Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંઘની મનસા મનુસ્મૃતિના નિયમો મુજબના બંધારણની હતીઃ ખડગે
નવી દિલ્હી તા. ૧૬: રાજ્ય સભામાં બંધારણ અંગે ચર્ચાની શરૂઆત આજે નાણામંત્રી નિર્મળા સીતારમણે કરાવી હતી તે પછી કોંગ્રેસના નેતા વિપક્ષના વડા ખડગેએ પ્રવચન કર્યું હતું.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન આજે ફરીથી બંધારણ પર જોરશોરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા નાણામંત્રી નિર્મલા સીતારમણે શરૂ કરી છે. તેમણે બાબા સાહેબ આંબેડર દ્વારા બનાવેલા બંધારણની પ્રશંસા કરી હતી.
આ પહેલા બે દિવસ સુધી લોકસભામાં બંધારણ પર ચર્ચા થઈ હતી. શનિવારે પીએમ મોદીએ સંસદમાં બંધારણ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતાં. આજે ગૃહમંત્રી અમિત શાહ આ ચર્ચામાં ભાગ લઈ શકે છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે, ઈમરજન્સી દરમિયાન જેલમાં ગયેલા નેતાએ પોતાની દીકરીનું નામ મીસા રાખ્યું હતું. ઈમરજન્સી વિશે વાત કરતા નાણામંત્રી નિર્મલ સીતારમણે કહ્યું, 'તે સમયે ઘણાં વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં. હું એવા રાજકીય નેતાઓને ઓળખું છું કે જેમણે તે કાળ દિવસોને યાદ રાખવા માટે પોતાના બાળકોનું નામ મીસા રાખવાનું નક્કી કર્યું, જો કે હવે તેમને આ ગઠબંધનમાં જોડાવવામાં પણ કોઈ વાંધો નથી. અહીં નાણામંત્રીએ લાલુ યાદવ પર નિશાન સાધ્યું હતું. લાલુ યાદવે પોતાની દીકરીનું નામ મીસા રાખ્યું હતું.'
નિર્મલા સીતારમણ રાજ્યસભામાં પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતાં. આ દરમિયાન જયરામ રમેશે ઈમરજન્સીને લઈને ઈન્દિરા ગાંધીનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જેપી નડ્ડાએ તેમને આકરો જવાબ આપ્યો હતો.
હકીકતમં જયરામ રમેશે કહ્યું કે ઈન્દિરા ગાંધીએ ૪ર સુધારાને હટાવવાનું સમર્થન કર્યું હતું, પરંતુ તેઓ એ જણાવવાનું ભૂલી ગયા કે આ સુધારો મોરારજી દેસાઈ લાવ્યા હતાં. નડ્ડાએ કહ્યું, ૧૯૭૮ માં જનતા પાર્ટીની સરકાર હતી. જનતા પાર્ટીએ ૪ર સુધારામાંથી ૪૪ સુધારા દૂર કરવાનું કામ કર્યું હતું અને તમે જનતા દ્વારા પરાજિત થયા હતાં, જ્યારે ઈન્દિરા ગાંધી પીએમ હતાં ત્યારે તેમણે દરેક રીતે લોકશાહીનું ગળું દબાવવાનું કામ કર્યું. આ પછી જયરામે કહ્યું, મેં માત્ર એટલું જ કહ્યું કે ઈન્દિરા ગાંધીએ પણ સુધારો હટાવવા માટે મત આપ્યો હતો.
રાજ્યસભામાં નિર્મલા સીતારમણ અને જયરામ રમેશ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. હકીકતમાં નાણામંત્રીએ કહ્યું હતું કે, ઈન્દિરા ગાંધી ૪ર મો સુધારો લાવ્યા હતાં, જેના કારણે વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં. રાજ્યસભા અને લોકસભામાં તેનો વિરોધ કરનાર એક પણ વ્યક્તિ ન હતી.
રાજ્યસભામાં કોંગ્રેસ પર પ્રહાર કરતા સીતારમણે કહ્યું કે કોંગ્રેસ દ્વારા બંધારણમાં કરાયેલા સુધારા લોકશાહીને મજબૂત કરવા માટે નહીં, પરંતુ સત્તામાં રહેલા લોકોને બચાવવા માટે છે. કોંગ્રેસે ઈન્દિરા પર સવાલ ઊઠાવતી ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. ૧૯૭પ માં માઈકલ એડવર્ડસ દ્વારા લખાયેલ રાજકીય જીવનચરિત્ર 'નહેરૂ' પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમણે 'કિસ્સા કુર્સી કા' નામની ફિલ્મ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. કારણ કે તેમાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમના પુત્ર પર પ્રશ્નો ઊભા થયા હતાં.
નિર્મલા સીતારમણે રાજ્યસભામાં કહ્યું કે વર્ષ ૧૯૪૯ માં કોંગ્રેસ પાર્ટીએ તે સમયના બોલિવૂડના મોટા સ્ટાર્સ બલરાજ સહાની અને મજરૂહ સુલતાનપુરીને જેલમાં ધકેલી દીધા હતાં. તેમનો દોષ માત્ર એટલો જ હતો કે બન્ને એક કવિતા સંભળાવી હતી. જેમાં નહેરૂની ટીકા કરવામાં આવી હતી.આ માટે બન્નેએ કોંગ્રેસની માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો. જેના કારણે તેમણે જેલમાં જવું પડ્યું હતું. આવા લોકો આપણા બંધારણ માટે જોખમની વાત કરી રહ્યા છે.
રાજ્યસભામાં વિપક્ષ તરફથી કોંગ્રેસના નેતા મલિકાર્જુન ખડગેએ કાવ્યાત્મિક ભાષામાં પોતાનું પ્રવચન શરૂ કર્યું હતું અને બંધારણમાં એક્તા અને અખંડિતતાની જે ભાવના છે, તેને અનુસરવાની જરૂર બતાવી હતી.
તેમણે આક્ષેપ કર્યો હતો કે જનસંઘ અને આરએસએસની મુરાદ (મનસા) એવી હતી કે ભારતનું બંધારણ મનુસ્મૃતિના નિયમો મુજબ બને પરંતુ બંધારણના ઘડવૈયાઓ બંધારણને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઘડ્યું.
તેઓએ બંધારણને લઈને શાસક પક્ષના નેતાઓએ કરેલા ઉચ્ચારણોની ટીકા કરતા કહ્યું હતુંકે બંધારણના ઘડવૈયાઓ દેશની એક્તા અને અખંડિતતાની ભાવના હેઠળ બંધારણ ઘડ્યું છે.
ખડગેએ કહ્યું હતું કે સંસદ સરકાર અને વિપક્ષ વચ્ચે સમતુલન જળવાઈને જ થઈ શકે છે, અને એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપોની સાથે સાથે બંધારણીય ભાવનાઓની કદર પણ થવી જોઈએ.
આ લખાય છે ત્યારે રાજ્યસભામાં બંધારણના વિષય પર જોરદાર ચર્ચા થઈ રહી છે અને વિવિધ પક્ષોના નેતાઓ પોતાના વક્તવ્યો રજૂ કરી રહ્યા છે.જી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial