Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ દુનિયામાં કેટલાક પ્રોબ્લેમ શાશ્વત હોય છે અને સર્વવ્યાપી પણ, જે મને, તમને, એટલે કે આપણને બધાને હંમેશાં પરેશાન કરતા રહે છે. અને આવો જ, બધાને પરેશાન કરતો એક પ્રોબ્લેમ છે -- હેલ્મેટ પહેરવાનો પ્રોબ્લેમ.
સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે સામાન્ય માણસોના ભલા માટે, એટલે કે સામાન્ય માણસોની સુરક્ષા માટે. હું તો માનું છું કે સરકાર બધા જ કાયદા સામાન્ય માણસોના ભલા માટે જ બનાવે છે. અને એટલા માટે જ આવા બધા કાયદાઓનું પાલન પણ સામાન્ય માણસોએ જ કરવાનું હોય, કોઈ ખાસ માણસોએ નહીં.
હવે હેલ્મેટનો કાયદો બની જ ગયો છે તો તેનું પાલન તો થવું જ રહ્યું. એટલા માટે જ હાઇકોર્ટ પણ વારંવાર સરકારને અને સરકાર પોલીસને હેલ્મેટના કાયદાના અમલ માટે હુકમ કરતી રહે છે. અને પોલીસ પણ તેનો અમલ કરે છે -- વાહન ચાલકો પાસેથી કચકચાવીને દંડ વસૂલ કરીને.
અને આપણી કામ કરતી સરકાર પણ પોલીસે વસૂલ કરેલા આ દંડની રકમના અમુક કરોડ રૂપિયાના આંકડા જાહેર કરીને પોતાની જાતે જ પોતાની પીઠ થપથપાવી લે છે..!
હેલ્મેટ જેવી બીજી પણ એક જોગવાઈ કાયદામાં છે, વાહનોની હેડલાઇટ બાબત. કાયદો કહે છે કે વાહનોની હેડલાઈટ ૭૨ વોટ કે તેનાથી ઓછી હોવી જોઈએ, જો વધુ હોય તો તેના પ્રકાશથી સામેના વાહન ચાલકની આંખો અંજાઈ જાય અને અકસ્માત થવાની શક્યતા ખૂબ જ વધી જાય. મોડીફાઇડ લાઇટોના આ જમાનામાં મોટાભાગના વાહનોની હેડ લાઇટ ૩૦૦ થી ૩૫૦ વોટની હોય છે.
અને જ્યારે આ મોડીફાઇડ હેવી લાઈટ્સની આપણે ફરિયાદ કરવા જઈએ તો સરકારમાંથી જવાબ મળે છે કે, *એકવાર આ હેલ્મેટની સમસ્યાનો ઉકેલ આવવા દો પછી ચપટી વગાડતા જ હેડલાઈટની સમસ્યાનો પણ ઉકેલ લાવી દઈશું..!*
અનંતકાળ સુધી ચાલનારી હેલ્મેટની સમસ્યાનો મેં તો એક સરસ મજાનો ઉકેલ શોધી કાઢ્યો છે. મેં એક સરસ મજાની નવી સાયકલ ખરીદી લીધી છે. તેનાથી મને ત્રણ ફાયદા થયા છે.
એક, હવે મને કદી ટ્રાફિક પોલીસની બીક લાગતી નથી.
બીજું, મારું પેટ્રોલનું બિલ ઝીરો થઈ ગયું છે.
અને ત્રીજું, મારી તબિયત એકદમ સારી થઈ ગઈ છે, અને હું મારા ડોક્ટર મિત્રોને કોઈપણ જાતના ટેન્શન વગર મળી શકું છું..!!
મારો આ હેલ્મેટનો પ્રોબ્લેમ સોલ્વ થયો ત્યારે જ મારે ઓસ્ટ્રેલિયા જવાનું થયું. હું ઓસ્ટ્રેલિયા તો સુખરૂપ અને શાંતિથી પહોંચી ગયો. પરંતુ ત્યાં પહોંચતા જ અનુભવ થયો કે હેલ્મેટનો પ્રોબ્લેમ શાશ્વત તો છે જ અને સર્વવ્યાપી પણ છે. બન્યું એવું કે ઓસ્ટ્રેલિયા પહોંચીને બીજે દિવસે વહેલી સવારે તૈયાર થઈને બહાર નીકળ્યો, તો પારસ હેલ્મેટ લઈને સામે જ ઊભો હતો અને બોલ્યો,
*પપ્પા, આ લ્યો તમારી હેલ્મેટ.. પહેરી લો..*
*પણ શા માટે ? મારે ક્યાં બાઈક ચલાવવાનું છે ? હું તો સાયકલ ચલાવવા જાઉં છું...*
*મને ખબર છે, અને એટલા માટે જ કહું છું કે હેલ્મેટ પહેરી લો..*
*અરે પણ સાયકલ ચલાવવા માટે હેલ્મેટનું શું કામ છે?* મેં દલીલ કરી તો પારસે કહ્યું, *પપ્પા, આ ઓસ્ટ્રેલિયા છે આપણું ઇન્ડિયા નથી. અહીં સાયકલ ચલાવવી હોય તો પણ હેલ્મેટ પહેરવી પડે..!*
અનુભવે રીઢો થયેલો હું ફરી એકવાર હેલ્મેટના શરણે ગયો. ઘણાં સમયે ફરી એકવાર હેલ્મેટ પહેરી અને એડિલેડના રસ્તાઓ ઉપર સાયકલ સવારીની મોજ માણી.
વિદાયવેળાએઃ આજના રાજકારણ વિશે
આપણામાં એક કહેવત છે કે, "પાંચે આંગળીઓ સરખી નથી હોતી."
વાત તો બિલકુલ સાચી છે પરંતુ આપણો અનુભવ કહે છે કે, જ્યારે "ખાવા" ની કે "ખવડાવવા" ની વાત આવે ત્યારે તો બધી જ આંગળીઓ ભેગી થઈ જાય છે..!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial