Advertisement
Author: નોબત સમાચાર

કોંગ્રેસને ચૂંટણી ટાણે જ બીજો ઝટકોઃ આવકવેરા વિભાગે ફટકારી રૂપિયા ૧૭૦૦ કરોડની નોટીસ

ગઈકાલે દિલ્હી હાઈકોર્ટે આઈટીની કાર્યવાહીને પડકારતી અરજી ફગાવ્યા પછી

નવી દિલ્હી તા. ર૯: કોંગ્રેસને આવકવેરા વિભાગે ર વિભાગની ૧૭૦૦ કરોડની નોટીસ ફટકારતા લોકસભાની ચૂંટણી પહેલા દેશના સૌથી જુના પક્ષની આર્થિક મુશ્કેલીમાં વધારો થયો છે. હવે ર૦૧૭-૧૮ થી લઈને ર૦ર૦-ર૧ માટે નોટીસ મળી છે, જેમાં દંડ-વ્યાજ સામેલ છે. એક તરફ ખાતાઓ ફ્રીઝ છે, ત્યાર પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી હવે આયકર વિભાગની નોટીસ મળતા કોંગ્રેસને બીજો ઝટકો લાગ્યો છે.

કોંગ્રેસ પાર્ટીને ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાંથી સૌથી પહેલો ઝટકો લાગ્યો હતો. જે પછી આવકવેરા વિભાગે મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો હતો. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ ૧૭૦૦ કરોડ રૂપિયાની નોટીસ ફટકારી છે તેથી બીજો ઝટકો લાગ્યો છે.

આવકવેરા વિભાગની નવી માંગ ર૦૧૭-૧૮ થી ર૦ર૦-ર૧ માટે છે. જેમાં દંડ અને વ્યાજ બન્નેનો સમાવેશ થાય છે. આ રકમ હજુ વધવાની શક્યતા છે. આવકવેરા વિભાગ ર૦ર૧-રર થી ર૦ર૪-રપ સુધીની આવકના પુનર્મૂલ્યાંકનની રાહ જોઈ રહ્યું છે. તેની કટ ઓફ ડેટ રવિવાર સુધીમાં પૂર્ણ થશે.

કોંગ્રેસના વકીલ અને રાજ્યસભાના સાંસદ વિવેક ટંખાએ કહ્યું કે પક્ષ કાનૂની પડકારને આગળ ધપાવશે. તેમણે આવકવેરા વિભાગની આ કાર્યવાહીને અલોકતાંત્રિક અને અયોગ્ય ગણાવી હતી, અને આરોપ લગાવ્યો હતો કે ગુરુવારે પક્ષને મુખ્ય દસ્તાવેજો વિના લગભગ ૧,૭૦૦ કરોડ રૂપિયાની નવી નોટીસ મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીનું લોકસભા ચૂંટણી દરમિયાન આર્થિક રીતે ગળું દબાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ચાર વર્ષના સમયગાળા માટે કર સત્તાવાળાઓ દ્વારા તેની સામે કરવેરા પુનઃ આકારણીની કાર્યવાહીની શરૂઆતને પડકારતી કોંગ્રેસની અરજીઓને ફગાવી દીધી હતી. જસ્ટિસ યશવંત વર્મા અને જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, અન્ય એક વર્ષ માટે પુનર્મૂલ્યાંકનની રજૂઆતમાં દખલ કરવાનો ઈન્કાર કરતા તેના અગાઉના ચૂકાદા અનુસાર અરજીઓ ફગાવી દેવામાં આવે છે. હાલની બાબત વર્ષ ર૦૧૭ થી ર૦ર૧ સુધીની આકારણી સાથે સંબંધિત છે.

ગયા અઠવાડિયે નકારી કાઢવામાં આવેલી અન્ય અરજીમાં કોંગ્રેસ પક્ષે આકારણી વર્ષ ર૦૧૪-૧પ થી ર૦૧૬-૧૭ સંબંધિત પુનઃમૂલ્યાંકનની કાર્યવાહીની શરૂઆતને પડકારી હતી. રર માર્ચે હાઈકોર્ટે તે દલીલોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ટેક્સ ઓથોરિટીએ પ્રાથમિક દૃષ્ટિએ પૂરતા અને નક્કર પુરાવા એકત્રિત કર્યા છે, જેને વધુ તપાસની જરૂર છે.

અરજીમાં કોંગ્રેસે દલીલ કરી હતી કે આવકવેરા કાયદાની કલમ ૧પ૩ (અન્ય વ્યક્તિની આવકનું મૂલ્યાંકન) હેઠળની કાર્યવાહી એપ્રિલ, ર૦૧૯ માં ચાર વ્યક્તિઓ પર હાથ ધરવામાં આવેલી તપાસ પર આધારિત હતી અને તે ચોક્કસ સમયમર્યાદાની બહાર હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh