Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧પઃ લોકસભાના ર૦ર૪ ની ચૂંટણીમાં ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હજુ ત્રણ તબક્કા બાકી છે. આ દરમિયાન મીડિયા તથા સર્વે એજન્સીઓ દ્વારા કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારને સત્તા-બહુમતિ મળશે તેવા તારણો આવી રહ્યા છે.
જો કે ભાજપના ૪૦૦ પારના લક્ષ્યાંકના નારા સામે ભાજપને ર૮૦ પ્લસ જેટલી બેઠકો મળે તેવી ધારણાઓ પણ વહેતી થઈ રહી છે. બાકી આ તો ચૂંટણી છે, તેમાં ભલભલા મહારથીઓની અને સર્વે એજન્સીઓની ગણતરી ખોટી પણ પડતી હોય છે. આમ છતાં ન.મો. સત્તાની હેટ્રીક કરશે તેવું તો સૌ કોઈ અંદરખાને માની રહ્યા છે, અને ૧૭ર ના બહુમતના મેજિક ફીગર સુધી કદાચ ભાજપ ન પહોંચે તો પણ ભાજપના ચાણક્ય અમિતભાઈ શાહ અને ભાજપની ખાસ ટીમ બહુમતિ મેળવી શકે તેવી તાકાત તો ધરાવે જ છે ને!
અત્યારે મતગણતરીને આડે હજી ૧૯-ર૦ દિવસ બાકી છે ત્યારે આજનો અહેવાલ કદાચ 'ભેંસ ભાગોળે અને છાસ છાગોળે' જેવો લાગે તે સ્વાભાવિક છે, પણ તેમ છતાં, જામનગર/હાલાર માટે ઉજ્જવળ તક સર્જાવાની પૂરી શક્યતા અહીં પ્રસ્તુત છે.
અત્યાર સુધીના કેન્દ્ર સરકારના વિવિધ પક્ષોના શાસનકાળમાં ૧૯૬૭ પછી જામનગર બેઠક પરથી ચૂંટાયેલા કોઈ સંસદસભ્યને કેન્દ્રિય મંત્રી મંડળમાં સ્થાન મળ્યું નથી.
૧૯પ૭-૬ર અને ૧૯૬ર-૬૭ સુધી મુંબઈ રાજ્ય અંતર્ગત મધ્ય સૌરાષ્ટ્ર બેઠક ઉપરથી મનુભાઈ શાહ સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતાં અને આ બન્ને ટર્મ દરમિયાન તેઓ જવાહરલાલ નહેરૂ, લાલબહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધીના વડાપ્રધાનપદ હેઠળની સરકારમાં કેન્દ્રિય મંત્રી રહ્યા હતાં, (જો કે મનુભાઈ શાહ મૂળ તો સુરેન્દ્રનગર જિલ્લાના વતની હતાં).
જયસુખભાઈ હાથી પણ મૂળી ગામે જન્મેલા અને તેઓ ૧૯પ૭ માં મુંબઈ રાજ્ય અંતર્ગત સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતાં. તે અગાઉ પણ તેઓ ૧૯પ૦-૧૯પર માં પણ નિયુક્ત સંસદસભ્ય તરીકે રહ્યા અને કેન્દ્રિય મંત્રી બન્યા હતાં. (હાલારનું પ્રતિનિધિત્વ ગણી શકાય)
પણ... ત્યારપછી... અર્થાત્ ૧૯૬૭ થી ર૦ર૪ સુધી... પ૭-પ૭ વર્ષથી કેન્દ્રિય મંત્રી મંડળમાં જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા કોઈ સંસદસભ્યને સ્થાન નથી મળ્યું તે હકીકત છે. દોલતસિંહજી જાડેજા, નારાયણ દાંડેકર, વિનોદભાઈ શેઠ, ચંદ્રેશભાઈ પટેલ, વિક્રમભાઈ માડમ અને પૂનમબેન માડમ સંસદસભ્ય તરીકે ચૂંટાયા, પણ કેન્દ્રિય મંત્રી તરીકે પસંદગી પામ્યા નથી!
આ વખતની ચૂંટણીના પરિપક્ષ્યમાં જોઈએ તો ગુજરાતમાંથી પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોસ અને ભારતીબેન શિયાળ ઉમેદવાર જ નથી. રંજનાબેન ભટ્ટને પણ ટિકિટ મળી નથી. નીમુબેન બાંભણીયા, શોભનાબેન બારૈયા અને રેખાબેન ચૌધરી પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં જામનગરમાંથી પૂનમબેન માડમનો વિજય થાય તો તેઓ ગુજરાતના મહિલા સાંસદોમાં ત્રીજી વખત ચૂંટાનાર સૌથી સિનિયર સાંસદ બનશે.
ગુજરાતમાંથી જો એનડીએ સરકારમાં ચાર જેટલા સાંસદોને સ્થાન આપવામાં આવે અને તેમાં એક મહિલાને સ્થાન આપવાનો નિર્ણય થાય તો પૂનમબેન માડમ એકમાત્ર નામ જ આગળ આવે તેવી પૂરી શક્યતા છે.
આ અહેવાલ પણ જો અને તો જેવો ભલે લાગે પણ... ચૂંટણીમાં જ્યારે ગમે તેવી ગણતરીઓ ઉંધી પડતી હોય છે ત્યારે આ પ્રકારનું ગણિત સાચું પણ ઠરતું જ હોય છે.
જામનગર લોકસભા બેઠક પરથી પૂનમબેન માડમ વિજેતા થાય અને કેન્દ્રમાં ન.મો.ના નેતૃત્વવાળી ભાજપ સરકાર સત્તા પર આવશે તો આ વખતે પ૭ વર્ષ પછી જામનગરના સાંસદને કેન્દ્રિય મંત્રી મંડળમાં સ્થાન મળે તેવા અતિ ઉજળા સંજોગો છે જ!
હારજીત અને પક્ષા-પક્ષીના રાજકારણને ચૂંટણી પૂર્ણ થયા પછી સાઈડમાં રાખીને આપણે સૌ આશા રાખીએ કે કેન્દ્રિય મંત્રી મંડળમાં જામનગરને મહત્ત્વનું સ્થાન મળે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial