Advertisement
Author: નોબત સમાચાર

પ્રાકૃતિક કૃષિ અભિયાનની સમીક્ષા માટે રાજ ભવનમાં બેઠક યોજાઈઃ ગુજરાત રોલ મોડલ

રાજ્ય૫ાલ આચાર્ય દેવવ્રત અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે આપ્યું માર્ગદર્શન

જામનગર તા. ૧૮: પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવાન બનાવવા રાજભવનમાં ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

ગ્લોબલ વોર્મિંગ સામે પ્રાકૃતિક ખેતી જ ટકી શકશે, રાસાયણિક ખાતરના ઉપયોગથી થતી ખેતી નહીં ટકી શકે. જો પાકમાં વધુ ઉત્પાદન, સારી ગુણવત્તા ઓછા ખર્ચે જોઇતી હોય તો તે પ્રાકૃતિક કૃષિ દ્વારા જ શક્ય બનશે એમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું.

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન વધુ વેગવાન બને તે માટે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ખાસ ઉપસ્થિતમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિનો મુખ્ય વિષય તરીકે અભ્યાસ કરે અને તેમના દ્વારા વિવિધ પ્રયોગો થકી ખેડૂતો સુધી આ વાતનો પ્રચાર થાય તે આવશ્યક છે. જો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન-વરાપ અને મિશ્ર પાક આ પાંચ આયામોથી અપનાવવામાં આવે તો રાસાયણિક ખેતીના પ્રમાણમાં વધુ ગુણવત્તાસભર અને સારું ઉત્પાદન મળે તેમાં કોઈ શંકા નથી.

પ્રાકૃતિક કૃષિ એ લાંબા સમયગાળા માટેની કૃષિ છે. આથી, ખેડૂતોએ જાણવું જોઈએ કે સતત ત્રણ વર્ષ પ્રાકૃતિક ખેતી કર્યા પછી તેમના ખેતરની જમીન વધુ ફળદ્રુપ અને ઉપજાઉ બનશે. જો સતત ત્રણ વર્ષ સુધી પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અપનાવવામાં આવે તો ૧૦૦% સારું પરિણામ મળે છે. પ્રાકૃતિક કૃષિ એ માત્ર પાક સુધારણાની વાત નથી પરંતુ, જમીન, પાણી અને હવા બધાની ગુણવત્તા સુધારવાની વાત છે. આથી, પ્રાકૃતિક ખેતી માટે તાલીમ અનિવાર્ય છે તેમ રાજ્યપાલે જણાવ્યું હતું.

નવા ખેડૂતોને રોજબરોજના કૃષિના કામમાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ખેડૂત હેલ્પલાઇન પોર્ટલ પર હવે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પણ માર્ગદર્શન-સૂચન આપવામાં આવશે. રાજ્યપાલશ્રીએ સૂચવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીઓમાં માસ્ટર્સ અને પીએચ.ડી. કરતાં વિદ્યાર્થીઓ પણ પ્રાકૃતિક કૃષિ પર રિસર્ચ કરે અને તેને પ્રાધાન્યની આપે તે સમયની માંગ છે.

રાજ્યમાં ગાયોની સંખ્યા વધારવા રાજ્ય સરકારે લીધેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયને વધાવતા રાજ્યપાલે ઉમેર્યું કે, પશુઓને સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ફી હવે માત્ર રૂ. ૫૦ કરવામાં આવી છે. આ પદ્ધતિથી ૯૦% થી વધુ માદા  જન્મશે અને નવી જન્મનાર માદા ઉચ્ચ આનુવંશિક ગુણ ધરાવતી હોવાથી ભવિષ્યમાં તેમના દૂધ ઉત્પાદનમાં પણ વધારો જોવા મળશે.

આ તકે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, હાલમાં અલગ અલગ જિલ્લાઓમાં અઠવાડિયામાં બે વાર પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે બજાર ભરાય છે. રાજ્ય સરકાર હવે પ્રાકૃતિક ઉત્પાદન કરતા ખેડૂતોને ઝડપથી સર્ટીફીકેટ મળે અને મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા વધુને વધુ લોકો પ્રાકૃતિક શાક, ફળ અને ધાન્ય ખરીદતા થાય તે માટે પ્રયાસરત છે. જેના પરિણામે ગુજરાત દેશમાં પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બનશે. હવે જ્યારે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનું પ્રાધાન્ય પ્રાકૃતિક ખેતી છે ત્યારે વહીવટી તંત્રના પ્રમાણિક અને પરિણામલક્ષી પ્રયાસોની તથા ખેડૂતોના પ્રોત્સાહક પ્રતિભાવની આવશ્યકતા છે. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે  કોઈ કચાશ ન રહે તે જોવા તાકીદ કરી હતી.

આ બેઠકમાં કૃષિ, કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા, જી.એલ.પી.સી.ના મેનેજિંગ ડિરેક્ટર મનીષકુમાર બંસલ, આત્માના નિયામક સંકેત જોશી, બીજ નિગમના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ રબારી, પશુપાલન નિયામક ડો. ફાલ્ગુનીબેન ઠાકર, ગુજરાત રાજ્ય કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ તથા અન્ય કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કૃષિ વિભાગના અધિકારીઓ તથા આગેવાન ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh