Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા, ગુજરાત રાજ્ય અને છેલ્લા ૧૦ વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું બહુમતિ સાથે શાસન પ્રવર્તે છે. જામનગર શહેરના વિકાસ માટે ઘણાં વરસોથી વિવિધ વિકાસ કામોની જાહેરાતો થઈ રહી છે અને તેમાંથી કેટલાંક મૂર્તિમંત પણ થઈ શક્યા છે.
તેમ છતાં.... હજી પણ અનેક જાહેર કરેલા સંકલ્પો, કેટલાક ખાતમુહૂર્ત કરેલા પ્રોજેક્ટો અને વરસોથી જેના ગાણાં ગવાઈ રહ્યાં છે, મોટા-મોટા નિવેદનો તથા દરેક ચૂંટણી સમયે સંકલ્પપત્ર (ગેરન્ટી કાર્ડ) માં જાહેર થતા કામોની સ્થિતિ આજે શું છે...? માત્ર આ વિકાસના કામોનો કમનસીબ અને કરૂણ રકાસ જ જોવા મળે છે...!
જોડિયા પાસે દરિયાના ખારા પાણીને મીઠું પાણી કરવાના કરોડો રૂપિયાના ડીસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત જાહેર કાર્યક્રમમાં થયું... બસ શું થયું રામ જાણે...? આ પ્રોજેક્ટ રદ્દ કરવાની સત્તાવાર જાહેરાત કરવી પડી...! મતલબ... પ્રોજેક્ટ નહીં થાય....!
શેખપાટ નજીક નવી અદ્યતન વિશાળ ઔદ્યોગિક વસાહતની જાહેરાત થઈ... પણ હજી એ દિશામાં કોઈ કાર્યવાહી થઈ નથી...!
આ ઔદ્યોગિક વસાહત સરકારી ધોરણે થાય તે પહેલા તો જામનગર આસપાસના વિસ્તારોમાં ખાનગી ઈન્ડસ્ટ્રીયલ હબ બની ગયા... રહ્યાં છે.
જામનગર શહેરની જનતાને દૈનિક પાણી વિતરણની વાતો છેલ્લા ર૦ કરતા વધારે વરસોથી હવામાં ગુંજી રહી છે...! બસ... વાતો જ થાય છે... હજી સુધી દૈનિક પાણી વિતરણ માટે કોઈ નક્કર કામગીરી થઈ નથી તે હકીકત છે...!
જામનગર શહેરની મધ્યમાં આવેલા અને ઈંગ્લેન્ડના લોર્ડઝ મેદાનની પ્રતિકૃતિ સમાન ઐતિહાસિક અને ભવ્ય ક્રિકેટ બંગલાના મેદાનનો રાષ્ટ્રીય સ્તરની અને આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ મેચો રમાય તેવો વિકાસ કરવાના બદલે રજવાડાની ભેટ સમાન અને માત્ર ક્રિકેટની રમત માટે જ નિર્માણ થયેલા આ મેદાનમાં અન્ય રમતોના કમઠાણ ઊભા થઈ ગયા!
જામનગર શહેર ફરતે ત્રણ-ચાર સ્થળે સ્પોર્ટસ સંકુલ બનાવવાની જાહેરાતો પણ દમ વગરની પૂરવાર થઈ રહી છે...!
જામનગર શહેરના વધી રહેલા વિસ્તાર અને વસતિને ધ્યાને લઈને ત્રીજા સ્મશાનની જરૂર છે. મહાનગરપાલિકાના તંત્રની અણઆવડત ક્યાંક રાજકીય દબાણ કે કોઈ બિલ્ડર/લેન્ડ ડેવલપરના હિતને ધ્યાને લઈને સ્થળ પસંદગીમાં લોચો થયો હતો... નવેસરથી બે-એક વરસથી નવા સ્થળની શોધખોળ ચાલી રહી છે... જોઈએ આ શોધખોળ ક્યારે પૂરી થાય છે...!
જામનગરમાં ૩પ વર્ષ પહેલા બનેલું એસ.ટી. બસ સ્ટેન્ડ જીર્ણ થઈ ગયું છે તેના સ્થાને નવું એસ.ટી. બસ સ્ટેન્ડ બનાવવા માટે રહી રહીને ગતિવિધિ શરૂ થઈ છે.. જોઈએ કેટલો સમય લાગે છે...!
જામનગર શહેર ફરતે રીંગરોડ બનાવવાની વાતો પણ દર વખતે ઉચ્ચારાય છે... પણ તેની ડિઝાઈન કે લાઈનદોરી જ નક્કી થઈ નથી...!
રખડતાં ઢોરના ત્રાસ અંગે ગુજરાત હાઈકોર્ટના કડક દિશા-નિર્દેશો અને ગુજરાત સરકારના આદેશોનું પાલન કરવામાં સત્તાધિશો હજીપણ રાજકીય દબાણ અને માલધારીઓની વોટબેંકના કારણે પગલા લેતા અચકાઈ રહ્યા હોય તેમ જણાય છે!
જામનગરની ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વધુને વધુ ચિંતાજનક અને જોખમી બની રહી છે. માર્ગો પર રેંકડી-પથારાવાળાના દબાણો છાસવારે હટાવવાના માત્ર નાટકો થતા હોય તેવી સ્થિતિ છે... કારણ કે દબાણો હટાવાયા પછી થોડા જ સમયમાં તેજ દબાણો તે જ સ્થળે 'વટ'થી થઈ જાય છે. (માત્ર હપ્તાખોરીનું દુષણ જ જવાબદાર હોવાની ટીકા અને ચર્ચા અસ્થાને નથી).
શહેરની મધ્યમાં રેલવેની માલિકીવાળી જુના રેલવે સ્ટેશનવાળી વિશાળ અને અબજો રૂપિયાની કિમતી જમીનો પરથી દબાણો હટાવવાની વાત તો દૂર રહી... અહીં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ, ચારે તરફ ફેલાતી ગંદકી... શહેરની શોભાને કલંક લાગે તેવા બેહુદા અને અત્યંત કઢંગા-ગંદા દૃશ્યો જુના રેલવે સ્ટેશનના કારણે સર્જાયા છે... કોણ આ સમસ્યા દૂર કરશે ?
શહેરના માર્ગોને પહોળા કરવા માટે કોઈ દૂરંદેશીવાળા પગલા લેવાયા નથી.. માર્ગો પર દબાણો નાછૂટકે આડેધડ પાર્કિંગ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગ બંધ... વગેરે કારણોસર માર્ગો અત્યંત સાંકડા બની ગયા છે... નગરજનો માટે બજારમાં અવરજવર મુશ્કેલ બની રહી છે.. આ સમસ્યાના કાયમી ઉકેલની દિશામાં કોઈ સત્તાધિશે કયારેય વિચાર કર્યો જ નથી !
શહેરની મધ્યમાં આવેલા તળાવના પાણીને સ્વચ્છ રાખવા તેની ફરતેના વિસ્તારોમાંથી ઠલવાતી ગંદકી, કેનાલ મારફતે આવતો કચરો અટકાવવા કોઈ ચોક્કસ અને કાયમી વ્યવસ્થા નથી! માત્ર સિક્યોરીટી પાછળ જ દર વરસે લાખોનો ખર્ચ થઈ રહ્યો છે!
શહેર ફરતેના નજીકના વિસ્તારોમાં રહેણાંક વિસ્તારનો વિકાસ થાય તેના બદલે તેને ઔદ્યોગિક ઝોનમાં ફેરવી નાખવાના કારસા થયા... માણેકનગર, લાલવાડી વિસ્તારમાં અબજો રૂપિયાની જમીનોની હરાજીમાં મોટાપાયે ગેરરીતિ/ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુલ્યું.. પણ આજ સુધી કોઈ પગલાં કે કાયદેસરની કાર્યવાહી થઈ નથી!
નગરપાલિકા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના નવીનીકરણ, સુવિધાયુકત બનાવવાની જરૂર છે. જામનગરમાં એક ડીગ્રી અભ્યાસ ક્રમ સાથેની સરકારી એન્જીનિયરીંગ કોલેજની જરૂર છે.
શહેરના તમામ માર્ગો જે થીંગડાવાળા છે. ઉબડખાબડ છે. ખાડાવાળા છે તેને મજબૂત રીતે નવા અને સમથળ કરવાની તાતી જરૂર છે. ફૂટપાથો વ્યવસ્થિત કરી, તેના પર થતાં દબાણો હટાવવા કાયમી તકેદારી રાખવાની જરૂર છે.
આ તો માત્ર ધ્યાનમાં આવતા મોટા પ્રશ્નો છે.. બાકી તો નાની મોટી અનેક સમસ્યાઓ શહેરના દરેક વોર્ડ-વિસ્તારોમાં છે. પણ તેની સામે કેટલાક ઉપયોગી મહત્ત્વના મેગા પ્રોજેકટ પણ થયા છે તે સ્વીકારવું પડે !
લાખોટા તળાવ મધ્યનો કિલો, ભૂજીયો કોઠો, ખંભાળીયા ગેઈટનો હેરીટેજ લૂક સાથે ડેવલપમેન્ટ પ્રોજેકટ સાકાર થયો છે.
સુભાષ બ્રીજથી સાત રસ્તા સુધીનો લાંબો ફલાય ઓવર હવે પૂર્ણતાના આરે છે. દિગ્જામ મીલ તરફ અને સમર્પણ હોસ્પિટલ તરફના માર્ગો પર રેલવે ટ્રેક ઉપર ઓવર બ્રીજ બન્યા, બેડી રોડ પર પણ રેલવે ટ્રેક પર ઓવરબ્રીજ બન્યો, જેના કારણે ટ્રાફિકમાં મોટી રાહત થઈ છે.
જામનગરમાં નવા વિકસી રહેલા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની અને પીવાના પાણીની પાઈપલાઈનો નાંખી સુવિધા આપવાની કાર્યવાહી થઈ રહી છે. નવા નવા સમ્પ અને ટાંકા બની રહ્યા છે.
આમ એકંદરે જામનગર મહાનગર ભલે કહેવાતું હોય પણ ગુજરાતના અન્ય મહાનગરોની સરખામણીમાં હજી વિકાસની દૃષ્ટિએ ઘણું...ઘણું.. પાછળ છે. ખરેખર તો દર અઢી-પાંચ વરસે પદાધિકારીઓ બદલાય જાય છે, તેમાં કોઈ પદાધિકારી દીર્ધદૃષ્ટિ દેખાડી શકયા નથી, અને મ્યુનિ. કમિશનર કે મનપાના અન્ય ઉચ્ચ અધિકારીને પણ જામનગર શહેરના વિકાસ માટે શું કરવું જોઈએ તેવો વિચાર આવ્યો નથી.. અથવા વિચાર-ચર્ચા કરવાનો સમય નથી!
જામનગરના ચૂંટાયેલા ઉચ્ચ રાજકીય નેતાઓ, જામનગરની પ્રતિષ્ઠિત સંસ્થાઓ, વિચારકો, નિષ્ણાતોની સાથે બેઠકો યોજી જામનગરના સર્વાંગી વિકાસ માટે, લોકોને વધુને વધુ સારી સુવિધા મળે, લોકોનું જીવન સુચારું બને તે દિશામાં ચર્ચા-વિચાર ગોષ્ઠી કરવાની અને તેના નિષ્કર્ષો પરિણામલક્ષી બને તેવા પ્રયાસો કરવાની જરૂર છે.. કોણ આગળ આવશે...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial