Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રાહકો પાસેથી દાગીના બનાવવા જૂનું સોનુ અને રોકડ મેળવ્યા પછી મારી દીધા દુકાનને તાળા! ગ્રાહકો ચિંતામગ્નઃ
જામનગર તા. ૧૬: જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા જૂની સોની બજાર નજીકના બુગદામાં વર્ષાેથી દુકાન ચલાવતા એક સોની વે૫ારી દોઢેક મહિના પહેલાં અચાનક પોતાની દુકાન બંધ કરીને અદૃશ્ય બની ગયા છે. તેમના પર વિશ્વાસ રાખી સોનાના દાગીના બનાવવા આપનાર કેટલાક ગ્રાહકો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે. તેમાંથી ૧૧ ગ્રાહકો પોલીસ સમક્ષ આવ્યા છે. આ ગ્રાહકોએ રૂ. ૩૭ લાખ ઉપરાંતની તેમની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા બુગદામાં ક્રિષ્ના જવેલર્સ નામની દુકાન ચલાવતા અને સેતાવાડ નજીક દીપ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે વસવાટ કરતા મનિષભાઈ ચંદુભાઈ નાંઢા નામના વેપારી વર્ષાેથી સોનીકામની દુકાન ચલાવે છે. જેના કારણે તેઓના ગ્રાહકો તેમના પર વિશ્વાસ ધરાવતા હતા. આ વેપારી સોનાના જૂના દાગીનામાંથી નવા દાગીના બનાવી આપવા ઉપરાંત તૂટી ગયેલા દાગીનાના સમારકામ સહિતના કામ કરતા હતા.
વર્ષાેથી તેમના કેટલાક ગ્રાહકો બાંધેલા હોવાના કારણે તેઓ પોતાની દુકાનેથી આ ગ્રાહકોને સોનાના દાગીના હપ્તા પર પણ બનાવી આપતા હતા અને તેથી ગ્રાહકો તેમના પર ભરોસો કરતા હતા.
તે દરમિયાન આ વેપારી ગઈ તા.૩૦ જુનના દિને પોતાની દુકાને આવ્યા ન હતા. તેઓની દુકાન બંધ જોયા પછી બે-ચાર દિવસ સુધી ગ્રાહકોએ તેમની રાહ જોઈ હતી પરંતુ આ દુકાન ખોલવામાં જ ન આવતા ગ્રાહકોને તેઓની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થવા લાગ્યો હતો. વારંવાર દુકાને આવી તપાસ કરતા ગ્રાહકોમાંંથી ૧૧ ગ્રાહકોને આ વેપારીએ અંદાજે રૂ. ૩૭ લાખ ૮૫ હજાર ૬૫૦નો ચૂનો લગાવી દીધો હોવાની વિગતો બહાર આવી છે. આ તમામ ગ્રાહકો વતી એક ગ્રાહક જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા સુનિતાબેન અશોકભાઈ ગેડીયા નામના મહિલાએ ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ક્રિષ્ના જવેલર્સવાળા મનિષભાઈ ચંદુલાલ નાંઢા સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ સુનિતાબેને થોડા સમય પહેલાં આ દુકાનમાં બે તોલા વજનનો રૂ. ૧,૩૭,૯૦૦ની કિંમતનો સોનાનો સેટ બનાવ્યો હતો. તે સેટમાં નિયમ મુજબ હોલમાર્ક કરી આપવામાં આવ્યો ન હતો. તેથી સુનિતાબેને આ સેટ હોલમાર્ક કરી આપવા વેપારી મનિષભાઈને પરત આપ્યો હતો. તે સેટ પાછો મળ્યો ન હતો. આ ઉપરાંત નગરના કંકુબેન નામના ગ્રાહકે ક્રિષ્ના જવેલર્સમાં સોનાના દાગીના બનાવવા માટે કટકે કટકે રૂ. ૬ લાખ ૨૦ હજાર જમા કરાવ્યા હતા. તે રકમની સામે દાગીના બનાવી આપવાની બદલે મનિષભાઈ પોતાની દુકાનને તાળુ મારીને પલાયન થઈ ગયા છે.
લાખુબેન નામના ગ્રાહકે સોનાના નવા દાગીના બનાવવા માટે મનિષભાઈને એક તોલાનો સોનાનો ચેન અને અડધા તોલાની સોનાની બુટી આપવા ઉપરાંત રૂ. ૫૦ હજાર કટકે કટકે જમા કરાવ્યા હતા. તેમની રૂ. ૧ લાખ ૨૦ હજારની મત્તા જમા થઈ હતી. જ્યારે ઉર્મિલાબેને જૂના દાગીનામાંથી નવા દાગીના બનાવવા બે તોલાનો સોનાનો ચેન અને રૂ. ૮૦ હજાર રોકડા મનિષભાઈને આપ્યા હતા, નયનાબા શક્તિસિંહ ગોહિલ નામના મહિલાએ સોનાની પાંચ તોલાની ચાર બંગડી, રૂ. ૧ લાખની કિંમતના સોનાના પાટલા, એક તોલાની સોનાની બુટી મનિષભાઈને આપવા ઉપરાંત રૂ. ૩ લાખની કિંમતનું સોનાનું બિસ્કિટ તથા રૂ. ૪૦ હજારની સોનાની વીટી અને વધુમાં રૂ. ૯ લાખ રોકડા જમા કરાવ્યા હતા. આમ, કુલ રૂ. ૧૬ લાખ ૪૦ હજાર રોકડા અને દાગીના નયનાબાએ જમા કરાવ્યા હતા. જયેશભાઈ સામતભાઈ નામના આસામીએ બે તોલાની સોનાની મગમાળા માટે રૂ. ૧ લાખ ૨૦ હજાર જમા કરાવ્યા હતા અને સોનાની સર માટે રૂ. ૩૦ હજાર આપ્યા હતા, વિનોદભાઈ ઉકાભાઈ નામના આસામીએ રૂ. ૩ લાખ ૭૦ હજાર દાગીના બનાવવા આપ્યા હતા, હીરેનભાઈ ગોવિંદભાઈએ રૂ. દોઢ લાખ જમા કરાવ્યા હતા, જીતેશભાઈ નામના સુવર્ણકારે સોનાના રૂ. ૩૯,૭૫૦ના પાંચ ગ્રામ વજનના સોનાના દાણા આપ્યા હતા. તેની સામે મનિષભાઈએ બીજુ સોનુ આપવાની વાત કરી હતી, હંસાબેન ગાંડુભાઈ મકવાણાએ પાંચ તોલાની સોનાની હાંસડી-રૂ. ર લાખની આપી હતી તેની સામે મનિષભાઈ સોના-ચાંદીના નવા દાગીના બનાવી આપવાના હતા.
૧૦મા ગ્રાહક બીનાબેન હરગોવિંદભાઈ સોલંકીએ સોનાનો ચેન બનાવવા રૂ. ૫૦ હજાર જમા કરાવ્યા હતા અને ૧૧મા ગ્રાહક વિજયસિંહ ચંદુભા જાડેજાએ અઢી તોલાની સોનાની લક્કી અને સોનાનો નખ મળી કુલ રૂ. ૯૨ હજારના દાગીના અને રૂ. પપ હજાર રોકડા નવા દાગીના બનાવવા માટે મનિષભાઈને આપ્યા હતા.
આવી રીતે કુલ ૧૧ ગ્રાહક પાસેથી મનિષભાઈએ રોકડ, સોનાના જૂના દાગીના મળી રૂ. ૩૭,૮૪,૬૫૦ની મત્તા મેળવી લીધા પછી પોતાની દુકાન બંધ કરી દઈ છેતરપિંડી આચરી છે. પોલીસે તેની સામે આઈપીસીની કલમ ૪૦૬, ૪૨૦ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
સતત ધમધમતા ચાંદી બજાર વિસ્તારમાં અને ખાસ કરીને બુગદામાં આ વેપારીનું ફૂલેકા પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હાલમાં ૧૧ ગ્રાહક એકત્ર થઈ પોલીસ સુધી પહોંચ્યા છે. ત્યારે હજુ કેટલાક ગ્રાહકો ભોગ બન્યા હોવાનું બિન આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસે આ વેપારીના રહેણાંક તેમજ અન્ય આશ્રયસ્થાનો ચકાસવાનું શરૂ કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial