Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર-જામનગર બે, દ્વારકા-કલ્યાણપુર અઢી, ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ઈંચ સુધી વરસાદ

હાલારમાં ગાજવીજના કડાકા-ભડાકા-ચમકારા સાથે મેઘવૃષ્ટિઃ એક શ્રમિકનું મૃત્યુઃ એક બાઈકચાલક તણાયોઃ ઠેર-ઠેર જલભરાવ

જામનગર તા. ૧૭: સમગ્ર હાલાર પંથકમાં ગઈકાલે મેઘરાજાનું ફરી એક વખત ધમાકેદાર આગમન થયું હતું. વીજળીના ચમકારા અને વાદળોની ગડગડાટી વચ્ચે વરસેલા સારા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં, તો વીજળી ત્રાટકતા કાલાવડ પંથકમાં ખેત શ્રમિકનું મૃત્યુ થયું હતું, તો એક બાઈકચાલક વોકળામાં તણાયો હતો, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આકાશી વીજળી ત્રાટકતા ચાર પશુના મૃત્યુ થયા હતાં.

ચાર-પાંચ દિવસના વિરામ પછી મેઘરાજાની પુનઃ આગમન થયું હતું. ગત્ મોડી સાંજે જામનગર શહેરમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો, અને ૪ર મી.મી. પાણી વરસી ગયું હતું. પરિણામે શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. તેવી જ રીતે લાલપુરમાં પણ પ૪ મી.મી. એટલે બે ઈંચથી વધુ વરસાદ થતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયું હતું, જ્યારે કાલાવડમાં પણ ૩ર મી.મી. લગભગ દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો, જ્યારે લાલપુર પંથકમાં ૧૭ મી.મી. વરસાદ નોંધાયો છે.

કાલાવડ તાલુકાના જસાપર ગામમાં આકાશી વીજળી ત્રાટકતા અંબાલાલ વરસીંગભાઈ નામના ખેત શ્રમિકનું મૃત્યુ થયું હતું, જ્યારે કાલાવડના મકાજી મેઘપરમાં વોકળામાં એક બાઈકચાલક પાણીના પ્રવાહમાં તણાયો હતો, જો કે બાઈક મળી ગયું હતું, પરંતુ તેના ચાલકનો પતો લાગ્યો ન હતો.

આ ઉપરાંત અમુક ગામડામાં પણ સારો વરસાદ થયો હોવાનું નોંધાયું છે. જેમાં વસઈ ૩૪ મી.મી., લાખાબાવળ ૧૯ મી.મી., મોટી બાણુંગાર ર૮ મી.મી., ફલ્લા રપ મી.મી., જામવણથલી ૪૦ મી.મી., મોટી ભલસાણ ર૦ મી.મી., અલિયાબાડા ર૦ મી.મી., દરેડ ૪પ મી.મી., જાળિયા દેવાણી ર૦ મી.મી., નિકાવા ર૦ મી.મી., ખરેડી ૧૨ મી.મી., મોટા વડાળા ૪ર મી.મી., ભ. બેરાજા પ૪ મી.મી., નવાગામ ૪૦ મી.મી., મોટા પાંચદેવડા ૩૮ મી.મી., સમાણા ૪૯ મી.મી., શેઠવડાળા પર, જામવાડી ૪૩ મી.મી., વાંસજાળિયા ૪૦ મી.મી., ધુનડામાં ૧ર મી.મી., ધ્રાફા ૩ર મી.મી., પરડવા ૪પ, પીપરટોડા પ૮ મી.મી., પડાણા પ૦ મી.મી., મોટા ખડબા ૪૪ મી.મી., મોડપર ૪૮ મી.મી. અને હરિપર ૩ર મી.મી. વરસાદ નોંધાયો છે. આમ સાર્વત્રિક સારા વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી હતી, તો અનેક જળાશયોમાં નવા પાણીની આવક થવા પામી હતી. ખાસ કરીને રણજીતસાગર ડેમમાં વધુ બે ફૂટ પાણીની આવક થતા સપાટી રર ફૂટે પહોંચી છે.

તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલે અડધાથી ત્રણ ઈંચ જેટલો વરસાદ થયો હતો. ગઈકાલે સવારે કલ્યાણપુર-ખંભાળિયામાં એક-એક ઈંચ વરસાદ થયા પછી સાંજે વધુ એક વખત મેઘમહેર થઈ હતી. છેલ્લા ર૪ કલાકમાં ભાણવડમાં અડધો ઈંચ, દ્વારકામાં અઢી ઈંચ જ્યારે કલ્યાણપુરમાં અઢી ઈંચ, વરસાદ થયો છે.

ગત્ સાંજે ૬ થી ૭ વાગ્યા સુધી ખંભાળિયા, કલ્યાણપુર પંથકમાં માત્ર પોણો કલાકમાં બે ઈંચ વરસાદ થયો હતો. ખંભાળિયામાં સારા વરસાદથી નગરગેઈટ, જોધપુર ગેઈટ, રામનાથ રોડ, પોરબંદર રોડમાં પાણી ભરાઈ ગયા હતાં. આથી વાહનચાલકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલી બન્યું હતું.

ભારે વરસાદના કારણે વડાત્રા, ભાડથર, હરિપર, આસોટા, લાંબા, ભોગાત, સહિતના ગામોમાં નદીઓમાં પૂર આવ્યા હતાં, તો ખેતરો પણ તળાવ બની ગયા હતાં, જો કે આટલો વરસાદ થતાં એક પણ ડેમ છલકાયો નથી, પરંતુ નવા નીરની આવક થવા પામી છે.

અત્યાર સુધીનો મોસમનો કુલ વરસાદ જોઈએ તો ભાણવડમાં ૩પ૪ મી.મી. (૧૪ ઈંચ), દ્વારકામાં ૧૩ ઈંચ, કલ્યાણપુરમાં ૧૮ ઈંચ, અને ખંભાળિયામાં ૩૧ ઈંચ વરસાદ થયો છે. તંત્ર પણ તમામ સ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડબાય રખાયું હતું.

કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે વીજળી ત્રાટકતા ત્રણ ભેંસ અને લાંબા ગામે વીજળીથી ગાયનું મૃત્યુ થયા હતાં. ખંભાળિયાના બેરાજા ગામમાં દેવસીભાઈ ચાવડાના મકાન ઉપર વીજળી પડતા ઈલેક્ટ્રીક ઉપકરણોને ભારે નુક્સાન થયું હતું, તો કલ્યાણપુર પંથકમાં ભારે પવનના કારણે ઘરના પતરા ઊડ્યા હતાં.

કલ્યાણપુરના ભોગાત પાસે વીજ કંપનીના મોટા ટાવર પડી ગયા હતાં. વીજવાયરો તૂટ્યા હતાં અને ખેડૂતોના પાકને પણ નુક્સાન થયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh