Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી, પ્રભારીમંત્રી અને વનમંત્રીએ કર્યુ વૃક્ષારોપણઃ "કૃષ્ણ વડ"નું સ્થાપન
ખંભાળીયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાને દ્વિતીય સાંસ્કૃતિક વન "હરસિદ્ધિ વન"ની ભેટ આપવાની સાથે-સાથે એક પેડ મા કે નામ અભિયાનને વેગવંતુ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્રિષ્ન વડ વૃક્ષનું વૃક્ષારોપણ કરી પ્રકૃતિની મહત્તાનો પ્રેરક સંદેશો આપ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાકૃતિક વિરાસતમાં વૃદ્ધિ કરતા ગાંધવી ખાતે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરતા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કંડારાયેલી સાંકૃતિક વનોના નિર્માણની શ્રૃખંલામાં પ્રસિદ્ધ દર્શનીય સ્થળ હર્ષદ નજીક નિર્મિત હરસિદ્ધિ વન ૨૩મું ઉપવન છે.
મુખ્યમંત્રી દેવભૂમિ દ્વારકાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ્યના વન વિભાગ દ્વારા ૦૫ હેક્ટરમાં નિર્માણ પામેલા હરસિદ્ધિ વનનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી તેની મુલાકાત લીધી હતી અને સેરેમોનીયલ ગાર્ડનમાં ક્રિષ્ન વડનું સ્થાપન કર્યું હતું.
ઉપરાંત પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ , વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા સહિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી નાગરિકોને મહત્તમ વૃક્ષોનું વાવેતર કરવા પ્રેરિત કર્યા હતા.
દ્વારકાથી સોમનાથ જતાં પ્રવાસીઓ માટે બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે સાબિત થનારા હરસિદ્ધિ વનમાં મુખ્ય આકર્ષણના કેન્દ્રો જોઈએ તો મુખ્ય પ્રવેશ દ્વાર, પ્રવેશ ૫રિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રી કૃષ્ણ ઉ૫વન, શ્રી કૃષ્ણ કમળ વાટિકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણોનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.
આ વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન, તાડ વાટીકા, ૫વિત્ર ઉ૫વન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેકટસ વાટીકા વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવ્યુ છે.
આ કાર્યક્રમમાં પ્રકૃતિના સંવર્ધન માટે યોગદાન આપનારા સેવાભાવીઓને "વન પંડિત પુરસ્કાર" થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં અદાણી ફાઉન્ડેશનને રૂપિયા ૫૦ હજાર, નારણભાઈ કાનજીભાઈ રાવળને રૂ. ૨૫ હજારનો ચેક આપીને બિરદાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મહેસાણા તથા ભરૂચ તાલુકા પંચાયત, વેલુ ગ્રામ પંચાયત, લક્ષ્મણભાઈ રાવલિયા, હરજીભાઈ કારેણા, લાભુભાઈ સગર, રમેશભાઈ સાંકળિયા, અરવિંદભાઈ ડેડાણીયા, સણજા ચિરાગભાઈ, સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધવી ખાતે પધાર્યા બાદ સૌપ્રથમ હર્ષદ માતાજીના દર્શન કર્યા હતા અને રાજ્યના વિકાસ તથા નાગરિકોની સુખાકારીની કામના કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ૨૩મા સાંસ્કૃતિક વન - હરસિદ્ધિ વન ખાતે પહોંચ્યા હતા. અહીં તકતી અનાવરણ કરીને મુખ્યમંત્રીએ સાંસ્કૃતિક વન લોકોને સમર્પિત કર્યું હતું. બાદ મુખ્યમંત્રી તેમજ મહાનુભાવોએ વનની સુંદરતા નિહાળી હતી. ત્યારપછી માતૃવન ખાતે "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.
નોંધનીય છે કે, કુલ મળીને પાંચ એકરમાં ફેલાયેલા અને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્મિત હરસિદ્ધિ વનના લોકાર્પણ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાને બીજા સુંદર સાંસ્કૃતિક વનની ભેટ મળી છે. અગાઉ વર્ષ ૨૦૧૩-૧૪માં વન મહોત્સવ અંતર્ગત તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગમાં નાગેશ વનનું લોકાર્પણ કર્યું હતું. નવા સાંસ્કૃતિક વનના લોકાર્પણ સાથે દેવભૂમિ દ્વારકાના પ્રવાસન સ્થળોમાં વધુ એક આકર્ષણ ઉમેરાયું છે.
આ કાર્યક્રમમાં જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, અગ્ર મુખ્ય વન સંરક્ષક યુ.ડી.સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષક (સા.વ.) ડો. એ.પી. સિંગ, અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) નિત્યાનંદ શ્રીવાસ્તવ, જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી.ધાનાણી, નાયબ વન સંરક્ષક દેવભૂમિ દ્વારકા અરૂણકુમાર, નાયબ વન સંરક્ષક જામનગરના આર. ધનપાલ સહિતના મહાનુભાવો તેમજ બહોળી જનમેદની ઉપસ્થિત રહી હતી.
ઉપરાંત બાળ વાટિકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન, ગઝેબો, સનસેટ પોઇન્ટ પ્રવાસીઓને આકર્ષિત કરશે. પર્યટકોની સુગમતા ધ્યાને લઇ પાર્કીંગ એરીયા, ટોયલેટ અને પીવાના પાણી, રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ વનમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો જેવા કે વડ, પીપળો, પ્રાગ વડ, દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ પીલુ, નાળીયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલા છે. વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત ૪૧૬૧૯ રોપાઓનું વાવેતર કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મહાન સપૂત અને તત્કાલીન કેન્દ્રીય મંત્રી સ્વ.શ્રી કનૈયાલાલ મુનશીજીએ વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. ભારતીય સંસ્કૃતિ પ્રાચીન કાળથી જ પ્રકૃતિ નો મહિમા અનેરો છે. સ્વ. શ્રી કનૈયાલાલ મુનશીજીના પર્યાવરણ સંવર્ધનના અભિયાનને દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આગળ ધપાવતા વન મહોત્સવના ઉત્સવને સંસ્કૃતિના મહાત્મય ઉજાગર કરવાના ઉમદા આશયથી સાંસ્કૃતિક વનોના નિર્માણની અનોખી પરંપરાની શરૂઆત કરાવી હતી. પરંપરાના પથને આગળ ધપાવતા આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવનિર્મિત દ્વિતીય સાંસ્કૃતિક વન *હરસિદ્ધિ વન*ની ભેટ આપી છે.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ખાતે નવનિર્મિત *હરસિદ્ધિ વન* એ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું દ્વિતીય સાંસ્કૃતિક વન છે. આ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જિલ્લાને નાગેશ વનની ભેટ આપી છે. જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસીઓ સંખ્યામાં વધારો થતાં સ્થાનિક માટે ઉન્નતિનો માર્ગ ખુલશે.
આ તકે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તેમજ વન વિભાગના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial