોકટી કાળમાં પત્રકારો ઉપર તવાઈ આવી હતી.
બધા માટે લખતા પત્રકારો માટે હજુ બહુ લખતું નથી અને તેઓ હંમેશાં નેપથ્યમાં જ રહે છે. આજે અહી થોડા વણ લખાયેલા વિષય ઉપર ઝાંખો પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે. ઔચિત્ય ભંગ ન થાય તે માટે નામ કે સ્થળ લખવામાં સંયમ રાખ્યો છે.
ઉદ્દેશ્ય
વર્તમાન પત્રકારત્વની એન્જિઑગ્રાફી કરવાનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, સામાન્ય લોકો આ ક્ષેત્ર બાબતે બહુ જાણકારી ધરાવતા નથી તમને માહિતગાર કરવાનો છે. આ બહુ સન્માનજનક વ્યવસાય છે. આ માત્ર નોકરી કે ધંધો નથી, પરંતુ લોકશાહીની ચોથી જાગીર છે. અહી આવનાર યુવાનો કે યુવતીઓ એક કમિટમેન્ટ સાથે આવે છે. પત્રકારત્વ લોકોનો અવાજ છે. લેખમાં અનુભવોના આધારે વાસ્તવિક્તાની નજીક જવાનો પ્રયાસ કર્યો છે. સમાજ જીવનાં દરેક પાસામાં જેમ કળિયુગ પ્રવેશી ગયો છે તેમ અહી પણ ટૂલકિટ નામનો લૂણો લાગ્યો છે. અસલામતીના કારણે પોત નબળું પડ્યું છે. માંદગીની ચર્ચા કરીએ તો જ ઈલાજ મળે તેમ અહી થોડી નબળાઈ આવી છે, વિટામિન મળે અને શક્તિનો ફરી સંચાર થાય તેવી ભગવાન રામને પ્રાર્થના.
પત્રકારત્વ
ધરતી ઉપરના પ્રથમ પત્રકાર અથવા માહિતી પ્રસાર માટે નારદમુનિનું નામ કહી શકાય. અહી પત્રકારત્વનો ઇતિહાસ લખવો નથી, પરંતુ વર્તમાનમાં ડૂબકી મારવાનો આશય છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આગમન પછી પત્રકારત્વમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. અહી પણ કેટલાંક દૂષણો પગ જમાવી બેઠા છે અને માટીપગા લોકો વધી રહ્યા છે. મે મારી કારકિર્દી આજ સુધી આ ક્ષેત્રમાં જ પસાર કરી છે. પત્રકારત્વમાં પાતાળ લોક સુધી ફરી આવ્યો છું. અહી લખતાં કરતાં ન લખતાં લોકોનું પ્રભુત્વ વધી રહ્યું છે. છેલ્લા એક દશકમાં ટૂલકિટ નામનો નવો શબ્દ હાહાકાર ફેલાવી રહ્યો છે. પત્રકારત્વ ક્ષેત્રે અંગ્રેજી ભાષામાં એક સમયે બીબીસીના પત્રકાર માર્ક ટૂલી, હિન્દી ભાષામાં અરૂણ શૌરી, ખુશવંતસિંહ અને ગુજરાતી ભાષામાં હસમુખ ગાંધીની હાક વાગતી હતી. આપણે પણ કાંતિ-શીલા ભટ્ટ, હરિ દેસાઇ જેવા નામી કલ મબાજોનો યુગ જોયો છે. મોટા મોટા મહારથી લોકો પણ રોજ સવારે ઈન્ડિયન એક્સપ્રેસ પ્રથમ વાંચવાનો આગ્રહ રાખતા હતા, કારણ કે તેમને પણ બીક લાગતી હતી કે, આજે આપણું પણ કઈં છપાઈ ગયું નથી ને? એક સમયે સરકાર ધ્રૂજાવવા માટે બે કોલમના સમાચાર પૂરતા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ દૈનિકમાં તિહાર જેલ બાબતે માત્ર બે કોલમના સમાચાર પ્રકાશિત થયા, તેથી કેન્દ્રના ગૃહ મંત્રી વહેલી સવારે જેલમાં દોડી ગયા હતા. તિહારમાં ખૂંખાર હત્યારા રંગા અને બિલ્લાને ફાંસીની સજા આપવાની હતી, તેના ઈન્ટરવ્યૂ માટે મહિલા પત્રકાર સુપ્રિમ કોર્ટનો આદેશ મેળવી ત્યાં સુધી પહોંચ્યા હતા. આવા હતા રાજકારણી અને પત્રકાર!
પાપારાઝી
આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ પાસે પાપારાઝી બાબતે જાણકારી માંગતા એ કહે છે કે, પાપારાઝી એ સ્વતંત્ર ફોટોગ્રાફરો છે જે અભિનેતાઓ, સંગીતકારો, રમતવીરો, રાજકારણીઓ અને અન્ય સેલિબ્રિટીઓ જેવા ઉચ્ચ પ્રોફાઇલ લોકોના ફોટા લે છે, પાપારાઝી સેલિબ્રિટીઓનો સતત પીછો કરવા માટે જાણીતા છે, ઘણીવાર લાંબા લેન્સ અને સ્પીડલાઇટ ફ્લેશનો ઉપયોગ કરે છે અથવા તો વ્યક્તિગત, અપ્રિય અથવા ખાનગી ક્ષણોને કેદ કરવા માટે વાહનોમાં તેમનો પીછો કરે છે. પાપારાઝી દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ સામાન્ય રીતે ટેબ્લોઇડ્સ, ગોસિપ મેગેઝિન અને વેબસાઇટ્સને વેચવામાં આવે છે, જ્યાં તે ધ્યાન આકર્ષિત કરવા અને વેચાણ વધારવા માટે પ્રકાશિત કરવામાં આવે છે. આ પ્રકારની આક્રમક ફોટોગ્રાફી ઘણીવાર વિવાદાસ્પદ હોય છે કારણ કે તે સંકળાયેલા વિષયોની ગોપનીયતાનું ઉલ્લંઘન કરી શકે છે. મારા સંશોધન અનુ સાર આ લોકો કલમ પણ ચલાવે છે અને ખુફિયા જાણકારી બહાર લાવે છે. જો કે તેની આવક આસ્થાઈ અને ક્ષુલ્લક હોય છે. માત્ર તે જે તે સ્ટોરી પૂરતા જ પત્રકાર હોય છે. જીવનનિર્વાહ માટે બીજા કામ પણ કરી લેતા હોય છે.
ઇલેક્ટ્રોનિક મીડિયા
૨૦ મી સદીના અંતમાં આ પત્રકારત્વનો આરંભ થયો. સેટેલાઈટ ચેનલોનો વ્યાપ ઝડપથી વધ્યો અને પત્રકારત્વની દિશા અને દશા બદલાઈ ગયા! ઈન્ડિયા ટૂડેની ચેનલ આજતક બહુ લોકપ્રિય બની. ત્યારબાદ ઈન્ડિયા ટીવીના રજત શર્મા, એન.ડી. ટીવીના પ્રણવ અને રાધિકા રૉય પ્રકાશમાં આવ્યા.
ગુજરાતમાં પણ ઇલેક્ટ્રોનિક મીડિયા અસ્તિત્વ ધરાવે છે. અહી મોટા ભાગે છૂટકીયા, કામચલાઉ પત્રકારોની સંખ્યા સૌથી વધુ છે. જેટલું કામ, તેટલા દામ જેવી સ્થિતિ છે. કાયમી નોકરી નથી. શોષણનું પ્રમાણ વધુ છે. ગુજરાતી સમાચાર ચેનલોમાં દેશના ધનાઢ્ય કોર્પોરેટ જગતથી માંડીને લોકડાયરા કરતા કલાકાર સુધીના લોકો માલિકી હક્ક ધરાવે છે! એક સમયના પ્રતિભાશાળી પત્રકાર ઈશુદાન ગઢવીએ ચેનલની પોલિસીમાં ફીટ ન બેસતાં પત્રકારત્વ છોડી અરવિંદ કેજરીવાલ સાથે જોડાઈ ગયા. રાજકારણમાં જોડાયા પછી ખંભાળિયાથી વિધાનસભા ચૂંટણી લડ્યા અને હારી ગયા. હવે તે ફિફ્ટી ફિફ્ટી રાજકારણ અને પત્રકારત્વ બન્ને કરે છે. જામનગરના કેટલાક પત્રકાર રાજકારણમાં ડૂબકી લગાવી આવ્યા છે. કેટલાંક તો સાઈડ લાઇન થયા પછી રાજકીય લોકોની પ્રચાર કામગીરીમાં જોડાઈ ગયા! કેટલાક દૂધ અને દહી બંનેના આચમન કરે છે. માત્ર જામનગરમાં જ આવું છે, તેવું નથી, આખા ગુજરાતી પ ત્રકારત્વનો આ આયનો છે. જીવન નિર્વાહ માટે બે ઘોડાની સવારી કરવી જ પડે છે!
કામ અને વેતન
પત્રકારત્વના ક્ષેત્રમાં કામના કાયદાનો બહુ જૂજ અમલ થાય છે. મોટા ભાગના પત્રકારો કાયમી પે રોલ ઉપર હોતા નથી. શ્રમ કાયદા અનુસાર પી.એફ. પણ કેટલાનું વ્યવસ્થિત રીતે કપાતું હશે તે રામ જાણે! કામના કલાકો નિશ્ચિત નથી. ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ તો ૨૪ કલાક સાવધ રહેવું પડે છે. મોટાભાગના પત્રકારોને સ્ટોરી દીઠ મહેનતાણું મળે છે. નિયમિત મળે તે નક્કી નથી હોતું. થોડા સમય પહેલાં એક નામાંકિત ગુજરાતી સમાચાર ચેનલે મોટી છટણી કરી હતી. અનેક પત્રકારો બેરોજગાર થયા હતા. રાષ્ટ્રીય કક્ષાની ચેનલો માત્ર અમદાવાદમાં જ કાયમી કર્મચારી રાખે છે, જિલ્લા કક્ષાએ કામ પ્રમાણે દામ જેવી નોકરી આપે છે. પ્રિન્ટ મીડિયામાં ઓળખપત્ર અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં બૂમ (ચેનલના લોગો સાથેનું માઇક)મળવું મુશ્કેલ છે. રાજ્યકક્ષાએ કામ કરતા લોકોને સારો કહી શકાય તેવો પગાર મળે છે. રાજકોટ, વડોદરા, સુરતમાં એક કરતાં વધુ પત્રકારો એક બેનર હેઠળ કામ કરતાં હોય છે.
ખર્ચ
પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક સમાચાર માધ્યમનું સંચાલન બહુ ખર્ચાળ પ્રક્રિયા કે વ્યવસાય છે. ૩ થી ૪ રૂપિયામાં ફેરિયા પાસે મળતા અખબારની પડતર કિમત ૨૦ થી ૩૨ રૂપિયા સુધીની મોંઘી હોય છે. મફતમાં જોવા મળતી સમાચાર ચેનલ ચલાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નોબત ૬૮ વર્ષથી આજે પણ અડીખમ ઊભું છે. મેં મારા ૩૫ વર્ષના કાર્યકાળ દરમિયાન રાજ્ય કક્ષાએ એક માત્ર દિવ્ય ભાસ્કર દૈનિકને ઊભું થતું જોયું છે. શુદ્ધ ગુજરાતી ભાષામાં કહેવું હોય તો સમાચાર જગતમાં માલિકો અને નોકરો બન્ને માટે બે છેડા ભેગા કરવા મુશ્કેલ હોય છે.
ભરોસો
વાચકોનો ભરોસો જ સમાચાર મધ્યમનો મુખ્ય પાયો છે. કેટલાક અંશે ભરોસો તૂટયો હોય કે ઘસાયો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. પ્રજાનો અવાજ ક્યાંક શક્તિશાળી લોકોનો અવાજ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ભગવાનનું સ્વરૂપ મનાતા તબીબોને આજે શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે તેમ, સમાચાર મધ્યમોને પણ ગોદી મીડિયા કહી આંગળી ચીંધવામાં આવે છે! નાની મોટી ચૂંટણી આવે ત્યારે લોકો પક્ષપાતના આક્ષેપો પણ લગાવે છે. રાઇટ અપ નામનું દૂષણ આ ભરોસાને ભરખી રહ્યું છે જ્યાં પૈસા લઈને સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે.
કળયુગ
જીવનનાં બધા પાસામાં જેમ કળયુગ વ્યાપી ગયો છે તેમ આ ક્ષેત્ર પણ તેનો ભોગ બન્યું છે. કળીયુગના બધા દૂષણો નિતનવા સ્વરૂપે જોવા મળે છે. પહેલાનાં સમયમાં વાંચક ભરોસાથી સમાચાર વાંચતાં અને જોતા હતા, આજે શંકાની નજરે જોવે છે! તેમાં પણ ટૂલકિટ નામનું પ્રદૂષણ તો હદ પાર કરી ગયું છે. મોટા, શક્તિશાળી લોકો લેખિત કે અધ્યાહરમાં સૂચન સ્વરૂપે સૂચનાઓ આપે છે, મીડિયા તેને અનુસરે છે! આ ક્ષેત્રમાં નવા હોનહાર યુવક-યુવતીઓ આવતા ઓછા થઈ ગયા તેનું મુખ્ય કારણ એ છે કે પત્રકારત્વ આર્થિક અને સામાજિક આકર્ષણ ગુમાવી રહ્યું છે. નવી પેઢીને અઘોષિત બંધનો પણ નથી ગમતાં. બળવાખોર પત્રકારો આત્માના અવાજ અનુસાર રહેવા માંગે છે તે યુ ટ્યુબ, એક્સ, ડેઈલી હન્ટ, ફેસબુક જેવા માધ્યમો ઉપર પત્રકારત્વ કરે છે.
ટૂલકીટ
લગામનું દૂષણ આજકાલનું નથી, દાયકાઓથી કલમને કંટ્રોલ કરવામાં આવે છે. ચાર દાયકા પહેલાં પણ પત્રકારના ડેસ્ક ઉપર શું નથી લખવાનું તેની યાદી રાખવામાં આવતી હતી. એન્જિઑગ્રાફીના લેખક પણ આવી શેઠની યાદીને અનુસરતા હતા! શેઠની, રાજકીય નેતાઓ કે પક્ષોની, ધનિકોની ટૂલકિટ એટલે માર્ગદર્શક સૂચનો કે સૂચનાઓ, જે લિખિત કે અલિખિત હોઈ શકે છે. શું લખવું? કેવું લખવું? કેમ લખવું? ક્યારે લખવું કે ન લખવું? વગેરે.. વગેરે નિષ્ઠા પૂર્વક લખવાનો અંહી પ્રયાસ કર્યો છે. આ મારા વિચારો અને અનુભવ છે. સશક્ત પત્રકારો સમાજ ને મળી રહે તે જરૂરી છે. પત્રકારત્વ માત્ર નોકરી નથી, મિશન છે.
પત્રકારત્વ ઉપર વધુ ઊંડાણપૂર્વક વિશ્લેષણ આવતાં અંકમાં કરીશું. આ વ્યવસાય ઉપર ફિલ્મો બની છે, પુસ્તકો પણ લખાયાં છે.
નોબતના વાચકો અને ચાહકોના જ્ઞાન વર્ધન માટે મારો આ નમ્ર પ્રયાસ છે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial