Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાતેક મહિનાથી કરતો હતો જાસૂસીઃ એક વખત માટે રૂા.૨૦૦ ચૂકવાતા હતાઃ એટીએસે કરી ધરપકડઃ
ખંભાળિયા / જામનગર તા. ૩૦: ઓખામંડળમાં આવેલા આરંભડા ગામના એક શખ્સની ગુજરાત એટીએસે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. આ શખ્સ ત્રણેક વર્ષથી કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓની બોટમાં વેલ્ડીંગ સહિતનું કામ કરતો હતો. તેને સાત મહિના પહેલાં ફેસબુકના માધ્યમથી પાકિસ્તાનની મહિલા જાસૂસ સંપર્કમાં આવી હતી અને એક વખત વિગત મોકલવાના બદલામાં રૂા.૨૦૦ ચૂકવાતા હોવાનંુ ખૂલ્યું છે. આ શખ્સના ખાતામાં સાતેક મહિનામાં રૂા.૪ર હજાર જમા થયા છે. એટીએસે આ શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખામંડળમાં આવેલા મીઠાપુર નજીકના આરંભડામાં વસવાટ કરતો એક શખ્સ કેટલાક સમયથી પાકિસ્તાનની આર્મી કે આઈએસઆઈના અધિકારી સાથે સોશિયલ મીડિયાથી જોડાયેલો હોવાની વિગતો થોડા દિવસ પહેલાં ગુજરાતની એટીએસ ટીમને મળતા પીએસઆઈ એ.આર. ચૌધરીની ટૂકડી તે દિશામાં તપાસ કરી રહી હતી.
તે દરમિયાન આરંભડામાં જય અંબે સોસાયટીમાં રહેતા દીપેશ બટુકભાઈ ગોહેલને પૂછપરછ માટે અમદાવાદ સ્થિત એટીએસ કચેરીમાં બોલાવવામાં આવ્યો હતો. જ્યાં આ શખ્સની કરાયેલી પૂછપરછમાં દીપેશ ગોહેલ છેલ્લા સાતેક મહિનાથી ઓખા બંદર પર આવતી ડિફેન્સ તેમજ કોસ્ટગાર્ડ, નેવીની બોટના ફોટા, તેના નામ અને નંબર સહિતની વિગતો મોકલાવતો હોવાનું ખૂલ્યું છે.
આ શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યા મુજબ છેલ્લા ત્રણેક વર્ષથી દીપેશ કોસ્ટગાર્ડ બોટમાં વેલ્ડીંગ, ફર્નિચર તથા ઈલેકટ્રીકને લગતું કામ કરતો હતો. તે દરમિયાન સાતેક મહિના પહેલા તેના ફેસબુક એકાઉન્ટ પર સાહીમા નામની પ્રોફાઈલ ધરાવતા એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. તે રિક્વેસ્ટ તેણે સ્વીકાર્યા પછી સાહીમા પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જાણવા મળ્યું હતું અને તે એકાઉન્ટ પરથી ઓખા બંદર પર કોસ્ટગાર્ડની કોઈ શીપ રીપેરીંગ માટે કે અન્ય કામ માટે આવે તેના નામ, નંબર, ફોટા મોકલાવી જ્યારે વિગતો મોકલાય ત્યારે રૂા.૨૦૦ લેેખે દર મહિને હિસાબ કરીને તેના બેંક ખાતામાં જમા આપવાની લાલચ બતાવાઈ હતી.
તે લાલચમાં લપેટાઈ ગયેલા દીપેશ ગોહેલે છેલ્લા સાત મહિનામાં કેટલીક બોટોના નામ તથા નંબર સહિતની વિગતો સાહીમાને મોકલાવી આપી હતી અને તેના પૈસા બેંકમાં જમા મેળવવા પોતાના મિત્ર, સંબંધીના યુપીઆઈ નંબર આપ્યા હતા. તે પેટે છેલ્લા સાતેક મહિનામાં તેને રૂા.૪૨ હજાર જમા મળ્યા હતા.
ગુજરાત એટીએસના ડીવાયએસપી વી.કે. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.આર. ચૌધરી તથા વાયરલેસ પીએસઆઈ જે.પી. વરમોરાએ તે વિગતોની ખરાઈ હાથ ધર્યા પછી દીપેશને ફેસબુક પર સાહીમા નામના એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળ્યા પછી દીપેશે તેમાં તેમજ વોટ્સએપ પર ચેટ કર્યાનું ખૂલ્યું છે.
દીપેશને પોતાના યુપીઆઈ આઈડી આપનાર તેના મિત્રોની પણ એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ પ્રકારની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલા એજન્ટને આપી ભારત દેશની સુરક્ષા અને આંતરિક સલામતી જોખમમાં મુકનાર દીપેશ ગોહેલ સામે અને પાક. મહિલા એજન્ટ સાહીમા સામે બીએનએસની કલમ ૬૧, ૧૪૮ હેઠળ એટીએસે ગુન્હો રજીસ્ટર કર્યાે છે.
હાલમાં દીપેશને વધુ તપાસ માટે અમદાવાદ રાખવામાં આવ્યો છે. તેની સાથે ઉપરોક્ત જાસૂસી કૃત્યમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલા છે કે કેમ? તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ દીપેશ ગોહેલની આર્થિક પરિસ્થિતિ અત્યંત કથળેલી છે. આ શખ્સના મોટા ભાઈ તથા પિતા મજૂરીકામ કરે છે. આ શખ્સના મોટા બહેનના લગ્ન થઈ ગયા છે અને દીપેશ સહિતના બંને ભાઈના લગ્ન થયા નથી. એટીએસે આ શખ્સની અન્ય વિગતો પણ ચકાસવાનું શરૂ કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial