Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાયુતિમાં મડાગાંઠ! ભાજપને ટેન્શન!
મુંબઈ તા. ૩૦: મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને સસ્પેન્સ સતત વધી રહ્યું છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદે તેમના વતન ગામ ડેરે જવાના કારણે શુક્રવારે પ્રસ્તાવિત મહાયુતિની મોટી અને મહત્ત્વપૂર્ણ બેઠક સ્થગિત કરી દેવામાં આવી હતી. તેના પર શિવસેનના નેતા સંજય શિરસાટે શુક્રવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેના આગામી નિર્ણયને લઈને મોટો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે પણ મુખ્યમંત્રીને કોઈ મોટો નિર્ણય લેવાનો હોય છે ત્યારે તેઓ તેમના વતન ગામ જાય છે. સાંજ સુધીમાં તેઓ મોટો નિર્ણય લેશે.
આ વિલંબને કારણે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક સપ્તાહ પછી પણ નવી સરકારની રચના થઈ શકી નથી. શિવસેનાના સૂત્રોએ જણાવ્યું કે હવે આ બેઠક રવિવારે મુંબઈમાં યોજાય તેવી શક્યતા છે. દરમિયાન ભાજપના નેતાઓએ કહ્યું કે તેઓ ધારાસભ્ય દળની બેઠક માટે કેન્દ્રિય નિરીક્ષકોના આગમનની રાહ જોઈ રહ્યા છે.
એકનાથ શિંદે ગુરુવારે રાત્રે દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતાં અને નવી સરકારની રચના અંગે ચર્ચા કરી હતી. શિંદેએ તેને સકારાત્મક ગણાવ્યું અને શુક્રવારે મુંબઈમાં ચર્ચાના આગામી રાઉન્ડની આશા વ્યક્ત કરી હતી, જો કે ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે મહાયુતિની કોઈ બેઠક નક્કી કરવામાં આવી ન હતી. ભાજપ, શિવસેના અને એનસીપી (અજિત પવાર જુથ) ના નેતાઓ દિલ્હીમાં શાહ અને જેપીને મળ્યા હતાં. નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને સત્તાની વહેંચણી અંગે ચર્ચા કરી હતી.
નવી સરકારમાં શિંદેની ભૂમિકાને લઈને શિવસેનામાં મતભેદો ઊભા થઈ રહ્યા છે. કેટલાક નેતાઓ શિંદેને નાયબ મુખ્યપ્રધાન પદ સ્વીકારવાની સલાહ આપી રહ્યા છે, જ્યારે અન્ય માને છે કે અઢી વર્ષ સુધી મુખ્યપ્રધાન પદ સંભાળ્યા પછી આ ભૂમિકા તેમના માટે યોગ્ય રહેશે નહીં. શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું કે જો શિંદે નાયબ મુખ્યમંત્રી પદ નહીં લે તો આ પદ તેમની પાર્ટીના અન્ય કોઈ નેતાને જશે.
શિવસેનાના વરિષ્ઠ નેતા શંભુરાજ દેસાઈએ કહ્યું કે પાર્ટીના કાર્યકરો ઈચ્છે છે કે શિંદે નવી સરકારમાં મુખ્ય ભૂમિકા ભજવે . તે જ સમયે સામંતે કહ્યું કે શિંદે ગુસ્સે નથી, અને સ્વાસ્થ્યના કારણોસર ગયા છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે મિટિંગ ન થાય તો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા શક્ય છે.
મહારાષ્ટ્રમાં ર૮૮ સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૩ર બેઠકો, શિવસેનાને પ૭ અને એનસીપી (અજિત પવાર જુથ) ને ૪૧ બેઠકો મળી હતી. આગામી સપ્તાહે નવી સરકારનો શપથગ્રહણ થવાની શક્યતા છે, જો કે સત્તાની વહેંચણી અને શિંદેની ભૂમિકા અંગે ચાલી રહેલી તકરારને કારણે પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. રવિવારે મહાયુતિની સૂચિત બેઠકમાં આ દિશામાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial