Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં કોંગ્રેસની પત્રકાર પરિષદમાં ઉચ્ચ નેતાઓનું ઉદ્દબોધનઃ ભાજપ સરકાર પર આકરા પ્રહારો : કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવાની નેમ
જામનગર તા. ૧૭: જામનગર શહેર, જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો તથા પોરબંદર જિલ્લામાં કોંગ્રેસના સંગઠનને વધુ સુદ્રઢ બનાવવા તેમજ આગામી દિવસોમાં એક રચનાત્મક અને જવાબદાર રાજકિય પક્ષ તરીકે ખેડૂતો, યુવાવર્ગ ગરીબો તથા આમ જનતાની સમસ્યાઓ અંગે તેમજ સ્થાનિક પ્રશ્નો અંગેની રણનીતિ ઘડવા સમીક્ષા બેઠકોનું અભિયાન ચાલી રહ્યું છે જે સંદર્ભમાં આજરોજ જામનગરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહીલ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની ખાસ ઉપસ્થિતીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
આ તકે શક્તસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આમ જનતાની સમસ્યાઓને વાચા આપવા કોંગ્રેસ ગ્રાસરૂટ પર સંગઠનને મજબુત કરી રહી છે. પક્ષમાં નવા લોકો જોડાય અને સબળ નેતાગીરી સાથે પક્ષ એક બની આગળ વધે તેવા હેતુસર સમગ્ર ગુજરાતમાં સમીક્ષા બેઠકો યોજી છે.
તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે ભાજપના શાસનમાં મુઠ્ઠીભર લોકો માલામાલ થઈ ગયા છે. અંગ્રેજોના શાસન સમયે અમીરો-ગરીબો વચ્ચે જે અંતર હતુ તેનાથી વધુ અંતર ભાજપના રાજમાં થઈ ગયું છે. દેશમાં અત્યારે માત્ર ર૦ લોકો પાસે જેટલી સંપત્તિ છે તેટલી સંપતિ દેશના ૭૦ કરોડ લોકો પાસે છે. ભાજપના માનિતા લોકો માટે નીતિ-નિયમો બદલાય છે.
કોંગ્રેસના શાસનકાળમાં ખેડૂતોના હિતોનું રક્ષણ કરીને ઔદ્યોગિક વિકાસ થયો હતો. જામનગર જિલ્લામાં મહાકાય ઉદ્યોગોનું આગમન કોંગ્રેસના શાસનકાળમાં થયું હતું.
ર૦૧૪માં મગફળીનો એકમણનો ભાવ ખેડૂતોને ૧૩૦૦-૧૪૦૦ જેવો મળ્યો હતો અને તે વખતે સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ. ૧૭૦૦ હતો. આજે ભાજપના દસ વર્ષના શાસન પછી ખેડૂતોને મગફળીના મણના રૂ. ૧૦૦૦-૧૧૦૦ મળે છે, પણ સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ. ૨૭૦૦ છે.
ખેડૂતોની આવક બમણી કરશું જેવા ભાષણોનો ફિયાસ્કો થઈ રહ્યો છે ખેડૂતોની આવક બમણી તો થઈ નહી, અડધી થઈ ગઈ અને સામે ખાતર, બિયારણ, ડીઝલ, દવા વગેરેનો ખર્ચ બમણો થઈ ગયો છે. પરિણામે આમ જનતા પણ મોંઘવારીનો અસહ્ય માર સહન કરી રહી છે.
ગુજરાતમાં પેપરો ફૂટે, બ્રિજ તુટે, ભયમુક્ત ભ્રષ્ટાચાર બેફામ ચાલે તેવી રીતે સરકાર ચાલે છે. સરકારને આમ નાગરિકોની ચિંતા નથી. ડીમોલીશનના નામે નાના માણસોના ઘરો પર બુલડોઝર ફરે છે. નાના ગુન્હેગારોના વરઘોડા નિકળે પણ ભાજપ સાથે સંકળાયેલા કે હોદ્દેદારો મોટા ગુન્હાઓ કરી રહ્યા છે તેમના કોઈ સરઘસ નીકળતા નથી. ડ્રગ્સ સાથે પકડાયેલો શખ્સ ભાજપના મોટા નેતા સાથે ઘરોબો ધરાવે છે. ખ્યાતિ હોસ્પિટલના અતિ ગંભીર ગુન્હામાં સરકાર પગલાં લેતાં શા માટે અચકાય છે. ? એક દિકરીની રાત્રે ધરપકડ કરી વરઘોડો કાઢવામાં આવે, તેને પટ્ટાવડે માર મારવામાં આવે, આવી અનેક ઘટનાઓને ધ્યાને લઈને ગુજરાતની જનતાએ હવે જાગવું પડશે.
કોંગ્રેસ પક્ષ આ તમામ બાબતો લઈને આગામી દિવસોમાં આમજનતા, ખેડૂતો, યુવા વર્ગને સાથે લઈને આગળ વધશે.
આ પત્રકાર પરિષદમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે હાલ દેશ ખુબ જ કસોટી ભર્યા સમયમાં છે. સંવિધાનના ૭પ વર્ષની ચર્ચા રાજ્ય સભામાં થઈ અને તે અંગે ગૃહમંત્રી અમીત શાહે સંસદમાં સંવિધાનના ઘડવૈયા ભારત રત્ન ડો. આંબેડકરનું અપમાન થાય તેવા ઉચ્ચારણો કર્યા હતાં. જે અંગે કોંગ્રેસે વડાપ્રધાનને તાકિદે દરમ્યાનગીરી કરી તેમની મંત્રી પદેથી હકાલ પટ્ટી કરવા કોંગ્રેસે માંગણી કરી રહ્યું છે.
અમિત શાહ રાજીનામું આપે અને દેશની જનતાની માફી માગે તેવી કોંગ્રેસની માંગણી સાથેની લડત ચાલુ જ છે. નવાઈની વાત તો એ છે કે ભાજપના સાંસદો, ખુદ વડાપ્રધાન અમિત શાહના ઉચ્ચારણોને સમર્થન આપી રહ્યા છે.
આ ઉપરાંત મુકુલ વાસનિકે આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનને પણ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. ભાગવતે એવું નિવેદન આપ્યું કે અયોધ્યામાં રામમંદિરમાં અભિષેક થયો તે દિવસથી દેશને સાચી આઝાદી મળી. આ નિવેદનનો કોંગ્રેસ ઘોર નિંદા કરે છે. દેશની આઝાદી માટે શહીદી વ્હોરનારા, સ્વાતંત્ર્ય સેનાનીઓ સહિત સમગ્ર દેશવાસીઓનું આ અપમાન છે. જો ૧પ ઓગસ્ટે ૧૯૪૭ માં આઝાદી મળી ન હોત તો વડાપ્રધાન દર વર્ષે લાલકિલ્લા પરથી ૧પ મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધન શા માટે કરે છે?
ગુજરાતમાં ભાજપ સરકાર વાવાઝોડુ, અતિવૃષ્ટિ સમયે ખેડૂતોને સહાય-રાહત આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે.
જામનગર-દ્વારકા જિલ્લામાં ઉદ્યોગોના કારણે જમીનના તળના પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે. જામનગર, લાલપુર, જામજોધપુર વિસ્તારોમાં પ્રોજેક્ટોના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને રોજગારી આપવાનો પણ મોટો પ્રશ્ન છે.
ભાજપ સરકાર માત્ર ગણ્યા ગાંઠ્યા માલેતુજારો માટે જ કામ કરે છે. દેશની સંપત્તિ મૂઠ્ઠીભર લોકોના હાથમાં છે. આ ભાજપ સરકારને ધર્મનિરપેક્ષતા સાથે કોઈ સંબંધ નથી. સામાજિક ન્યાય બાબતે કોઈ સંબંધ નથી, સમાનતાના ધરોણો અંગે કોઈ સંબંધ નથી. ભજપ સંવિધાન અંગે સૌથી મોટી મુશ્કેલી બની રહ્યો છે.
આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ સંગઠન પ્રભારી શૈલેષભાઈ પરમાર, જિલ્લા પ્રભારી હેમાંગ વસાવડા, વશરામભાઈ સાગઠિયા, શહેર પ્રભારી જશવંતસિંહ ભટ્ટી, સેવાદળ પ્રદેશ પ્રમુખ પ્રગતિબેન આહિર, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, પૂર્વ મંત્રી એમ.કે. બ્લોચ, પૂર્વ મંત્રી ડો. દિનેશભાઈ પરમાર, વરિષ્ઠ નેતા ભીખુભાઈ વારોતરિયા, જે.ટી. પટેલ, જે.પી. મારવિયા, જિલ્લા પ્રમુખ મનોજભાઈ કથીરિયા, પાલભાઈ આંબલિયા, જીવણભાઈ કુંભરવડિયા, ભૂપેન્દ્ર મારવી, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, બિપેન્દ્રસિંહ જાડેજા, સહારાબેન મકવાણા, બાવરિયા, મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, કોર્પોરેટરો અલ્તાફ ખફી, જેનબબેન ખફી, નુરમામદ પાલેજા, કાસમભાઈ જોખિયા, રચનાબેન નંદાણિયા, આનંદ ગોહિલ, આનંદ રાઠોડ, જુબેદાબેન નોતિયાર, યુવા કોંગ્રેસ, એનએસયુઆરઈના હોદ્દેદારો, કાર્યરો ઉ૫સ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial