Advertisement
Author: નોબત સમાચાર

ખીજડીયા સમ્પ પાસે જામનગર મહાપાલિકાએ ૧૧૦૦ વૃક્ષો વાવ્યા

૫ક્ષી અભ્યારણના પંખીઓને ખોરાક મળી રહે, તેવો અભિગમઃ

જામનગર તા. ૧૭: જામનગર મહાનગરપાલિકા દ્વારા ખીજડીયા સમ્પ સ્થળે ૧૧૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું. પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભ્યારણ નજીક અહી પક્ષીઓને ખોરાક મળી રહે તેવો અભિગમ રખાયો હોવાનું જણાવાયું હતું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પરીકલ્પના મુજબ એક વ્યક્તિ એક વૃક્ષ* અને એક વૃક્ષમાં કે નામ સુત્રને સાર્થક કરતા આગામી દિવસોમાં ૫૦૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે ખીજડીયા સમ્પ પાસે ૧૧૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જામનગર નજીકના ખીજડીયા સમ્પ પાસે વૃક્ષારોપણ તથા જામનગર મહાનગરપાલિકા, વનવિભાગ જામનગર અને નંદ વિદ્યા નિક્તેન સ્કૂલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના  મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા,  સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન  નિલેશભાઈ કગથરા,  શાસક પક્ષ નેતા  આશિષભાઈ જોષી,  શાસક પક્ષ દંડક કેતનભાઈ નાખવા, મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદી, નાયબ વન સંરક્ષક આર. ધનપાલ, નાયબ વન સંરક્ષક આર. બી. પરસાણા, કોર્પોરેટર ગોપાલભાઇ સોરઠીયા, ડે. કમિશ્નર ડી. એ. ઝાલા, સીટી એન્જિનિયર ભાવેશભાઈ જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું હતું કે ઘનિષ્ઠ વૃક્ષારોપણના કારણે આપણને વધુ માત્રામાં ઓક્સીજન મળી રહે છે. અને વરસાદ સારા એવી માત્રામાં પડે છે.  પૃથ્વી ઉપર વૃક્ષો વગર મનુષ્યનું અસ્તિત્વ શક્ય જ નથી માટે આપણે આપણું અસ્તીત્વ ટકાવી રાખવા માટે પણ વિશાળ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. વધુમાં, જણાવતા કહ્યું હતુ કે, પાન-મસાલા દ્વારા પ્લાસ્ટિક જે તે જગ્યાએ ફેકી દેવાથી તે પ્લાસ્ટીક જમીનમાં જાય છે અને જમીનની ફળદ્રુપતા ઓછી કરે છે માટે લોકો તેઓના રોજ બરોજના વ્યવહારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ ઓછા પ્રમાણમાં કરવો જોઈએ.

સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા, વનવિભાગ સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓને સાથે રાખી આગામી દિવસોમાં ૫૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવા જઈ રહી છે. જેના ભાગરૂપે આજે ૧૧૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ ખીજડીયા સમ્પમાં કરવામાં આવ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભ્યારણની નજીક આ જગ્યા આવેલી હોય ખાસ અહીં પક્ષીઓને ખોરાક મળી રહે તે પ્રકારના વૃક્ષો સરગવો, સીતાફળ, રેઈન ટ્રી, આમળા, સેતુર, જાંબુ, દાડમ અને બોરસલી, દેશી ગુંદી વિગેરેના વૃક્ષો વાવવામાં આવ્યા છે. ખીજડીયા સમ્પમાં વાવેતર કરવાથી મહાનગરપાલિકાને ટ્રી ગાર્ડનો ખર્ચ તેમજ પાણીનો ખર્ચ પણ બચી  જવા પામશે. તેવું સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષભાઈ કગથરાએ વધુમાં જણાવ્યું હતું.

વૃક્ષારોપણ કાર્યક્રમમાં નંદ વિદ્યા નિકેતનના આચાર્ય રાધેક્રિષ્ના પાંડે અને અંબીકા મેડમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ નુકકડ શેરી નાટક દ્વારા વૃક્ષનું મહત્વ જણાવ્યું હતું અને લોકોને વૃક્ષ વાવવા પ્રોત્સાહીત કર્યા હતા. શેરી નાટક ભજવનાર તમામ વિદ્યાર્થીઓને મહાનગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અંગેના શપથ લેવડાવ્યા હતા.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત આગેવાનો, વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક સંસ્થાના હોદેદારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ જોષી અને હિમાંશુભાઈ જેઠવા દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh