Advertisement
Author: નોબત સમાચાર

સોશ્યલ મીડિયા અને ઓટીટી પર ઉપલબ્ધ અશ્લીલ અને વાંધાજનક સામગ્રી પર પ્રતિબંધ

ઓસ્ટ્રેલિયાની તર્જ પર ભારતમાં પણ

નવી દિલ્હી તા. ર૮: સોશ્યલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ અશ્લીલ અને વાંધાજનક સામગ્રીથી બાળકોને દૂર રાખવા ઓસ્ટ્રેલિયાનું મોડમ ભારતમાં લાગુ થઈ શકે છે.

સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ અશ્લીલ અને વાંધાજનક સામગ્રીથી બાળકોને દૂર રાખવાની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે, પરંતુ કડક કાયદાકીય જોગવાઈઓના અભાવે તેને ચલાવતી કંપનીઓ ભારતમાં કમાણી કરી રહી છે.

સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાના રસ્તાઓ શોધવામાં આવી રહ્યા છે. સરકારી વય-સંબંધિત દસ્તાવેજોના ઉપયોગથી વ્યક્તિની ગોપનીયતા અને સાયબર સુરક્ષા સાથે ચેડાં થઈ શકે તેવા આશંકાથી સોશિયલ મીડિયા કંપનીઓને બાળકોને તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરવાથી રોકવામાં તેમની લાચારી બતાવવાની તક મળી છે. સર્વસંમતિનો માર્ગ શું હોવો જોઈએ તેના પર ચર્ચા ચાલુ છે. ભારત સરકારે હાલના કાયદાઓને વધુ કડક બનાવવા પર ચર્ચા અને સર્વસંમતિ સાધવાની પણ હાકલ કરી છે.

ઓસ્ટ્રેલિયાની સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે બુધવારે એક બિલ પસાર કર્યું જેમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર રાખવાની જવાબદારી સંબંધિત કંપનીઓ પર નાખવામાં આવી છે. જો તે નિષ્ફળ જાય તો પાંચ કરોડ ઓસ્ટ્રેલિયન ડોલર (રૂ. ર૭૪ કરોડ) સુધીના દંડની જોગવાઈ છે.           મોટાભાગના પક્ષોએ તેને ટેકો આપ્યો હોવાથી સેનેટમાંથી પણ તે પસાર થવાની ધારણાં છે.

જો ઓસ્ટ્રેલિયા આ કાયદાને લાગુ કરવામાં સફળ થાય છે, તો તે ચોક્કસપણે વિશ્વ માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે. અત્યાર સુધી કોઈપણ દેશમાં આવો કોઈ કાયદો લાગુ કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ઓસ્ટ્રેલિયન સરકારને સંબંધિત બિલ પર મતદાનને ઓછામાં ઓછા આવતા વર્ષુ જૂન સુધી મુલતવી રાખવા વિનંતી કરી હતી. કંપનીઓએ દલીલ કરી હતી કે જ્યાં સુધી સરકાર વય-નિર્ધારણ ટેકનોલોજી અને તેનો અમલ કેવી રીતે કરવો જોઈએ તેનો મૂલ્યાંકન અહેવાલ બહાર પાડશે નહીં ત્યાં સુધી કાયદો બનાવવો જોઈએ નહીં. સરકારે આ વિનંતી સ્વીકારી ન હતી.

ભારતના કેન્દ્રિય પ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં કહ્યું કે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રીને રોકવા માટે વર્તમાન કાયદાઓને વધુ કડક બનાવવાની જરૂર છે. લોકસભામાં માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું કે સંસદીય સ્થાયી સમિતિએ આ મુદ્દા પર વિચાર કરવો જોઈએ. તેમણે આ બાબતે વધુ કડક કાયદા બનાવવા સર્વસંમતિ બનાવવા માટે પણ હાકલ કરી હતી. ભાજપના સાંસદ અરૂણ ગોવિલના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતાં.

લોકસભામાં હોબાળા વચ્ચે અરૂણ ગોવિલે સવાલ કર્યો કે ઓટીટી પ્લેટફોર્મ પર જે બતાવવામાં આવી રહ્યું છે તે ખૂબ જ અશ્લીલ છે. ઓટીટી પ્લેટફોર્મ પર આવતી આ સામગ્રી પરિવાર તરીકે સાથે બેસીને જોઈ શકાતી નથી. જેના કારણે આપણા નૈતિક મૂલ્યોનું પતન થયું છે. શું મંત્રી અમને કહી શકે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેક્સ કન્ટેન્ટને રોકવા માટે હાલની મિકેનિઝમ શું છે? આ પ્લેટફોર્મનો દુરૂપયોગ રોકવા માટે હાલનો કાયદ બહુ અસરકારક નથી. હાલના કાયદાને વધુ કડક બનાવવા માટે સરકાર પાસે શું પ્રસ્તાવ છે?

ઉલ્લેખનિય છે કે, ઓસ્ટ્રેલિયાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બુધવારે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાના બિલની તરફેણમાં ૧૦ર વોટ પડ્યા હતાં અને તેની વિરૂદ્ધમાં માત્ર ૧૩ વોટ પડ્યા હતાં.

આ બિલમાં મળેલી જોગવાઈઓ મુજબ જો ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ્સ હોવાનું જણાયું તો ઈન્સ્ટાગ્રામ, ટીકટોક, ફેસબુક, સ્નેટચેટ અને 'એક્સ' સહિતના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર સુધીનો દંડ લાદવામાં આવશે. સોશિયલ મીડિયા કંપનીઓને પ્રસ્તાવિત કાયદાનું પાલન કરવાની વ્યવસ્થા કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવશે, તે પછી જ તેમના પર નાણાકીય દંડ લાદવામાં આવશે.

મીડિયા કંપનીઓ યુઝરની ઉંમરની અધિકૃતતાની ખાતરી કરવા માટે સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરશે નહીં. આ માટે સેનેટમાં સંશોધન બિલ રજૂ કરવામાં આવશે. તેનો અર્થ એ કે વપરાશકર્તાઓને પાસપોર્ટ અથવા ડ્રાઈવીંગ લાયસન્સ જેવી સરકારી ઓળખ પ્રદાન કરવાની જરૂર રહેશે નહીં. તેમને સરકારી સિસ્ટમો દ્વારા ડિજિટલ ઓળખ ફરજિયાત કરવાની પણ મંજુરી આપવામાં આવશે નહીં.

ઓસ્ટ્રેલિયાની સંસદમાં ચર્ચા દરમિયાન ઘણાં સ્વતંત્ર સાંસદોએ કહ્યું કે આ કાયદો ઉતાવળમાં બનાવવામાં આવી રહ્યો છે. તેથી તે બિન અસરકારક સાબિત થઈ શકે છે. એક સાંસદે કહ્યું કે આ કાયદાનો વાસ્તવિક હેતુ સોશિયલ મીડિયાને ડિઝાઈન દ્વારા સુરક્ષિત બનાવવાનો નથી, પરંતુ માતા-પિતા અને મતદારોમાં એવો ભ્રમ ઊભો કરવાનો છે કે સરકાર પગલાં લઈ રહી છે.

વપરાશકર્તાઓની ગોપનીયતાને જોખમમાં મૂકી શકે છે અને માતા-પિતાના તેમના બાળકોની સુખાકારી માટે નિર્ણય લેવાના અધિકાર પર અતિક્રમણ કરી શકે છે. અત્ય સાંસદે જણાવ્યું હતું. ઘણાં માને છે કે આ પ્રતિબંધ બાળકોને દૂર કરી શકે છે, તેમને સોશિયલ મીડિયાના હકારાત્મક પાસાઓથી વંચિત કરી શકે છે અને તેમને ડાર્ક વેબ તરફ આકર્ષિત કરી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh