Advertisement
Author: નોબત સમાચાર

હમાસનો ચીફ યાહ્યા સિનવાર હણાયોઃ ઈઝરાયેલમાં સેલિબ્રેશન

હમાસ જો બંધકોને સુરક્ષિત પરત કરે, અને હથિયાર હેઠા મૂકે તો તત્કાળ યુદ્ધ સમાપ્તઃ નેતન્યાહૂ

તેલીઅવિવ તા. ૧૮: હમાસનો ચીફ યાહ્યા સિનવાર ઈઝરાયેલના હુમલામાં માર્યો ગયો હોવાના અહેવાલો વહેતા થયા પછી ઈઝરાયેલમાં જશ્નનો માહોલ છે. નેતન્યાહૂએ હમાસ કેટલીક શરતો સ્વીકારીને અમલ કરે, તો જ યુદ્ધ સમાપ્ત થશે, તેમ જાહેર કર્યું છે.

ઈઝરાયેલના સૌથી મોટા દુશ્મન એવા હમાસના ચીફ યાહ્યા સિનવારના મોત પછી સમગ્ર ઈઝરાયેલમાં ઉજવણીનો માહોલ છે. ઘણાં વીડિયોમાં ઈઝરાયેલી સૈન્ય સિનવારના મોતનું સેલિબ્રેશન કરતી નજરે પડી રહી છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેંઝામિમન નેતન્યાહૂએ સંબોધન કરીને કહ્યું કે, આજે હિસાબ બરાબર કરી લીધો છે, પરંતુ હજી સામે ઘણાં બધા પડકારો છે. અમે પોતાના લક્ષ્યો પર અડગ રહેવા માગીએ છીએ. ઉપરાંત અમારા લોકોને નહીં છોડાય ત્યાં સુધી યુદ્ધ આવી રીતે ચાલુ રહેશે.

નેતન્યાહૂએ એક વીડિયો જાહેર કરીને ઈઝરાયેલના નાગરિકોને વચન આપ્યું હતું કે હમાસ હવે ગાઝા પર શાસન નહીં કરે. હવે ગાઝામાં રહેતા લોકો આવી સરમુખ-ત્યારશાહીથી મુક્ત થશે. ઈઝરાયેલ તેમને આ જુલમમાંથી મુક્ત કરાવવા સક્ષમ છે. આ નિવેદન દ્વારા નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે સિનવારના મૃત્યુ પછી પણ ઈઝરાયેલ આરામ કરશે નહીં.

નેતન્યાહૂએ બંધક બનેલા ઈઝરાયેલી નાગરિકોના પરિવારોને પણ ખાતરી આપી હતી કે તેમનો સંઘર્ષ હજુ પૂરો થયો નથી અને જ્યાં સુધી તમામ બંધકોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેમની તમામ શક્તિ સાથે આ યુદ્ધ ચાલુ રાખશે. તેણે કહ્યું, 'હું બંધકોના પરિવારજનોને કહેવા માંગુ છું જ્યાં સુધી અમારા તમામ લોકોને સુરક્ષિત ઘરે ન પહોંચાડવામાં આવે ત્યાં સુધી અમે અમારી તમામ તાકાત સાથે લડતા રહીશું.'

નેતન્યાહૂએ પોતાના આખા નિવેદનથી એક વાત સ્પષ્ટ કરી દીધી કે ઈઝરાયેલ યુદ્ધ બંધ નહીં કરે. ઈઝરાયેલના પીએમએ એમ પણ કહ્યું કે તેઓ રફાહમાં પણ તેમના અભિયાનને આગળ ધપાવશે. આના પરથી સ્પષ્ટ છે કે ઈઝરાયેલ તેની સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે. પછી ભલે ગમે તે થાય. રફાહ ગાઝા પટ્ટીનું એક મોટું શહેર છે. ત્યાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી ખૂબ નોંધપાત્ર હોઈ શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર આવા ઘણાં વીડિયો આવી રહ્યા છે, જેમાં ઈઝરાયેલના લોકો ઉજવણી કરતા જોઈ શકાય છે. ઈઝરાયેલના લોકો ઉજવણી કરતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. યાહ્યા સિનવરના મૃત્યુના અહેવાલ પછી લોકો બૂમો પાડી રહ્યા છે અને આનંદથી તાળીઓ અને ચિચિયારીઓ પાડી રહ્યા છે. સિનવારના મૃત્યુની પુષ્ટિ થતા ઈઝરાયેલમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે.

પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર વીડિયો મેસેજમાં બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, યાહ્યા સિનવારની મોત થઈ ચૂકી છે. રાફામાં ઈઝરાયેલના બહાદુર સૈનિકોએ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે, જો કે આ ગાઝામાં યુદ્ધનો અંત નથી, પરંતુ આ તો ફક્ત શરૂઆત છે. ગાઝાના લોકોને મારો સીધો સંદેશ છે કે, યુદ્ધ કાલે ખતમ થઈ શકે છે, પરંતુ ત્યારે જ જ્યારે હમાસ પોતાના હથિયાર હેઠા મૂકી દે અને ઈઝરાયેલ બંધકોને પરત કરી દે.

નેતન્યાહૂએ જાણકારી આપી કે, હમાસે ગાઝામાં ૧૦૧ લોકોને બંધી બનાવીને રાખ્યા છે. તેમાં ઈઝરાયેલ સહિત ર૩ દેશોના નાગરિક સામેલ છે. ઈઝરાયેલ આ તમામને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. બંધકોને પરત લાવવાનારની સુરક્ષાની ગેરંટી ઈઝરાયેલ લે છે. નેતન્યાહૂએ બંધકોને પકડનારને ચેતાવણી આપી છે કે, ઈઝરાયેલ સતત તેમનો પીછો કરી રહ્યું છે. બંધકોને નુક્સાન પહોંચાડનારને ઈઝરાયેલ શોધી કાઢશે. નેતન્યાહૂએ કહ્યું કે, આપણી આંખોની સામે ઈરાન સમર્થિત આતંકનો નાશ થઈ રહ્યો છે.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આગળ કહ્યું કે, નસરલ્લાહ પણ ખતમ થઈ ગયો. મોહસિન પણ મરી ગયો. હાનિયા, દીફ અને સિનવારનો પણ ખાતમો થઈ ચૂક્યો છે. ઈરાને પોતાના તરફથી સીરિયા, લેબેનોન અને યમનના લોકો પર જે આતંકનું રાજ થોપવામાં આવ્યું છે તે ખતમ થઈ જશે. મધ્ય પૂર્વમાં શાંતિ અને સારા ભવિષ્યની ચાહત રાખનાર લોકોએ એક જુટ થવું પડશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh