Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ આરોપીની કરી લેવાઈ અટકાયતઃ
જામનગર તા. ૪: લાલપુરના ઝાખર ગામમાં ગઈરાત્રે એક મહિલાની તેના સગા દિયરે પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. મૃતકના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અગાઉ દિયર-ભાભી વચ્ચે અનૈતિક સંબંધ બંધાયો હતો. તે પછી પતિએ પત્નીને સમજાવટ કરતા તેણીએ દિયર પ્રત્યેથી ધ્યાન આપવાનું બંધ કરતા કંકાસની શરૂઆત થઈ હતી. તેમાં ગઈરાત્રે મોબાઈલ તૂટી જવાનો મુદ્દો બોલાચાલીનું કારણ બન્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી છે.
આ ચકચારી બનાવની વધુ વિગત મુજબ લાલ૫ુર તાલુકાના ઝાખર ગામમાં રહેતા બળવંતસિંહ પ્રેમસંગજી સોઢા (ઉ.વ.૩૬) તથા તેમના પરિવારજનો ગામના સોસાયટી વિસ્તારમાં વસવાટ કરે છે. તે દરમિયાન ગઈકાલે સાંજે આ પરિવાર ભોજન માટે બેસી રહ્યો હતો. ત્યારે બાજુના રૂમમાં સૂઈ રહેલા બળવંતસિંહ સોઢાના નાનાભાઈ વિજય સિંહને જમવા માટે બોલાવાયો હતો. તે જમવા આવ્યો ત્યારે તેણે દૂધ માંગ્યું હતું પરંતુ દૂધ ન હોવાનું કહેવાતા વિજયસિંહ ભાણેથી ઉભો થઈ ગયો હતો અને ખાટલે બેસી ગયો હતો.
ત્યારપછી બળવંતસિંહના બાળકના હાથમાંથી મોબાઈલ પડી જતાં તેમના પત્ની રીનાબા (ઉ.વ.૩૦)એ પુત્રને ફડાકો ઝીંકી દીધો હતો. ત્યારે પિતા બળવંતસિંહે પત્નીને વાર્યા હતા. તે વખતે નશામાં હાલતમાં રહેલા વિજયસિંહે મોબાઈલ માટે જ ડખ્ખો થાય છે ને તેમ કહી મધ્યસ્થી કરી હતી. તેથી બળવંતસિંહે પોતાના પત્નીને નજીકમાં જ આવેલા પિતાના ઘેર જતા રહેવા કહ્યું હતું અને રીનાબા ત્યાં ચાલ્યા ગયા હતા.
થોડીવાર પછી રીનાબાનો દિયર વિજયસિંહ પણ ઘરેથી ચાલ્યો ગયો હતો. મામલો ઠંડો પડી ગયો તેમ માની બળવંતસિંહ સસરાના ઘેર ગયા હતા અને ત્યાં જઈ પત્ની અંગે પૂછપરછ કરતા રીનાબા હમણા જ ઘેર ગયા તેમ કહેવાતા પતિ ઘેર પરત આવ્યા હતા જ્યાં રીનાબાને ન જોઈ પતિ બળવંતસિંહ ફરીથી બહાર નીકળ્યા હતા. આ વેળાએ એક શેરીમાંથી રીનાબા લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા અને મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા.
આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ધસી ગયો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. માટે જામનગર ખસેડ્યા પછી વિજયસિંહની અટકાયત કરી હતી અને પતિ બળવંતસિંહનું નિવેદન નોંધ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યા મુજબ બળવંતસિંહના નાનાભાઈ વિજય તથા પત્ની રીનાબા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. તેની જાણ થતાં બળવંતસિંહે બંનેને સમજાવતા રીનાબા માની ગયા હતા અને દિયર વિજયથી દૂર રહેવા ઉપરાંત તેની વાત સાંભળતા ન હતા કે કહ્યું કરતા ન હતા તેથી રીનાબા પર દિયર વિજય ગિન્નાતો હતો. તે દરમિયાન ગઈકાલે રાત્રે ફરીથી મોબાઈલ બાબતે બોલાચાલી થયા પછી ઘેરથી પોતાના પિતાના ઘેર જઈ પરત આવતા ભાભીને રસ્તામાં રોકી પથ્થરથી હુમલો કરી મ્હોં તથા કપાળના ભાગે પથ્થરના ઘા ઝીંકી વિજયસિંહે કરપીણ હત્યા નિપજાવી હતી. આ બાબતની મોડીરાત્રે બળવંતસિંહે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ રીનાબા તથા બળવંતસિંહના લગ્ન તેરેક વર્ષ પહેલાં થયા પછી આ દંપતીને બાર વર્ષ તથા છ વર્ષના બે પુત્ર છે. દિયર-ભાભીના આડા સંબંધના મામલે આ બંને બાળકોએ માતાની છત્રછાયા ગૂમાવી છે. મોડીરાત્રે પોલીસે આરોપી વિજયસિંહની અટકાયત કરી લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial